Monthly Archives: એપ્રિલ 2014

વાત વાતમાં લડતાં લડતાં.

સામાન્ય

વાત વાતમાં લડતાં લડતાં,

ઘડીયે ઘડીયે રડતાં રડતાં,

એક બીજાને નડતાં નડતાં,

જીવન જીવતાં મરતાં મરતાં.

 

સમય બગાડે હરતાં ફરતાં,

વાણ બગાડે બકતાં બકતાં,

સૌને માથે પડતાં પડતાં.

સદાય રહેતાં ડરતાં ડરતાં.

 

સંતે કીધાં ફરતાં ફરતાં,

મન મંદિરને ઘડતાં ઘડતાં,

જીવન પગથી ચડતાં ચડતાં,

પ્રભુ પ્રસાદી મળતાં મળતાં.

 

હોંશે ગગને ઉડતાં કીધાં,

મીના સમ જળ તરતાં કીધાં,

વર્ષા થઈ ધરતી ઉર ભરતાં,

યુગ તરસ્યાંને હસતાં કીધાં.

 

હરિ રટણને રટતાં રટતાં,

પ્રભુ કાર્ય ઉર ધરતાં ધરતાં,

સંત કૃપાને સ્મરતાં સ્મરતાં,

પૂર્ણ જીવન પદ જડતાં જડતાં.

===ૐ===

Advertisements

કીધાં એક સૌને વિચારે વિચારે.

સામાન્ય

પ્રલોભન ચમત્કારની જાળ કાપી,

કીધાં એક સૌને વિચારે વિચારે,

સંસ્કૃતિની નાવ ઝોલે ચડી’તી,

સહજમાં લગાવી કિનારે કિનારે…

 

વીતી પાનખર ને ખીલ્યાં ગુલ ગુલાબી,

ખુદાઈ ગીતોની બજી ધુન શરાબી,

પ્રભુ સ્નેહ મ્હોર્યો બહારે બહારે…            કીધાં…

 

પ્રમાદે ચઢેલી યુવાની જગાડી,

અને ઘોરતી શક્તિ કામે લગાડી,

ધ્રૂજે લાલચુઓ તિખારે તિખારે…            કીધાં…

 

મરેલાં જીવનના તમે પ્રાણવાયુ,

સડેલી ક્ષણોને દીધું દૈવી આયુ,

દીધો રાહ જગને ઈશારે ઈશારે…             કીધાં…

 

બધા ધર્મ પંથોનો સંગમ તમે છો,

હરિના હૃદય કેરી સરગમ તમે છો,

ગુંજે કીર્તિ ઉંચા મિનારે મિનારે…            કીધાં…

 

તમારાં જ દીધેલ આશીર્વચનથી

લઈ સ્નેહ સ્યાહી કૃતિની કલમથી

લખું કારનામાં સિતારે સિતારે…             કીધાં…

===ૐ===

ભીની મોસમ.

સામાન્ય

આ ભીની ભીની મોસમ

ને મીઠી મીઠી સરગમ

છમ્મક છમ્મક વર્ષારાણીનું આગમન…                     આ ભીની…

 

ખળખળ ખળખળ વહેતાં ઝરણાં; સરસર વહેતો વાયુ,

ઉર્વીનું ઉર મલકાયુ ને; ગીત મજાનું ગાયું,

રુદિયામાં જામી રૂમઝૂમ…            આ ભીની…

 

ફણગા ફૂટ્યાં હર્ષ તણાં; અવનીના અંગે અંગે,

પતંગિયાની દોડાદોડી; મોહે એનાં રંગે,

મન ભાવન એની ગુનગુન…        આ ભીની…

 

પરમેશ્વર કરુણા વરસાવે; નિર્મળ જળને ધારે,

મન ઉપવનની કુંજે કહાનો; બંસી બજવે ત્યારે,

ઊર્મીઓ નચવે છમછમ…            આ ભીની…

 

વર્ષાનું જીવન જાણીને; જીવન બદલું મારું,

સદવૃત્તિ દૂર્વાથી મનની; કામધેનુને ચારુ,

નચવે એ મારાં તન મન…            આ ભીની…

===ૐ===

યમુના કિનારે.

સામાન્ય

યમુના કિનારે શ્યામ ગાય ચારે,

ત્રિભંગા કૃતિ કહાનાની મનોરમ્ય લાગે.

 

લીલી લીલી હરિયાળીની પહેરીને કંમુકી,

મલકાતી લે અંગડાઈ કાલિંદી વાંકીચૂંકી,

સ્નેહગીત છેડે નીરના ઝાંઝર ઝણકારે…                યમુના…

 

કૂણી કૂણી લાગણીની સેજ મેં બિછાવી,

મન ભાવન મોહન મૂર્તિ એમાં સૂવડાવી,

પોઢી જાજે કાનુડા મનને પથારે…                       યમુના…

 

વેણ મારાં વેણું થઈને તારાં ગીત ગુંજે,

રેણની પળો રેણુ થઈ ચર્ણ તારાં ચૂમે,

વિરહ અગ્નિ જ્યોતિ થઈ આરતી ઊતારે…              યમુના…

 

બંસીના સૂર તારા હોશ ને ગુમાવે,

થોડી થોડી શાને વ્હાલા સમાધિ લગાવે,

કરવું રુદીયું મઢૂલી, રહેવાને તારે…                      યમુના…

 

બુદ્ધિ મારી ગોપી થાયે હૈયું ગોપ થાયે,

ઊર્મિ સરવાણી છલકી યમુનાજી થાયે,

નરાવીલે ઓ નંદલાલા રાસ દિલને આરે…             યમુના…

===ૐ===

વૈશાખ સુદ દસમ, સં. ૨૦૪૫, સોમવાર. તા. ૧૫-૫-૮૯.

વર દે યોગેશ્વર હે!

સામાન્ય

વર દે વર દે યોગેશ્વર હે,

તારો સ્વર દે વિશ્વેશ્વર હે.

 

તારું શરણું મળે; મારું મન ના ચળે,

મારી શ્રદ્ધામાં; ભક્તિ નું સિંચન ભળે,

મારી નિષ્ઠા વધે; ને પ્રતિષ્ઠા વધે,

મારી ચેષ્ઠામાં; તારી પ્રતીતી વહે…              વર દે…

 

ના શિકારી બનું; ના ભિખારી બનું,

ના ઝૂંટાવી કે યાચીને; હલકો બનું,

ના જુગારી થઉં; હારી જીવન રડું,

તારા ગૌરવ કિરણ; મારાં કર્મે વહે…            વર દે…

 

મારો સ્વામી થજે; આશ જાણી જજે,

માગ્યા વિણ; મારી ઈચ્છાને ભરતો જજે,

શું જરૂરી મને; નહીં જ્ઞાન મને,

તારી પાસેય માગું, ના હૈયું ચહે…                વર દે…

 

યોગ ને ક્ષેમ મારું; તેં મસ્તક લીધું,

ભાર હલકો કરી; મુજને પડતું દીધું,

તું થજે નાખુદા; ટાળજે વિપદા,

પાંડુરંગી કૃપા કેરું; ઝરણું વહે…                 વર દે…

===ૐ===

ચૈત્ર વદ ત્રીજ, સં. ૨૦૪૫, શનિવાર. તા. ૨૫-૩-૮૯.

મુજને મળવાને.

સામાન્ય

(રાગ – આજ નંદનો કિશોર હરખાય)

 

સહેજ જોયું ત્યાં હરિ હરખાય,

મુજને મળવાને,

નામ લીધું કે એ મલકાય,

મુજને મળવાને.

 

એની મૂરત જોવાને મેં દ્રષ્ટિ કિધી,

એણે પ્રેમ અને કરુણાની વૃષ્ટિ કિધી,

મારા દુર્ગુણને એ ભૂલી જાય…                   મુજને…

 

પડે કોલસામાં ચિનગારી ‘દેવતા’ બને,

મટે કાળાશ શક્તિનો પૂંજ એ બને,

એનાં પાપો અનિષ્ટ બળી જાય…              મુજને…

 

છોને ગંગામાં ગંદકીની નીકો ભળે,

થાય જાહ્નવી ને ભક્તોનાં વંદન મળે,

પાપ નાશીની એતો થઈ જાય…                 મુજને…

 

પાપીયાએ પરમેશ્વરનું શરણું લીધું,

ખરા મનથી ઈશ સાથ એણે સગપણ કીધું,

તેથી જન્મ મરણ ટળી જાય…                   મુજને…

===ૐ===

ચૈત્ર સુદ પડવો-બીજ, સં. ૨૦૪૫, શુક્રવાર. તા.૭-૪-૮૯.

રોનક

સામાન્ય

કોણ જાણે કાં સમય ખૈ જાય છે રોનક,

ઊગી ખીલી જ્યાં પાંગરી ચીમળાય છે રોનક.

 

મોહક નજર માદક બની પાગલ કરી દેતી,

પાગલ બને દ્રષ્ટિ ને ચૂંથે વિશ્વની રોનક.

 

હાસ્યના હીરા જડેલા હોઠ જ્યાં મલકે,

જ્યાં દર્દનો આસવ પીધો બેહોશ થઈ રોનક.

 

ઊર્મી તણા મોજાં ઉપર દિલ ઠેકડા ભરતું,

ગમગીન થઈ રડતું અને આહો ભરે રોનક.

 

કાળને પણ કરૂપતાની બીક છે શાયદ,

સૌંદર્ય સઘળું પી જતો એ પામવા રોનક.

 

ક્ષણ સજે રૂપ નિત નવાં ને અવનવી લાગે,

જો સવાર થાયે કાળ પર તો દમકતી રોનક.

 

સ્નેહ છે હૈયું ને સુંદરતા શરીર ઈશના,

પૂજા થાયે તો થઈ જતી પ્રસાદી જીવની રોનક.

===ૐ===