Monthly Archives: માર્ચ 2014

સૂરજમુખી

સામાન્ય

કોઈ ના સંધાણ

કોઈ ના એંધાણ

તોય કાં ખેંચાણ

કે’ને ઓ સૂરજમુખી.

 

સૂરજનું હૈયું વિકલ

તારું મનડું છે કોમલ

તોયે સગાઈ વિમલ

શાને? ઓ સૂરજમુખી.

 

કેવા કરતું એના જપ?

સોના વરણું તારું રૂપ

નજરોથી કીધાં તેં તપ

એવાં તેં સૂરજમુખી.

 

આકર્ષણ તુજ દ્રષ્ટિમાં

કે વિરહ તણી સૃષ્ટિમાં

છે પ્રેમ ભરી પુષ્ટિમાં

તું કે’ને સૂરજમુખી.

=== ૐ ===

આસો સુદ દશમ “દશેરા”, સં.૨૦૪૪, ગુરુવાર. તા. ૧૯-૧૦-૮૮.

સાંજે ૭-૧૫ વાગે, મુંબઈ થી વડોદરા આવતાં ગાંધીધામ ટ્રેન.

Advertisements

આવી મોસમ

સામાન્ય

ગરબે ઘૂમતી આવી મોસમ,

છમ્મક છમ્મક છમકે મોસમ.

 

નવરાત્રીને તાલે તાલે,

આદ્યશક્તિ મા ગરબો મહાલે,

શક્તિ પૂરે ભાવે ભીંજવે,

મીઠી નજરે મલકી મોસમ…            છમ્મક…

 

એ નજરેથી ટીપું ટપક્યું,

પાંડુરંગ રૂપે ઝગમગીયું

ધર્મ અને સંસ્કૃતિ કાજે,

હરિયાળી થઈ લહેરી મોસમ…         છમ્મક…

 

ભેદ ભરમની જાળો તૂટી,

સ્નેહ સલીલ સરવાણી છૂટી,

જન મન પુષ્પો ખીલતાં ખીલતાં,

વસંતની મહેક  છે મોસમ…            છમ્મક…

 

અંધારામાં જીવતાં માનવ,

અંધકારમાં મરતાં માનવ,

જ્ઞાન પ્રકાશ દિવાકર થૈને,

સ્વાધ્યાય પ્રગટાવી મોસમ…          છમ્મક…

 

पांડુરંગી ક્રાંતિ સર્જાશે,

डुબતી અવની ઠૂમરી ગાશે,

रंજ મીટે સંસ્કૃતિ માનો,

गર્વ ભરી હરખાશે મોસમ…             છમ્મક…

===ૐ===

ભાદરવા વદ છઠ, સં.૨૦૪૩, રવિવાર. તા. ૧૩-૯-૮૭.

કૃતિ ભકતિ

સામાન્ય

કૃષિ શક્તિનું પૂજન તેથી પ્રગટ્યું “શ્રી દર્શન”,

કૃતિ ભકતિનું અમૃત પામવું…

રે મારે કૃતિ ભક્તિનું અમૃત પામવું.

 

અક્ષત ચંદન જળ પુષ્પે પૂજ્યા ભગવાનને,

ફળનાં નૈવેદ્ય દઈને પામ્યાં વિરામને,

એ તો હરિનું સર્જન, થાયે ના ખુદનું અર્પણ,

નિજની શક્તિથી હરિને પૂજવું…        રે મારે કૃતિ…

 

કૌશલ જીવિકા કાજે, એવું સૌ માનતા,

દેવાયે દેવને, એ દાદા સમજાવતા,

પોતાનું છે તે દેવું, ગમતું ઈશ ચરણે ધરવું,

હૈયું હરિનું  હરખાવવું…                   રે મારે કૃતિ…

 

પૂજારી ગામે ગામોથી છે અહીં આવતા,

ભાથુ એ ભાવનાનું સાથે લઈ આવતા,

મૈત્રી પ્રસાદ મળતો, જીવનનો રાહ જડતો,

દૈવી જીવનનું ગાણું ગુંજવું…             રે મારે કૃતિ…

 

નારાયણ સાથે લક્ષ્મી આવે ખુશાલ થઈ,

દુઃખીનાં દુઃખડા ભાંગે, સુખનો શિરપાવ દઈ,

ગામો ગોકુળીયાં થાયે. માનવ ઈશ કુળના થાયે,

એવા ‘શ્રી દર્શન ‘ ને છે માણવું…        રે મારે કૃતિ…

 

પાંડુરંગ ઈંટ છોડી ઘૂમ્યા સંસારમાં,

સૂતા જનને જગાડી, જોડ્યા ઈશ કામમાં,

કીધા વિધવિધ પ્રયોગો, સર્જ્યા ઊજળા સંયોગો,

દીનતાનું દેવળ મારે ભાગવું…           રે મારે કૃતિ…

===ૐ===

કારતક સુદ બારસ-તેરસ, સં.૨૦૪૫, સોમવાર. તા. ૨૧-૧૧-૮૮.

અમર આશા.

સામાન્ય

અમર આશાના કુમકુમથી, વદન મારું સમજાવીશ હું;

નિરાશાનું કરી કાજળ, નયન મારે લગાવીશ હું.

 

પૂરી તાકાતથી દુઃખો તમે વરસો વધાવું હું,

મીનાકારી કરી તમને સમાધિ પર સજાવીશ હું…            અમર…

 

મેં ચાહ્યું તે મળ્યું ના, દોષ કિસ્મતનો ભલે માનો;

ખુદા કિસ્મતની ઉપર છે, ને એની પાસ માગીશ હું…       અમર…

 

નથી કંગાલનો દરબાર, મિલક્ત દિલની મોટી છે;

ખુશી ને સ્નેહનાં રત્નો, જગત આખે લૂંટાવીશ હું…          અમર…

 

મળી જો ભેટ પુષ્પોની, સજાવીશ દિલની ફૂલદાની;

મળે કંટક તો દઈ ચુંબન, મુકુટ એનો બનાવીશ હું…         અમર…

 

કહે શાણા જગત ક્ષર છે, હું અક્ષર થી મઢી લઉ છું;

ચિરંતન સ્નેહના સ્વર્ગે, પરમ પદ ધામ પામીશ હું…         અમર…

===ૐ===

પોષ વદ પડવો, સં.૨૦૪૪, સોમવાર. તા. ૪-૧-૮૮.

સમય.

સામાન્ય

એક સરખો આમ તો લાગે સમય,

શ્વાસ સાથે પ્રાસ મેળવતો સમય.

 

જન્મતાં ઉલ્લાસ થઈને આવતો,

મોતમાં માતમ મનાવે છે સમય.

 

શૈશવે એ મુગ્ધ યૌવનમાં રસિક,

ઘડપણે વાંકો વળી ડગતો સમય.

 

મિત્રતામાં સ્નેહ થઈને મહાલતો,

શત્રુતામાં ખંજરો મારે સમય.

 

ચાલતાં ચરણોની સાથે ચાલતો,

લાગ જોઈ લાત થઈ મારે સમય.

 

મૂઠમાં પકડી શકાયે જો હવા,

તોજ બાંધે માનવી સરતો સમય.

 

કોઈ થઈ અસવાર એને નાથતા,

આમતો છે નાથતો સૌને સમય.

 

વિશ્વરૂપ દર્શન મહીંનો काल એ,

જ્ન્મ જીવન મોતનો કારક સમય.

===ૐ===

પોષ સુદ અગિયારસ, સં.૨૦૪૩, શનિવાર. તા. ૧૦-૧-૮૭.

યોગેશ્વરમાં ભળવું છે.

સામાન્ય

નિર્મલ જીવન કરવા મારું, નિર્મલ જીવન જોવું છે;

પાંડુરંગને મળવું છે, યોગેશ્વરમાં ભળવું છે.

 

દુઃખના ભારે જીવન છૂંદાયું,

ચહેરા પરથી હાસ્ય હાણાયું,

ઝેર ભર્યા સાગરથી નીકળી, અમૃત પીણું પીવું છે…           પાંડુરંગને…

 

જપ ઉપવાસ બહુ મેં કીધાં,

કથા શ્રવણ ને વ્રત પણ લીધાં,

સમાધાન ના થયું મને કંઈ, કૃતિ ભક્તિવ્રત ધરવું છે…       પાંડુરંગને…

 

સ્વાર્થ સબંધોની જંજાળે,

વહવારું વાતોને ચાળે,

સ્નેહ સુમન કરમાયું, મારે ભાવ કુસુમ ખીલવવું છે…         પાંડુરંગને…

 

મોઘેરું જીવન ના સમજું,

મનની સુંદરતા ના સરજુ,

વિકૃતિની વૈતરણી છું, ગંગામાં જઈ ભળવું છે…               પાંડુરંગને…

 

જળ વિણ મીન રહે છે પ્યાસી,

તુજ દર્શન વિણ મન ઉદાસી

સ્વાધ્યાયી નૌકામાં બેસી ભવસાગર ને તરવું છે…           પાંડુરંગને…

===ૐ===

મહા સુદ દસમ, સં. ૨૦૪૪, ગુરુવાર, તા. ૨૮-૧-૮૮.

વર્ષો પછી જડેલું “હૈયું” હરિ નિહાળે.

સામાન્ય

મૂંગો બનીને ઈશ્વર આશક નજરથી ભાળે,

વર્ષો પછી જડેલું “હૈયું” હરિ નિહાળે.

 

માધવને કાજ કેવી મીરાં બની દિવાની,

જાળે ફસાઈ મીના ઝંખે છે જેમ પાણી,

ઘનશ્યામ એમ તડપ્યો સળગ્યો વિરહની ઝાળે…          વર્ષો…

 

માનવ હૃદય બન્યા’તા સેતાનનાં નિવાસો,

ઈર્ષા ને દ્વેષનાં ભૂત નાખે સદા નિસાસો,

ભાવે કીધાં તેં ભેળાં દિલ પ્રેમ પુષ્પ માળે…                 વર્ષો…

 

તે રંગભેદ ટાળી સહુ ‘પાંડુરંગી’ કીધાં

ભેદો મિટાવી સઘળા ટાળી દીધી તેં દ્વિધા,

દીધો વિસામો સૌને તારા હૃદયની પાળે…                  વર્ષો…

 

બંદી બન્યો’તો કહાનો પંથોના કેદખાને,

છોડી અખંડ રૂપને ખંડોમાં મૂર્ખ માને,

કીધો તેં મુક્ત તેથી વિચરે જગત વિશાળે…                વર્ષો…

 

જોઈને કારનામાં પાગલ થયો મુરારી,

સાચી કરેછે તારી હઠને હરિ સ્વીકારી,

થઈ સ્નેહ ઘેલો તુજને ભેટે હૃદય રસાળે…                   વર્ષો…

 

યોગેશ્વરા તું પ્રગટ્યો થઈ પાંડુરંગ રૂપે,

સમરસ થયો સહુમાં ‘દાદા’ના સ્નેહ રૂપે,

ગીતાનું પેય પાઈ ક્ષણ ક્ષણનું મૌન ટાળે…                 વર્ષો…

===ૐ===

ભાદરવા વદ સાતમ, સં. ૨૦૪૪, રવિવાર. તા. ૨-૧૦-૮૮ (ગાંધી જયંતી).