Monthly Archives: ઓગસ્ટ 2013

જીવનમાં માલ નથી.

સામાન્ય

ઈશને તરછોડી જીવનારા, માનવ જીવનમાં માલ નથી;

પ્રભુતા છોડી પશુતા પૂજી, જીવન જીવવામાં માલ નથી.

 

લોકોનાં શોણિતને ચુસતાં, ધન વૈભવને ભેગો કરતાં;

‘મોટા’ થઈ જગમાં ફરનારા, દાનવ જીવનમાં માલ નથી.            ઈશને . . .

 

ખુદની મહેનતનાં ગાન ગુંજે, ઈશ શક્તિ નામે ખૂબ ખીજે;

પ્રભુનો હિસ્સો નહીં દેનારા, એ ચોર જીવનમાં માલ નથી.           ઈશને . . .

 

માનવ દિલનાં ના ભાવ કળે, ને અન્ય વિકાસે ખૂબ બળે;

બીજાનો છેદ કરી, આગળ ધપનારાઓમાં માલ નથી.                ઈશને . . .

 

ગીતામાં પ્રભુજી એ કહેતાં, “મુજને દીધાં વિણ જે જમતાં”;

‘ખાયે પાપો’ હરિ તો વદતા, એ પેટભરામાં માલ નથી.                ઈશને . . .

 

છે યજ્ઞ જીવન મધુરું, એવું યજ્ઞીય ભાવે જીવન જીવવું;

મળશે જે કંઈ પ્રેમે લેવું, એ વિણ જીવનમાં માલ નથી.                ઈશને . . .

            === ૐ ===

Advertisements

તરુવર ઈશ્વરનો અવતાર, વિભૂતિ કહેતાં ગીતાકાર.

સામાન્ય

તરુવર ઈશ્વરનો અવતાર, વિભૂતિ કહેતાં ગીતાકાર.

 

પીપળે બ્રહ્મા વિષ્ણુ વસતા, સાથે શિવ સદા નિવસતા;

બોધિવૃક્ષ થઈ “બુધ” દેનાર . . .                                        તરુવર . . .

 

કદંબની ડાળી પર બેસી, કા’ન બજાવે મીઠી બંસી;

ગોપી વસ્ત્ર હરણ કરનાર . . .                                             તરુવર . . .

 

બીલીનું વૃક્ષ શિવજી પ્યારું, કર્મ જ્ઞાન ભક્તિ કહેનારું;

પ્રેમે ત્રિદલ શિરે ધરનાર . . .                                              તરુવર . . .

 

તુલસીજી વિષ્ણુને વરતાં, પ્રભુનાં વ્હાલાં થઈને રહેતાં;

થાતાં ઈશ્વર નિજ ભરથાર . . .                                             તરુવર . . .

 

ઔદુંબરની શીતળ છાયા નીચે, દત્ત પ્રભુ દેખાયાં;

કાઢે માનવનાં વિકાર . . .                                                   તરુવર . . .

 

વૃક્ષો દેતાં છાયા શીતલ, શિખવે સુખ દુ:ખ રહેવું અવિચલ;

પોષણ સુંદરતા દેનાર . . .                                                  તરુવર . . .

                === ૐ ===

અષાઢ સુદ પાંચમ, સં – ૨૦૩૬, ગુરુવાર. તા. ૧૭-૭-૧૯૮૦.

તારો હું બની જઉં કનૈયા તારો હું થઈ જઉં

સામાન્ય

તમારું મનન એજ મારું કવન હો!

(રાગ – મોરલી વેરણ થઈ રે કનૈયા તારી મોરલી વેરણ થઈ )

 

સ્વર: મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલ

 

 

 

તારો હું બની જઉં કનૈયા તારો હું થઈ જઉં.

 

 

મોરલીયો થઈ મોર પીંછ હું તારે શીશ ધરી દઉં

કાયાનું મયુરાસન કરીને સ્થાપન તુંજ કરી દઉં …           કનૈયા …

 

 

ગાય બનીને ગોકુળમાં હું તારા ધણમાં જઉં

તારા પ્રેમાળ સ્પર્શને પામી પાવન હું થઈ જઉં …              કનૈયા …

 

 

થઈને ફૂલડું તારા ચરણે ફોરમ ફોરી દઉં

તારાં જુલ્ફામાં જો ખોસે તો તો મલકી લઉં …                  કનૈયા …

 

 

સાગરના પેટાળે પોંચી શંખ હું બની જઉં

ચાહેતો એને બજવી લેજે પાંચજન્ય થઈ જઉં …              કનૈયા …

 

 

ચાંદલિયો થઈ ગગને પોંચી ગુણલાં તારાં ગઉં

ચંદ્રકિરણ ઘર ઘરમાં પોં’ચાડી તારી વાતો કહું …               કનૈયા …

=== ૐ ===

શ્રાવણ સુદ ચોથ, સં. ૨૦૩૪, મંગળવાર. તા. ૮-૮-૭૮.

View original post

માધવ મુકુંદ કેરું મુખડું ઉદાસ છે

સામાન્ય

તમારું મનન એજ મારું કવન હો!

માધવ મુકુંદ કેરું મુખડું ઉદાસ છે

મલકતા નયણાં માં આજે વિશાદ છે …     માધવ …

(નારાયણ … નારાયણ …)

 

દેહ છે સુકાયો ને આંસુડાં સારતી

ભુલ્યા છે માનવ એને એ દુ:ખ બતાવતી

સંસ્કૃતિની વાત સુણી ઈશ્વર નારાજ છે …    માધવ …

(નારાયણ … નારાયણ …)

 

કામતો બેફામ બની જીવનમાં નાચતો

ભુલ્યો નર ઈશ્વરને વાનર છે લાગતો

તેથી તો સંસ્કૃતિ માતા નિરાશ છે …             માધવ …

(નારાયણ… નારાયણ … )

 

ઈશ્વરની આંખ આજે યૌવનને ઝંખતી

“ઉંચકીશ હું ગોવર્ધન “ ટેકો એ ચાહતી

યૌવનને ચાહવાનું ઈશનું અરમાન છે …       માધવ …

(નારાયણ … નારાયણ …)

============= ૐ ===========

ચૈત્ર સુદ દસમ સં. ૨૦૩૫, શનિવાર તા. ૭-૪-૭૯.

View original post

ચાહો તો કાન તમે રમવાને આવજો

સામાન્ય

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સંગીતબદ્ધ થયેલ સ્વરચિત રચના.

તમારું મનન એજ મારું કવન હો!

છંદ

 

વિસરાઈ જતાં જીવન તત્વો

સત્વો વિસરાયાં ધર્મ તણાં

તે જોઈ પ્રભુનાં નયણાં થી

આસું છલકાયાં ગમગીની નાં

 

એ અશ્રુબિંદુ સાકારીત થઈ

દેખાયાં પાંડુરંગ રુપે

વહેતાં વહેતાં છલકંતા એ

જઈ ગામ ગામ ઘર ઘર રેલે


ચાહો તો કાન તમે રમવાને આવજો

સોણલાં અધુરાં પુરાં કરવાને આવજો …      ચાહો તો …

 

વંઠેલા દુર્યોધન કર્ણો રોળાઈ ગયા

ગર્જતા અર્જુનના પડઘા પડછંદ પડયા

વીર રસના સાગરમાં નાવાને આવજો …      ચાહો તો …

 

ગીતાના શબ્દોએ નવલા શણગાર સજ્યા

યૌવનના હૈયાના ઝુલે એ ઝુલી રહ્યા

યૌવન હીંડોળા પર ઝુલવાને આવજો …      ચાહો તો …

 

વેદ અને ઉપનિષદ ગીતાએ રાસ રચ્યા

શ્રુતિઓ ને સ્મૃતીઓએ એમાં જઈ તાલ પુર્યાં

નચવે છે પાંડુરંગ જોવાને આવજો …          ચાહો તો …

 

સૃષ્ટિમાં પ્રેમ તણી વૃષ્ટિ વરસાવતાં

શ્રધ્ધાની પુષ્ટિ ને તૃષ્ટિ પ્રસરાવતાં

નયનોનાં દર્શન દેવાને તમે આવજો …       ચાહો તો …

 

થાતું હશે કે” શાંને દશમો અવતાર ધરું

જીવતાં મડદાં ભમે ત્યાં…

View original post 46 more words

નિજને ખાતર બહુએ ઘૂમ્યા, ઈશને ખાતર ઘૂમવું છે.

સામાન્ય

નિજને ખાતર બહુએ ઘૂમ્યા, ઈશને ખાતર ઘૂમવું છે;

લોક હ્દયમાં ગીતા રેડી, ઈશનાં વ્હાલાં બનવું છે.

 

મંદિરને વિદ્યાલય બાંધ્યાં, જળાશયોમાં નીર વહાવ્યાં;

કીર્તિ ખાતર સઘળું કીધું, હવે પ્રભુને મળવું છે . . .         નિજને . . .

 

દયા દાનનાં પૂર વહાવ્યાં, સેવાનાં રેલા રેલાવ્યાં;

વાહ વાહ બદલામાં લાધી, હવે પૂજારી થાવું છે . . .         નિજને . . .

 

લાંબાં લાંબાં ભાષણ કીધાં, લોકોનાં દિલડાં પણ જીત્યાં;

પણ વાણી વર્તન છે જુદાં, સાચું જીવન જીવવું છે . . .         નિજને . . .

 

દુનિયા ઝુકશે કોઇ ઝુકાવે, ટોળે ટોળાં પાચાળ આવે;

લોક શક્તિમાં શ્રદ્ધા પ્રેરી, ઈશને મારગ જાવું છે . . .         નિજને . . .

 

દિશા શૂન્ય માનવ અથડાતાં, શાંતિ ખાતર મઢીઓ ગણતાં;

હરિનો મારગ બતલાવીને, હરિને હૈયે વસવું છે . . .         નિજને . . .

        === ૐ ===

બીજો જેઠ વદ દસમ, સં – ૨૦૩, સોમવાર. તા. ૭-૭-૧૯૮૦.

ભગવાન તમારી દુનિયાનાં આ ખેલ તમાશા કેવાં છે?

સામાન્ય

ભગવાન તમારી દુનિયાનાં આ ખેલ તમાશા કેવાં છે?

 

        તમથી સર્જાયેલાં માનવ;

        તમ વાણીને સુણતાં એ નવ;

        છે સ્વાર્થ તણી ચાલે લવલવ;

        ને આસપાસમાં ખેલે વિપ્લવ;

વાદળ કેરી સુતરફેણીનાં સ્વાદ કદી જાણ્યાં છે?             ભગવાન . . .

 

        અહીં નેતાઓ છે બેઢંગા;

        અભિનેતાઓ છે બેઢંગા;

        બગભગતો પણ છે બેઢંગા;

        તકસાધુઓ છે બેઢંગા;

ઊંટડીનાં સૌંદર્ય વિષેનાં ખ્યાલ કદી પિછાણ્યાં છે?        ભગવાન . . .

 

        ઊંચાં ઊંચાં આલય બાંધ્યાં;

        સાથે ગગન ધરા સાંધ્યા;

        નવગ્રહનાં સરનામાં લાદ્યાં;

નજદીકનાં હૈયાનાં સેતુ તોડીને કો સુખ પામ્યાં છે?         ભગવાન . . .

 

        ચોરી ચાલે પ્રભુને નામે;

        રાષ્ટ્ર લુંટાયે સેવા નામે;

        ધર્મ હણાયે ધર્મને નામે;

        લોક મરે છે શોખને નામે;

ચોરોનાં વર્તુળમાં કો’દિ સંતોનાં દર્શન જાણ્યાં છે?        ભગવાન . . .

 

        ફાલ્યું છે કાંટાળું યૌવન;

        થોર તણું જાણે છે ઉપવન;

        જીવનનું ખોવાયું છે કવન;

        પુષ્પોનાં છેદાયાં છે તન;

કંટકનાં ચુંબનથી ક્યાં પ્રેમ પીયૂષ પીવાયાં છે?             ભગવાન . . .

 

        તમ દુનિયાને જોવાનું મન;

        કરશો ના મુદ્દલ હે ભગવન;

        જીવન વિહોણાં ભટકે તન;

        તમને પણ વેચી જીવશે જન;

સાધુ કાજે પ્રગટ થવાનાં વચન નહીં અણજાણ્યાં છે.         ભગવાન . . .

        === ૐ ===

બીજો જેઠ વદ છઠ, સં – ૨૦૩૬, ગુરુવાર. તા. ૩-૭-૧૯૮૦.