Monthly Archives: મે 2014

આવો… આવો…

સામાન્ય

આવો… આવો… આવો… આવો… – (૨)

 

ઉપવનની વનશ્રીને પૂજવા,

આવો… આવો…

ત્યાં પ્રગટેલી ધનશ્રી પૂજવા,

આવો… આવો…

 

હરીયાળા ઘુમ્મટ ફેલાયે,

શીતળતા મીઠી રેલાયે,

મન મેનાનું સંગીત સૂણાવા,

આવો… આવો…

 

ઈંદ્રધનુની રંગોળી ભઈ,

ફૂલડાંમાં એ વેરાઈ ગઈ,

પાંડુરંગી  ફોરમ લેવા,

આવો… આવો…

 

અંકુરમાં ઈશ્વર મલકાતા,

શાખામાં શિવજી હરખાતા,

છોડ મહીં રણછોડ નીરખવા,

આવો… આવો…

 

તરુએ તરુએ વિષ્ણુ ખોળે,

છૂપેલી લક્ષ્મી ફંફોળે,

લક્ષ્મી નારાયણને મળવા,

આવો… આવો…

=== ૐ ===

Advertisements

શ્યામ ઝંખે છે એવી યુવાની.

સામાન્ય

પ્રભુકાર્યની મહેક જીંદગાની,

શ્યામ ઝંખે છે એવી યુવાની. . .                    હો (૨)

 

કાંટાળા મારગને પણ એ સ્વીકારશે,

જીવનનાં મૂલ્યો જન હૈયે વસાવશે,

ભલે દેવી પડે કુરબાની. . .                           શ્યામ. . .

 

રડતાં લોચનીયામાં‌ આશાને આંજતી,

પડકારો સામે એ સાવજ થઈ ગાજતી,

જાણે ચમકે શિવાની ભવાની. . .                  શ્યામ. . .

 

ભોગની ભૂતાવળને શિવજી થઈ મારશે,

ભાવની ભીનાશ દિલો દિલમાં રેલાવશે,

હરિ હૈયાની થાય ફૂલદાની. . .                       શ્યામ. . .

 

જીંદગીનો ફાગણીયો થઈને એ ફાલશે,

રંગોમાં રંગાઈ રંગીન થઈ મહાલશે,

થશે જીવન ઉત્સવની નિશાની. . .                શ્યામ. . .

 

પાંડુરંગ પીયૂષનું પાન કરી ઝૂમતી,

વિધાયક આશાના ચહેરાને ચૂમતી,

એની વાણી અમૄત સરવાણી. . .                   શ્યામ. . .

=== ૐ‌ ===

ફાગણ વદ સાતમ, સં. ૨૦૪૬, સોમવાર. તા. ૧૯-૦૩-૧૯૯૦.

વર્ષોની વણઝાર.

સામાન્ય

વર્ષોની વણઝાર; ચાલી વર્ષોની વણઝાર,

થંભે ના ક્ષણવાર; ચાલી વર્ષોની વણઝાર.

 

કોને ખબર દિશા એની કયાં?

કંઈ મંઝિલને જાવું છે કયાં ?

ઉત્તર દે ન લગાર…                          ચાલી…

 

શૈશવનાં પુષ્પો ચીમળાયાં,

યૌવનનાં સ્વપ્નો રોળાયાં,

રંગ ભૂલ્યો ખુમાર…                         ચાલી…

 

અન્ય નયન ઘડપણ નિહાળે,

મારી આંખો યૌવન ભાળે,

મૂંઝવણ અપરંપાર…                       ચાલી…

 

વયની ધૂળથી મુખ ખરડાયે,

સુંદરતા ત્યારે રિસાયે,

આશા ઠંડી ગાર…                            ચાલી…

 

ઈશના દેશે ના ઉમર ક્ષય

પાનખર નહીં વસંતનો જય

શાશ્વત પ્રેમ પ્રસાર…                        ચાલી…

===ૐ===

જુન ૧૯૮૯.

સદાશિવ

સામાન્ય

(રાગ- તેરો હી એક ગુલામ)

 

એક મને વર દે, સદાશિવ, એક મને વર દે.

મૃત્યુંજય વર દે, સદાશિવ, એક મને વર દે.

 

પલ પલ મૃત્યુનાં ગીધ રમતાં,

ડરના દંતૂશળ પણ ડસતાં,

અમરનાથ કર દે…                                       સદાશિવ…

 

ક્ષણ ક્ષણ ક્ષીણ થાયે તન મારું,

દુઃખની ઝાળે મન બળનારું,

અમર કૃતિ પથ દે…                                     સદાશિવ…

 

તું કલ્યાણ સ્વરૂપ શિવજી છે,

જ્ઞાન પ્રકાશ સૂરજ પણ તું છે,

અભય જીવન ફળ દે…                                 સદાશિવ…

 

હરિયાળી શય્યા મૃત્યુની,

ઓઢી ચાદર બર્ફ કફનની,

મરણ ચરણ તવ દે…                                   સદાશિવ…

 

એકલ જાવું તારે મારગ,

ભસ્મ કરી ઈચ્છા ભરવાં ડગ,

જન્મ મરણ નવ દે…                                    સદાશિવ…

===ૐ===

ભાદરવા વદ છઠ (પૂજ્ય મોટા ભાઈનો શ્રાદ્ધ દિવસ), સં.૨૦૪૫, બુધવાર. તા. ૨૦-૯-૮૯.

છોડી વિષાદ

સામાન્ય

છોડી વિષાદ કાઢી પ્રમાદ,

જીવન પ્રવાસ કરતો જા.

અંધારે નિશાન તાક ના,

મારગ ઉજ્જ્વળ કરતો જા…            છોડી…

 

કૃપણ બની ના કઠોર થાજે,

ક્રૂર થઈ ના નઠોર બનજે,

વિશાળ દિલની દોલત પામી,

દીનતા દાહક થાતો જા…                છોડી…

 

વિકારનાં મૂલ્યો સમજી લે,

વિચારની કિંમત જાણી લે,

વિવેકની દૈવી દ્રષ્ટિથી,

વિકાસ સીઢીઓ ચડતો જા…         છોડી…

 

સમજીશ ના જીવન કોડી નું,

વસ્તી સ્થાન છે જગતપતિ નું,

તેજસ્વી વૃત્તિ પ્રગટાવી,

મંગલ મૂર્તિ બનતો જા…                છોડી…

 

પ્રકાશની ચિનગારી થઈ જા,

સૂરજનું સંતાન બનીજા,

રુદિયાનાં અંધારાં કાઢી,

ઝળહળતો તારક થૈ જા…              છોડી…

 

પંગુ થઈ ના રડતો રહેજે,

પાંડુરંગ ને મારગ જાજે,

પરમેશ્વરની પ્રીત માણવા,

ગીતાનું ગીત ગાતો જા…               છોડી…

===ૐ===

આસો સુદ ચોથ, સં. ૨૦૪૫, બુધવાર. તા. ૪-૧૦-૮૯.

(સાંજે ૭ થી ૭:૩૫ વચ્ચે)