Monthly Archives: નવેમ્બર 2013

વાઘરી પ્રભુનો થઈ ખેંચે છે શ્યામને

સામાન્ય

(हम तो चले जाते भगवन जहां बुलाते …)

 

વાર વાર ઘડી ઘડી રિઝવે છે શ્યામને,

વાઘરી પ્રભુનો થઈ ખેંચે છે શ્યામને…

 

વાત વાતમાં હરિની વાણી સમજાવતો,

ઘર ઘરમાં ઈશની કહાણી પોં’ચાડતો,

રીતભાતથી એની મોહે ઘનશ્યામને…                           વાઘરી…

 

વાઘ સમી ત્રાડ દીધી દૂષણને મારવા,

ઘર ખૂણે બેઠેલી ભક્તિ રેલાવવા,

રિપુઓને મારીને રીઝવે ભગવાનને…                           વાઘરી…

 

વાત્સલ્યે ખુદને ને જગને મહેંકાવતો,

ઘટ ઘટમાં ઈશ્વરની હાજરીને માણતો,

રિબાતાં જનમાં એ નચવતો રામને…                            વાઘરી…

 

વાસુદેવ વાસના થયો એના દિલમાં,

ઘટતો ના ભાવ એનો ઈશના ચરણમાં,

રિદ્ધિ સિદ્ધિ ગણતો પાંડુરંગ પ્રેમને…                             વાઘરી…

    ===ૐ===

મહા સુદ અગિયારસ – જયા એકાદશી, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૧-૨-૮૫.

Advertisements

ત્રિકાળ સંધ્યાનાં દાતણ

સામાન્ય

અમે ત્રિકાળ સંધ્યાનાં દાતણ લીધાં,

એને જીવનની શુદ્ધિનાં સાધન કીધાં.

 

ગલી ગલી મહીં કાગળને વીણતાં’તા,

પેટને કાજે ડુચાને ચૂંથતાં’તા,

હવે કાગળથી કુસુમનાં સર્જન કીધાં…                                   એને…

 

અમે ઘર ઘર જઈ વાસણને વેચતાં’તા,

અને ફાટેલાં કપડાંથી રીઝાતાં’તા,

પહેરી વાઘા ને વાઘ સમાં ગર્જન કીધાં…                                એને…

 

નહીં કોરટ કચેરીમાં જાતાં અમે,

નાત કેરી અદાલતના નિર્ણય ગમે,

હવે ઝગડાનાં મૂળીયાંને ફેંકી દીધાં…                                     એને…

 

નહીં વાઘરી જગતમાં તો તુચ્છ છે હવે,

વાધનો એ અરિ થઈને શૂરવીર બને,

એવાં અસ્મિતા વારી જીવનમાં પીધાં…                                  એને…

 

અમે ઘર ઘરને મંદિર છે માની લીધાં,

તેથી દૈવી વિચારોનાં નવનીત દીધાં,

પાંડુરંગની પ્રસાદીના વાહક બન્યાં…                                     એને…

    ===ૐ===

માઘ વદ છઠ, સં. ૨૦૪૧, રવિવાર.  તા. ૧૦-૨-૮૫.

ગીતા કે’વાણી.

સામાન્ય

(રાગ – આડંબરને ઊથલાવે એ યુવાની સાચી. . .)

 

હજ્જારો વર્ષો પહેલાં છે ગીતા કે’વાણી,

યોગેશ્વરના શ્રી મુખેથી પ્રગટી સરવાણી.

 

પાપી કહીને લોક ડરાવે,

માધવ એવાંને અપનાવે,

પાતકનાં વિષ પીવાની છે એની તૈયારી. . .                              યોગેશ્વરના. . .

 

માનવને એ પાસે લાવે,

ભેદ ભરમનાં મૂળ મીટાવે,

સૌના દિલમાં ઈશ્વર વસતા દિલની છે વાણી. . .                      યોગેશ્વરના. . .

 

કર્યા વિના તો કૈં ના મળતું,

કીધેલું ફોગટ ના જાતું,

કામો કરતાં કરતાં ઈશની ઝાંખી કરવાની. . .                           યોગેશ્વરના. . .

 

આશ્વાસન સૌને એ દેતી,

જીવનના મર્મો છે કે’તી,

અર્જુનની માફક એ સૌની મૂંઝવણ હરનારી. . .                        યોગેશ્વરના. . .

 

માનવને એ ઊભો કરતી,

એને ધ્યેય તરફ લઈ જાતી,

પાંડુરંગ સમજાવે સૌને ગીતાની વાણી. . .                                યોગેશ્વરના. . .

        === ૐ ===

માગસર સુદ અગિયારસ “ગીતા જયંતિ”, સં. ૨૦૪૦, મંગળવાર. તા. ૪-૧૨-૧૯૮૪.

(રાતે ૮:૫૦ વાગે, વિમલ સોસાયટીના પ્રાર્થના કેન્દ્ર નિમિત્તે.)

જીવ જગત જગદીશ.

સામાન્ય

(રાગ – ભાઈ મારે કરવો છે સ્વાધ્યાય)

 

જીવ જગત જગદીશનો નાતો જેનાથી સમજાય,

    ભાઈ એ તો અગિયારસ કહેવાય. . . (૨)

સાચી લગનથી હરિ ચરણોમાં સ્નેહ થકી બેસાય,

એનાં નામે એનાં કામે મનડું રમતું થાય. . .                              ભાઈ એ તો. . .

 

જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ને મન એ અગિયાર ગણાય,

એ તો સઘળાં અર્પણ કરતાં પ્રભુજી ખૂબ હરખાય. . .                  ભાઈ એ તો. . .

 

શ્વાસે શ્વાસે હરિ છે રમતા જીવન નચવી જાય,

એ ઉપકારો યાદ કરી જે એને કાજ ઘસાય. . .                            ભાઈ એ તો. . .

 

શું ખાવાનું શું પીવાનું એ સ્થૂળ વાત જણાય,

શું કરવાનું એ સમજતાં હરિનું દિલ ખુશ થાય. . .                       ભાઈ એ તો. . .

 

કર્મયોગ ને ભક્તિ યોગનો સંગમ જો થઈ જાય,

તો તો સાકારિત ભક્તિનું દર્શન સાચું થાય. . .                          ભાઈ એ તો. . .

 

સાચી વાતો અગિયારસની સમજાવે સ્વાધ્યાય,

‘પાંડુરંગ’ની પાવન વાણી ભેદ બતાવી જાય. . .                        ભાઈ એ તો. . .

            === ૐ ===

ભાદરવા સુદ બારસ, સં. ૨૦૪૦, ગુરુવાર. તા. ૬-૯-૧૯૮૪.

દિલ્હીના તખ્ત

સામાન્ય

હસ્તિનાપુરની દિવાલો કાળમાં વિસરાઈ ગઈ,

પણ વેરની જ્વાળા હજી તો આજતક જલતી રહી,

કૈં’ક સલ્તનત ઊગીને આથમી,

કચડાઈ ગઈ મસળાઈ ગઈ ધૂળ મહીં ફસડાઈ ગઈ,

એ દિલ્હી કેરા તખ્ત બોલે.

 

તે હાથના થડકારથી વીર હાકના લલકારથી,

આંખના અણસારથી ને પાયના ધબકારથી,

દેહ થર થર ધ્રૂજે ઢાલ કડકડ તૂટે,

ખડગ ભેટેથી છૂટે મ્યાન લઈને દુશ્મનોના,

તે ન્યાયનું પૂજન કરે ને દુઃખનું મર્દન કરે ન્યાયદાતા.

 

ને આજ?

તખ્તના તોટા નથી કોઈએ છોટા નથી,

કાજમાં મોટા નથી,

બંદુકોની ધનધનાધન ગોળીઓનાં નાદ સૂણતાં,

ગાત્ર ગળતાં, શરણ ધરવા દ્વેષીઓનાં ચરણ ચૂમતાં,

માત કેરી કત્લ કરતા,

શાંતિ કેરા શંખ ફૂંકી માત કેરી કત્લ કરતા.

 

ચેતજો…?

તખ્ત બદલાઈ જશે ઈતિહાસ પલટાઈ જશે,

નામ પર કબ્રો થશે જ્યાં કોઈ દિવડો નહીં જલે.

મને થોડું માખણ અપાવને.

સામાન્ય

મને થોડું માખણ, અપાવને ઓ માવડી;

કરગરતો વીનવું છું, પકડું હું પાવડી…                            મને…

 

ગોપીએ મનડાનું નવનીત બનાવીયું,

દિલડાની દોણીમાં એને હલાવીયું,

યુગ યુગની ભૂખ છે, મટાડને ઓ માવડી…                      મને…

 

ફોડું હું મટકી તો રોશે ભરાય છે,

મળતો ના કો’ક દી તો આંસુ ઊભરાય છે,

સ્નેહનો સ્વભાવ કેવો, કે’ને ઓ માવડી…                      મને…

 

ખેલવાના થોડા રહ્યા છે હવે દા’ડા,

રમવાના કાવાદાવાના અખાડા,

પસ્તાશે પાછળથી, કહી દેજે માવડી…                           મને…

 

વ્રજની વનિતાને હૈયું છે આપીયું,

મસ્તક મથુરાને કાજે મેં રાખીયું,

હૈયાને તડપનની, આદત છે માવડી…                            મને…

    ===ૐ===

શ્રાવણ વદ બીજ, સં. ૨૦૪૦, સોમવાર. તા. ૧૩-૮-૮૪.

કવિઓને ઈશ્વર જો તડપન ન આપત.

સામાન્ય

કવિઓને ઈશ્વર જો તડપન ન આપત,

તો એનાં હૃદયને બીજું કોણ માપત.

 

અભિનય શીખવતો એ શબ્દોને એવો,

કલ્પનાને એ વિણ બીજું કો’ નચાવત.

 

મુલાયમ છે દિલડું પરાગો ભરેલું,

રસિકડા મધુકર ઉડાવે છે જયાફત.

 

નથી વેરતો કાગળો પર એ શાહી,

નિચોવે છે અરમાં જમાવે છે રંગત.

 

દુઃખી થઈને ઈશ્વર કવિ દિલમાં બેસે,

શબ્દને તિખારે જગતને દઝાડત.

 

સૌંદર્યને આરપારું નિરખવા,

આંખો છે એવી જે કરતી ઇબાદત.

 

હૃદય છે જગતનું ને ઈશનું એ ઘર છે,

વખત આવે કરતો એ સૌની મરામત.

 

હૃદય છો શિલા પણ શબ્દ ટાંકણાથી,

જીવન શિલ્પ સર્જી ને કરતો કરામત.

    ===ૐ===

ભાદરવા સુદ બારસ,  સં. ૨૦૪૦,  ગુરુવાર. તા. ૬-૯-૮૪.