Monthly Archives: મે 2013

ધર્મ ભુલાયો જગથી આજે યોગેશ્વર તમે આવો

સામાન્ય

ધર્મ ભુલાયો જગથી આજે યોગેશ્વર તમે આવો

અધર્મનું અંધારું હણવા ગીતા દીપ જલાવો …

 

રાગ દ્વેષના ફણી ફૂંફાડા જીવનને ભડકાવે

ઈર્ષા ક્રોધ તણાં વિષ છલકે જગને એ સળગાવે

કાલિય મર્દન કરવા પ્રભુજી મન યમુનામાં આવો …      ધર્મ …

 

ભ્રાંત ભક્તિના બુમ બરાડા જ્ઞાનીને અકળાવે

શુષ્ક જ્ઞાનની ચર્ચાઓ તો દિલનો ભાવ ઘટાવે

જ્ઞાન ભક્તિ ને કર્મયોગની સંગમ ધાર વહાવો …           ધર્મ …

 

દુ:શાસન ના હાથ મહીં (તો) લજ્જાનાં ચીર ચીરાયે

શકુનિ કેરા દાવ પેચમાં જીવન મુલ્ય હણાયે

મૂક બેઠા પાંડવ મધુસુદન એને રાહ બતાવો …            ધર્મ …

 

વસુદેવ સહુ કારાગૃહમાં કંસો રોફ જમાવે

પાપાચારી અહીં પૂજાતા ભક્તો દુ:ખ ઉઠાવે

સાધુ રક્ષણ કાજ મુરારી ચક્ર ધરીને આવો …                  ધર્મ …

 

કંસ તણા અંશો અહીં મલકે કાળયવન અકળાવે

મૃત દુર્યોધન બેઠા થઈ (ને) ભોગોના ભૂત નચાવે

રોતા પાર્થ ઉઠાડી ને હરી ગાંડીવ હાથ ઝલાવો …            ધર્મ …

============== ૐ ==============

ભાદરવા સુદ પૂનમ સં. ૨૦૩૫, ગુરુવાર તા. ૬-૯-૭૯.

Advertisements

કલાકાર છું હું તો કલાકાર છું

સામાન્ય

(રાગ- અભિમાન છે જાને મને અભિમાન છે …)

 

કલાકાર છું હું તો કલાકાર છું

મારું જીવન શણગારનાર કલાકાર છું

વિશ્વ કલાકાર નું હું સંતાન છું

મારું જીવન શણગારનાર કલાકાર છું …

 

રુદિયા ની વાટિકામાં રંગો છલકાવવા

સંધ્યા ને ઉષાના દેહ થી ઉલેચવા

સુખ દુ:ખને રંગનાર ચિત્રકાર છું …      મારું જીવન …

 

નસ નસ ને ધબકારે ગીતો છે ગુંજવાં

લોહીના ઝરણ મહીં સૂર મારે છેડવા

હાસ્ય તણી સરગમનો ગુંજનાર છું …    મારું જીવન …

 

જીવનમાં મારે અસ્મિતા નચાવવી

સ્ફૂર્તિ ને મારે રગરગમાં દોડાવવી

કિસ્મત નચાવનાર નૃત્યકાર છું …        મારું જીવન …

 

સદ્ગુણનાં શિલ્પો જીવનમાં કંડારવાં

વિકારો સ્વીકારી એને શોભાવવા

જીવનને ઘડનારો શિલ્પકાર છું …         મારું જીવન …

 

સ્થપતિ થઈ દેહનું છે મંદિર બનાવવું

ઈશ્વરને પધરાવી જીવન દિપાવવું

જીવનનાં સ્થાપત્યો યોજનાર છું …       મારું જીવન …

 

કલાના ગુરુતો દાદાજી છે સાથ માં

વિશ્વકલાકાર તો યોગેશ્વર સંગાથ માં

થઈને પૂજારી હું પૂજનાર છું …               મારું જીવન …

========= ૐ ========

શ્રાવણ સુદ પડવો સં. ૨૦૩૫, બુધવાર તા. ૨૫-૭-૭૯.

ધરતીના ચહેરા પર આજે ઉલ્લાસ છે

સામાન્ય

(રાગ – યોગેશ્વર તુજ દિસે મારી બસ માવડી …)

 

ધરતીના ચહેરા પર આજે ઉલ્લાસ છે

પાંડુરંગ તારા જન્મદિનનો ઉત્સાહ છે …

 

રોતા ચહેરા પર છે હાસ્ય તણા વાયરા

હૈયાની બેઠક પર જામ્યા છે ડાયરા

જીવનની સરગમ નો તું તો લલકાર છે …     પાંડુરંગ …

 

તારી ઉંમરને ના બુઢાપો લાગતો

કામ તને સ્પર્શીને યૌવન ને પામતો

યૌવનનો પુંજ તું તો જીવન શણગાર છે …    પાંડુરંગ …

 

સૂર્યદેવ કર્મયોગ જોઈ થંભી ગયા

સરીતા સમ વહેતું તુજ જીવન નિરખી રહ્યા

લાખો જીવનનો તું ધબકતો પ્રાણ છે …         પાંડુરંગ …

 

યાજ્ઞવલ્ક્ય ગર્જે છે વાણીની આગમાં

વેદવ્યાસ દમકે છે શાસ્ત્રો લઈ સાથમાં

શંકર ને વલ્લભનો તું તો અવતાર છે …          પાંડુરંગ …

 

હજારો આયુષ્યો તુજ પર કુરબાન હો

નાનું જીવન મારું તુજ માં વિરામ હો

જીવતાં કઈ જીવનનો તું તો  આધાર છે …     પાંડુરંગ …

============ ૐ ============

ભાદરવા વદ છઠ સં. ૨૦૩૫, મંગળવાર તા. ૧૧-૯-૭૯.

શિક્ષક તું શારદાનો અવતાર છે

સામાન્ય

(રાગ – ડરવાનું મારે હવે શું કામ છે …)

 

શિક્ષક તું શારદાનો અવતાર છે

તું તો માનવ કુસુમ કેરો બાગવાન છે

 

આચારો આચરીને આચાર્ય તું થજે

વિચારો ફેલાવીને વિચારક તું થજે

ધ્યેય કેરા મારગ પર દોરનાર છે …      તું તો …

 

જીવન  જીવિકાનો અર્થ તું બતાવજે

વિદ્યા ને કલા કેરા મર્મ ને સમજાવજે

જીવનનાં શિલ્પોનો શિલ્પકાર છે …     તું તો …

 

ભાવના ભિખારી માં ભાવ તું વધારજે

જ્ઞાનની ગરીબીને મૂળ માંથી કાઢજે

બુધ્ધિ ને હૈયા ને જોડનાર  છે …           તું તો …

 

ભુખની બિમારી તો તારે છે ટાળવી

દુ:ખમાં ઝઝુમવાની શક્તિ પણ આપવી

નિષ્ઠા ને શ્રધ્ધા જગાવનાર છે …          તું તો …

 

શિષ્ય ને તું સોડમાં લઈ પ્રેમે શિખવાડજે

માતાનું વ્હાલ દઈ મમતા રેલાવજે

ગૌરવ ગુરુનું શોભાવનાર છે …             તું તો …

============ ૐ =========

શ્રાવણ સુદ બીજ સં. ૨૦૩૫ ગુરુવાર તા.૨૬-૭-૭૯.

ધરણીના પ્રાણ જુવો નાચતા રે લોલ

સામાન્ય

(રાગ – જનની ની જોડ સખી નહીં જડે રે લોલ …)

 

દુહો: સંસ્કૃતિ ને ધર્મમાં પેઠો ખુબ વિકાર

       હણવા સૌ વિકારને લીધો તે અવતાર

 

ધરણીના પ્રાણ જુવો નાચતા રે લોલ

પ્રગટ્યો છે પ્રેમનો અવતાર જો …     ધરણીના …

 

લડતાં નયણાં માં વ્હાલ પાંગર્યાં રે લોલ

બળતાં હૈયાં ને કીધાં શાંત જો …     ધરણીના …

 

ગીતાનું ગાન ગામ ગુંજતા રે લોલ

નટવર નાચે છે નેણ ગોખ જો …       ધરણીના …

 

માટીથી મર્દને ઉભા કીધારે લોલ

પિવડાવ્યા શૌર્ય તણા જામ જો …     ધરણીના …

 

જ્ઞાનીનાં જ્ઞાન ચરણ ચૂમતા રે લોલ

જ્ઞાન તણો તું તો છે પહાડ જો …      ધરણીના …

 

કર્મયોગ સૂરજ સમ આદર્યો રે લોલ

શરમાયો સૂર્ય તને જોઈજો …            ધરણીના …

 

માનવનાં મૂલ્ય તેં વધારીયાં રે લોલ

પિવડાવ્યાં ભાવામૃત ઘુંટ જો …        ધરણીના …

 

યૌવનનાં ફૂલડાં ખીલાવીયાં રે લોલ

રેલાવી સ્વાર્પણ ની મહેંક જો …        ધરણીના …

 

ઉપનિષદ વેદ ઝરણ ઉમટ્યાં રે લોલ

છલકાવ્યાં એણે જગમાંય જો …       ધરણીના …

 

પાંડુરંગ વાયુસમ વ્યાપિયો રે લોલ

કીધો પાંડુરંગી પરદેશ જો …             ધરણીના …

 

દુહો : આનંદો જગ માનવી એવો જામ્યો રંગ

દશમો થઈ અવતાર છે પ્રગટ્યો પાંડુરંગ

============ ૐ ===========

શનિવાર તા. ૩૦-૬-૭૯ .

છોડ મહીં રણછોડ પ્રગટશે

સામાન્ય

છોડ મહીં રણછોડ પ્રગટશે

યાજ્ઞવલ્ક્ય ઉપવનમાં રમશે

 

તરુપલ્લવ તાલીને તાલે મન કલીકાના દેહ ખીલવશે

શિતલ પવનની સાથે સાથે ભાવગીતોના સૂર રેલવશે … છોડ …

 

રસ ઝરતાં ફળ પામી વૃક્ષો નમ્ર બનીને નીચાં વળતાં

પરકાજે એ વિલિન થતાં ઈશ તેથી મુગટ શિર ધરશે … છોડ …

 

અન્નદેવને વરુણ દેવનો એ અવતાર બનીને રહેશે

રસ ને ફળ અર્પીને જગની ક્ષુધા તૃષાની શાંતિ કરશે … છોડ …

 

વધતાં વધતાં ગગને જાશે વ્યોમ તણાં ચુંબન એ લેશે

વર્ષાનાં વાહક થઈને એ તપ્ત હૃદયને ઠંડક દેશે … છોડ …

 

તાપ સહી શિતળતા દેવી પથ્થર સહી જન ક્ષુધા ભાંગવી

આશ્રય દઈને ભૂલી જવાની સહજ કલા અમને શિખવશે … છોડ …

 

શાંત થશે જનના સંતાપો હૃદય તણા દૂર થશે વિલાપો

ભગ્ન હૃદય અહીં એક બનીને એક મેક થઈને સૌ ઝુમશે … છોડ …

 

અર્જનનો એ પાઠ ભણાવી અર્પણના એ પાઠ શિખવશે

વધવાની એ દઈ પ્રેરણા વ્યાપકતાની વાત ભણવશે … છોડ …

 

પથ્થરની જડતા અહીંયા ના મૂર્તિની સ્થિરતા અહીયાંના

સ્થિર તોયે અમ જેવાં ઝુમી મન નર્તનના પાઠ ભણવશે … છોડ …

 

કોક વૃક્ષ નીચે બેસીને યાજ્ઞવલ્ક્ય જીવન ગીત ગુંજશે

અસ્મિતાનાં કિરણ વહાવી જન જનને પૌરુષ ફળ દેશે … છોડ …

============== ૐ ==============

અત્રી વંશજ આવો ગુરુવર

સામાન્ય

(રાગ- મારું જીવન અંજલિ થાજો …)

 

અત્રી વંશજ આવો ગુરુવર

પાંડુરંગ પધારો

દત્તનો અંશ પધારો ગુરુવર

પાંડુરંગ પધારો

 

મિથ્યા જ્ઞાન મહીં જન બળતા

શાસ્ત્ર તણાં શસ્ત્રે બહુ લડતા

ભાવ પિયુષ પીવડાવો …     ગુરુવર …

 

ભ્રાંત ભક્તિનાં પુર ઉમટતાં

માગણ દીન હીન જન સહુ રડતાં

જ્ઞાન પ્રદીપ પ્રગટાવો …      ગુરુવર …

 

યૌવન માં વૃદ્ધત્વ છવાયું

લાચારી આળસ ધન છાયું

પૌરુષને છલકાવો …         ગુરુવર …

 

સ્વાર્થ તણાં ભૂત જગમાં ભમતાં

એક બીજાને ખાવા મથતાં

શિવ થઈ ભૂત ભગાવો …    ગુરુવર …

 

વિષ ના સાગર માનવ હૃદયો

દ્વેષ ગુફાઓ માનવ નયનો

કરુણા જલ છલકાવો …     ગુરુવર …

 

સંસ્કૃતિને ધર્મ ઉગારો

માનવનું દૌર્બલ્ય નિવારો

ઈશ અવતાર પધારો …        ગુરુવર …

 

દત્તાત્રય સમ જન ઉધ્ધારક

જ્ઞાન ભક્તિને કર્મ ઉપાસક

ત્રિગુણાતીત પ્રભુ આવો …    ગુરુવર …

 

યોગીશ્વર મન ભાવન આવો

યોગેશ્વરના વ્હાલા આવો

અમ જીવન મુસ્કાઓ …        ગુરુવર …

============== ૐ ============