Monthly Archives: ઓક્ટોબર 2013

મુખથી હું બોલું ૐ नम: शिवाय|

સામાન્ય

(રાગ – તણખલું તો આખર તણખલાની તોલે…)

 

પ્રભુ આવું તારી પાસે કામના સિવાય,

મુખથી હું બોલું ૐ नम: शिवाय|

 

દેહના દરવાજે સોંપી વિભુ મેં તો ચોકીયું,

મનની ગુફામાં જઈને કીધું મેં તો ડોકીયું,

આનંદે છલકે કાયા શોકની વિદાય…                                  મુખથી…

 

પાંચ મુખ તુજને દીધા દશ દશાનનને,

તારાથી બમણું દિધું લંકા રાજનને,

તાર્યા તેં ભક્તો એણે માર્યા જગમાંય…                               મુખથી…

 

ઉત્સાહ ઉત્કર્ષ ને ઉદ્યોગ ઉમંગ,

ઉત્તેજન આપે શિવજી પાંચ મુખ અંગ,

તારે મારગ કો આવે કરે તું સહાય…                                   મુખથી…

 

વિકારો બાળી એની ભસ્મ જે લગાવે,

એની ભભૂતી શિવજી અંગે ચઢાવે,

મસ્તકની માળા શંકર કંઠે સોહાય…                                  મુખથી…

 

આધિ વ્યાધિ ઉપાધિ ત્રણે શૂળ પીડતાં,

ત્રિશૂળથી તારા શંભુ એ તો છે ભાંગતાં,

સર્જન વિસર્જન પોષણ તુજ થી સરજાય…                         મુખથી…

 

તારી અમંગલતામાં મંગલ છુપાયું,

દુનિયાનું ઝેર તારે કંઠે લપાયું,

અમૃત દઈ વિષ ને પી તું મહાદેવ થાય…                            મુખથી…

    ===ૐ===

ભાદરવા સુદ પડવો, સં. ૨૦૩૯, ગુરુવાર. તા. ૮-૯-૮૩.

(જંગલેશ્વર, પાણીગેટમાં શ્રાવણ માસની પુર્ણાહુતિ પ્રસંગે વેદસાર શિવ સ્તવ: પર આધારિત)

Advertisements

બહુજન હિતના કાજમાં.

સામાન્ય

(રાગ – નટવર નાનો રે, કાનો રમે છે મારી કેડમાં…)

 

રણછોડ આવીયા રે, મથુરા છોડી દ્વારીકામાં;

સંબંધી મારીયા રે, બહુજન હિતના કાજમાં.

 

સોળ સોળ વાર તમે દુશ્મન હરાવીયો,

વીરતાના તેજ પુંજ રે…                                બહુજન…

 

ધરણીનાં રાજ્ય બધાં ચરણોને ચૂમતાં,

તોય ના સ્વીકારતા રે…                               બહુજન…

 

કાળયવન જેવાને યુક્તિથી મારીયા,

યાદવને રક્ષનાર રે…                                   બહુજન…

 

સહુનાં કલ્યાણ કાજ અપયશને વ્હોરીયો,

પોતાની જીદ છોડી રે…                               બહુજન…

 

ધર્મ સ્થાપનાનું ધામ દ્વારકા બનાવીયું,

કૌરવ સંહારીયા રે…                                    બહુજન…

    === ૐ ===

સં. ૨૦૩૮, મે ૧૯૮૨.

ચાલી વણઝાર જુઓ યાત્રાને ધામ.

સામાન્ય

(આ ગીત સ્વાધ્યાય પરિવાર દ્વારા રજુ કરાયેલી ઑડિઓ કેસેટ “તીર્થયાત્રા” માટે, શ્રી. અવિનાશ વ્યાસ દ્વારા સંગીતબદ્ધ થયેલું અને શ્રી સુરેશ વાડકર દ્વારા ગવાયેલું.)

હોઠે હરિનામ, દિલે ઈશ્વરનું કામ;

ચાલી વણઝાર જુઓ યાત્રાને  ધામ.

 

યાત્રાનાં સ્થાનોની ધૂળ તો ગુલાલ છે,

વાયુની લહરીથી હૈયું ખુશહાલ છે,

પીવડાવે મસ્તીનો જામ…                           ચાલી…

 

પ્રગટયા’તા ઈશ્વર એ ભાવના મધુર છે,

કીધાં’તા કામો એ વાતો મશહૂર છે,

થાતાં એ પ્રેરણા મુકામ…                           ચાલી…

 

સ્વાર્થ અને લાલચના પડમાં દટાયેલાં,

ધામો સૌ ગંદકીને પાલવ છુપાયલાં,

ધોવાને માંડયો સંગ્રામ…                           ચાલી…

 

ગાંડી ભક્તિનું પ્રદર્શન દિસે નહીં,

જ્ઞાન અને ભક્તિનું દર્શન થાતું અહીં,

રુદિયામાં પ્રગટાવી રામ…                         ચાલી…

 

સ્વાધ્યાયી શૂરાઓ નિકળ્યાં મેદાનમાં,

પાંડુરંગ સાથ મહીં તેથી ગુમાનમાં,

પ્રગટાવી ક્રાંતિ મશાલ…                           ચાલી…

    ===ૐ===

શ્રાવણ સુદ તેરસ, સં. ૨૦૩૯, રવિવાર. તા.૨૧-૮-૮૩.

ચાલ્યાં સ્વાધ્યાયી યાત્રામાં.

સામાન્ય

(રાગ – વ્રજ વ્હાલું રે, વૈકુંઠ નહીં આવું…)

 

ચાલ્યાં સ્વાધ્યાયી યાત્રામાં,

    મન ઝંખે હરિપદ વસવામાં…                              ચાલ્યાં…

 

નરમાં નારાયણને જોતાં,

ઈશ વિચારો કહેતાં કહેતાં,

    એ નારાયણને ગમવાના…                                ચાલ્યાં…

 

યુગ યુગથી ઈશ્વરના સ્થાનક,

મેલ ચઢયો લુછવાની ચાનક,

    છે ભક્તિ જળથી લુછવાના…                            ચાલ્યાં…

 

મંદિરોમાં મોહન ગુંગળાતા,

સ્વાર્થ તણાં દ્રશ્યો ભજવાતાં,

    હવે સાચા ભક્તો મળવાના…                            ચાલ્યાં…

 

મશાલ ઉંચકી અધર્મ સામે,

જ્યોત જલાવી ઈશને પામે,

    શંખો ક્રાંતિના ફૂંકવાના…                                  ચાલ્યાં…

 

નાચ્યા હરિ એ સ્થાને જઈશું,

ઈશ સ્મૃતિને વાગોળીશું,

    મન મધુકરથી ગીત ગુંજવાના…                         ચાલ્યાં…

    ===ૐ===

શ્રાવણ સુદ ચોથ, સં. ૨૦૩૯, શુક્રવાર. તા. ૧૨-૮-૮૩.

હું ઈશને ચરણે પડું ને, એ મને શિર પર ધરે.

સામાન્ય

હું ઈશને ચરણે પડું ને, એ મને શિર પર ધરે;

થાયે કદિક મારું પતન, પણ તોય એ અંકે ધરે.

 

રત્નો ભર્યા પેટાળમાં રત્નાકારે તોયે જુવો

ખારાશનાં ફીણને સમંદર ધારતો મોજા પરે…

 

ક્ષણમાં ખરી જાતાં ફૂલો આયુષ્યના ટૂંકા છતાં,

વૃક્ષો બધાં માથે ધરી એનું જતન સ્નેહે કરે…

 

કાળનો અવતાર સર્પો વિશ્વમાં વિષ ઓકતા,

પણ તોય શિવજી વ્હાલથી માથા ઉપર ધરતા ખરે…

 

જ્યાં મેઘનાં વાદળ રમે શી વ્યોમની છે ભવ્યતા,

ના ચીઝ ધુમાડો છે છતાં આકાશને ખોળે રમે…

 

છોને નકામો લાગતો હું વિશ્વ માનવને સદા,

ધારશે ખોળા મહીં જગમાત એ આશા ઉરે…

    ===ૐ===

શ્રાવણ વદ પાંચમ, સં. ૨૦૩૯, રવિવાર. તા. ૨૮-૮-૮૩.

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

દોડો દોડો રે યુવાનો.

સામાન્ય

દોડો દોડો રે યુવાનો, આગ સંસ્કૃતિને લાગી;

આગ સંસ્કૃતિને લાગી, સાથે ધર્મ ને પણ લાગી…                                  દોડો…

 

ઘરની લક્ષ્મણ રેખા ભુસી, મર્યાદા છે ભાગી;

દ્વારે દ્વારે ઉભા રાવણ, જોતા તાકી તાકી…                                           દોડો…

 

વેદોની સરવાણી રોકે, સ્વાર્થીઓની વાણી;

મનગમતા અર્થો કાઢીને બોલે, અવળી વાણી…                                     દોડો…

 

નિજનું ને ઈશનું ઘર ભાંગ્યું, એની ચિંતા મોટી;

ગૃહસ્થાશ્રમ ને મંદિર બગડયાં, તોય ન પીડા થાતી…                            દોડો…

 

સમાજ સેવા જન સેવાની, વાતો ઠાલી ઠાલી;

સ્વાર્થ સબંધો કાજે થાતી, વાતો ખાલી ખાલી…                                     દોડો…

 

“ભક્તિ સામાજીક શક્તિ”, दादा એ દ્રષ્ટિ આપી;

दादा પાછળ વિશ્વ બદલવા, ભરીયે પગલાં માપી…                                દોડો…

    ===ૐ===

દેવસુતી અગિયારસ – અષાઢ સુદ અગિયારસ, સં. ૨૦૩૯, બુધવાર. તા. ૨૦-૭-૮૩.