Monthly Archives: સપ્ટેમ્બર 2013

મારાં મનનો માલિક થઈ આવ

સામાન્ય

(રાગ – તનનો તંબુરો અને મનનાં મંજીરા કરી…)

 

મારાં મનનો માલિક થઈ આવ,

    રે… મારાં મનનો માલિક થઈ આવ.

 

 

કાયા ચંદન કાષ્ઠ બનાવું ઘસવી તારે કામ,

કર્મ ફલનું લેપન તું કરજે પામીશ હું આરામ…                રે… મારાં મનનો…

 

કાંટાળા માનવ જીવનમાં ફૂલ થઈ મહેકવું નાથ,

મારી ફોરમ તૂજને ગમશે તો તો ખુશ થઉં નાથ…            રે… મારાં મનનો…

 

પંખીના કંઠે જઈ બેસું ગાવાં તારાં ગાન,

રોતાં દિલડાં ને બહેલાવું નાચજે થઈને કા’ન…               રે… મારાં મનનો…

 

વાયુ સમ ઘર ઘર પહોંચીને કરવી મૈત્રી નાથ,

દિલ જીતી તુજને હું વસાવું તુજ શક્તિ સંઘાત…              રે… મારાં મનનો…

 

સત્કર્મોની ધાર વહાવું ધોવાં સઘળાં પાપ,

નિર્મળ જીવનમાં તું વસજે હરજે સહુ સંતાપ…                 રે… મારાં મનનો…

    ===ૐ===

શ્રાવણ સુદ પાંચમ, સં. ૨૦૩૭, બુધવાર. તા. ૫-૮-૮૧.

Advertisements

ગીતો સ્ફુરે છે દિલમાં રે પાંડુરંગનાં રે,

સામાન્ય

ગીતો સ્ફુરે છે દિલમાં રે પાંડુરંગનાં  રે,

એના થાવાની હૈયામાં ઝંખના રે…                     ગીતો …

 

એની વાણીમાં અમૃતને પામવાં  રે,

ખુદ પી ને બીજા ને પીવડાવવાં રે…                   ગીતો …

 

બની મારુતિ દરિયા ઓળંગવા રે,

ભોગ સ્થાનોમાં યોગેશ્વર સ્થાપવા રે…                ગીતો …

 

જગે ભાવ તણાં સામ્રાજ્ય સ્થાપતાં  રે,

વળી નિરાશા મૂઢતાંને બાળતાં  રે …                   ગીતો …

 

દિલના ઝેરી સમંદર ઉલેચવાં  રે,

કાલી નાગો વિકારોના નાથવાં રે …                     ગીતો …

 

ઘોષ ગુંજે છે રુદિયાના ગુંબજે  રે,

એના પડઘા તો વિશ્વ મહીં બાજતા રે …                ગીતો …

 

શબ્દ દાદાનાં ગીતો થઈ નાચતાં  રે,

બની ભાવપૂર્ણ ગીતો એ રાચતાં  રે …                  ગીતો …

    ===ૐ===

આજ અહીં રેલાયો દિલમાં ઉમંગ.

સામાન્ય

(રાગ – રાજ મને લાગ્યો કસુંબી નો રંગ…‌)

 

રેલાયો દિલમાં ઉમંગ,

    આજ અહીં રેલાયો દિલમાં ઉમંગ;

 

જીવનનાં અંધારાં આજે વિરમી ગયાં,

    પ્રગટયો ઉષા કેરો રંગ.

નવલી આશાઓનાં સથવારે સથવારે,

    કરવો નિરાશાનો ભંગ…                                    આજ અહીં …

 

થંભ્યાં’તા સંસ્કૃતિનાં વ્હેણ કંઈક યુગથી,

    દુ:ખથી દુનિયા થઈ’તી તંગ;

સ્વાધ્યાયી સરિતાની ધારાએ ધારાએ,

    જીતાયો દુષણનો જંગ…                                    આજ અહીં …

 

કળિયુગની દાઢ મહીં કચડાતી જીંદગી;

    કોરાયાં ધર્મ તણાં અંગ;

ગીતાએ ચીંધેલા રસ્તાએ રસ્તાએ,

    જામ્યો જીવન માંહી રંગ…                                   આજ અહીં …

 

માનવનું ખોખલું કલેવર ઝંખી રહયું,

    બેસવા હરિને ઉછંગ;

કૃતજ્ઞ ભાવ તણો શોણિત સંચાર થયો,

    માનવ દુ:ખો કીધાં ભંગ…                                    આજ અહીં …

 

પાતકથી ડરનારાં આજે થંભી જજો,

    રેલી છે જ્ઞાન કેરી ગંગ;

અટવાતાં માનવને રસ્તો બતલાવવા,

    લાધ્યો છે પાંડુરંગ સંગ…                                      આજ અહીં …

        ===ૐ===

આસો વદ બીજ, સં. ૨૦૩૭, ગુરુવાર. તા. ૧૫-૧૦-૮૧.

ગૌરી સુત ગણપતિ ગજાનન આવોને.

સામાન્ય

ગૌરી સુત ગણપતિ ગજાનન આવોને,

કરવાં સારાં કામો કૃપા વરસાવોને.

 

સુંદર જીવન જીવવા કાજે, શુભ કામો છે આચરવાં;

સારાં કામો કરવા, પ્રભુજી તમને આરંભે સ્મરવા;

હર પલને શુભ કરવા, મતિ શુભ આપો ને…                  ગૌરી સુત …

 

રિદ્ધિ સિદ્ધિ ચરણ પખાળે, પણ મુખ મરડી છો બેઠા;

મૂષક સમી ચંચળતા દાબી, શાંત બનીને છો બેઠા;

અંકુશ દુવૃત્તિ પર, સુવૃત્તિ આપો ને…                           ગૌરી સુત …

 

ઝીણી નજરે સઘળું જોતાં, કાન થકી સઘળુ સુણતાં;

વાતો સૌની ઉદર સમાવી, સૌને પોતાનાં કરતાં;

ડગ ભરતા સમજીને, ધીરજ શીખવાડો ને…                  ગૌરી સુત …

 

આખો દાંત બતાવે શ્રદ્ધા, અર્ઘો જ્ઞાન તણો શોભે;

શ્રદ્ધા વિણ પ્રગતિ નવ થાયે, થોડું જ્ઞાન હશે ચાલે;

જ્ઞાન અને શ્રદ્ધાનું, મિલન સમજાવો ને…                     ગૌરી સુત …

 

વરવું લાગે રૂપ તમારું, પણ અંતર મધુરું કરતાં,

ઈશને મારગ જાનારાને, અભય તમે સ્નેહે દેતા,

દુર્જનતાને દબાવીને, સદ્ગુણ ખીલવો ને…                   ગૌરી સુત …

    ===ૐ===

ભાદરવા સુદ પાંચમ(ઋષિ પંચમી), સં. ૨૦૩૭, ગુરુવાર. તા. ૩-૯-૮૧.

મન મંદિરમાં હે યોગેશ્વર તારું સ્થાપન હો.

સામાન્ય

(રાગ – दर्शन दो घनश्याम नाथ मोरी अँखियाँ प्यासी रे. . . –  કેદાર )

 

મન મંદિરમાં હે યોગેશ્વર તારું સ્થાપન હો,

જીવનની ક્ષણ ક્ષણમાં પ્રભુજી તારું પૂજન હો…

 

રોજ સવારે સૂર્ય કિરણ થઈ સૂતેલું મમ અંતર જગવે,

મંદ સમીર થઈ શ્વાસ બનીને નવલું ચેતન હો…                મન મંદિરમાં …

 

સાગરની લહેરોમાં ભૈરવ ગાઈ જીવન ગીતો ગુંજે,

ઊર્મિનાં સાગરમાં ઈશ્વર તારું સંગીત હો…                       મન મંદિરમાં …

 

વાદળની રૂપેરી કોરે આશાની દોરી તું બનતો,

ધન અંધારુ ભેદીને તું પ્રેમાળ જ્યોતિ હો…                      મન મંદિરમાં …

 

વર્ષા ટાણે હરિ હરિયાળી થઈ નયણાં ને મોહિત કરતો,

જીવન વનમાં હે વનમાળી તારું નર્તન હો…                     મન મંદિરમાં …

 

મેઘ ગર્જનામાં ગર્જતાં તારાં કીર્તિ ગાન વિભુ,

વર્ષાની રીમઝીમ ધારામાં તારું કિર્તન હો…                       મન મંદિરમાં …

 

સકલ પ્રકૃતિમાં વિસ્તરતો માયા થઈ સૌંદર્ય રૂપે,

અંદર બાહીર સુંદર તર મમ જીવન મધુરું હો…                   મન મંદિરમાં …

        === ૐ ===

અષાઢ વદ નોમ, સં. ૨૦૩૭,શનિવાર. તા. ૨૫-૭-૮૧.

કુટીર મંદિરમાં રહેવાં યોગેશ્વર.

સામાન્ય

(રાગ – સાકરીયા શેલડી વાવી મથુરીયે… – લોકગીત)

 

કુટીર મંદિરમાં રહેવાં યોગેશ્વર,

   પ્રેમે આવાસે પધારજો.

 

સંપ અને સહકારે કીધું આ મંદિર,

    સ્નેહે પ્રભુજી પધારજો જી રે…

 

છાપરાંએ લીલુંડી વેલો ચઢાવશું,

એવાં હરિયાળાં અમ જીવન બનાવશું,

જોવાં પ્રભુજી પધારજો જી રે…                        કુટીર મંદિર …

 

પુષ્પોનાં બૂટાથી મંદિરીયું શોભશે,

ખીલેલાં હૈયાથી જીવતર અમ શોભશે,

મનનાં માલિક તમે આવજો જી રે…                કુટીર મંદિર …

 

વરસો વરસ એની કાયા બદલાવશું,

નીત નવા આકારે એને સમજાવશું,

એકતાને પ્રેમે બનાવશું જી રે…                      કુટીર મંદિર …

 

પ્રભુનો ભાગ અમે મંદિરમાં મૂકશું,

નબળો ના કોઈ રહે એવું વિચારશું,

ઈશ્વરનાં કામ અમે કરશું જી રે…                    કુટીર મંદિર …

 

સ્વાધ્યાયનાં માંજણથી જીવન અજવાળશું,

ભક્તિના આંજણથી એને શોભાવશું,

ઐક્ય ભાવ જોવાને આવજો જી રે…               કુટીર મંદિર …

        ===ૐ===

અષાઢ વદ તેરસ, સં. ૨૦૩૭, બુધવાર. તા. ૨૯-૭-૮૧.

જીવવું તમારે કારણ, મરવું તમારે કારણ.

સામાન્ય

આખરે મેં જાણી લીધું, મુજ જીંદગીનું કારણ;

જીવવું તમારે કારણ, મરવું તમારે કારણ.

 

મારાં જ આજ મુજને, લઈ બાથમાં ભીડે છે;

હસતાં દીધેલ ડંખો, દિલમાં બહુ પીડે છે;

કંટકને પુષ્પ કરતાં, જાણી લીધુ મેં કારણ…                 જીવવું …

 

ગભરાઈ જાતો હું તો, જોઈ તમાશા જગનાં;

શરમાઈ જાતો અવળાં, કામોને જોઈ જનનાં;

સમજણ દીધી તમે જે, સહુ પાપ કેરું મારણ…               જીવવું …

 

સામે પ્રવાહ વહેવું, એની મજા જુદી છે;

ને ધ્યેય કાજ મરવું, એની ખુશી જુદી છે;

અગવડ મહીં ઝઝૂમવું, કાઢી લીધું  મેં તારણ …              જીવવું …

 

કારણ વગર આ લોકો, કારણ ઊભાં કરે છે;

ને કારણોની જાળે, સપડાઈને મરે છે;

કારણ વગર છે ગમવું, સમજાવ્યું આપે કારણ…             જીવવું …

 

ગુંચવણ ભરેલ મનની, મૂંઝવણ તમે ઉકેલો;

તમ વિણ હું અટકું, ક્યાં જઈ છું માર્ગને ચુકેલો;

સોંપી દીધું જીવનને, ઉતરી ગયું છે ભારણ…                 જીવવું …

        ===ૐ===

જેઠ સુદ નોમ, સં. ૨૦૩૭, ગુરુવાર. તા. ૧૧-૬-૮૧.