Monthly Archives: જૂન 2014

સંદેશો નવલા વરસનો જી રે…

સામાન્ય

સંદેશો નવલા વરસનો જી રે…

“માનવ ગૌરવ દિન” ઉજવવો જી રે…

પાંડુરંગ હૈયાની વાણ,

દીનોની દીનતા મિટાવવા…

 

લક્ષ્મીના વૈભવને પામવો જી રે,

શક્તિનો સંચય વધારવો જી રે,

સંસ્કૃતિ વર્ધનને કાજ,

ભક્તિની શક્તિ સમજાવવા…

 

પાપનાં પશુઓને મારવા જી રે,

પાપીને પુણ્યદાન આપવા જી રે,

નંદન વન સર્જવાને કાજ,

સત્કર્મે સૃષ્ટિ સજાવવા…

 

જ્ઞાન જ્યોત દિપે જલાવવી જી રે,

ભવનાની તેલ ધાર પૂરવી જી રે,

અંધારાં ભેદવાને કાજ,

દિલની દિવાળી ઊજવવા…

 

ગૌરવથી જીવન મઠારવું જી રે,

હીનતાના શબને જલાવવું જી રે,

નવલા વરસને પ્રભાત,

ગૌરવની આરતી ઊતારવા…

===ૐ===

આસો વદ અમાસ “દિવાળી”, સં. ૨૦૪૬, ગુરુવાર. તા.૧૮-૧૦-૯૦.

(મનુષ્ય ગૌરવ દિનની ઉજવણી નિમિત્તે મુંબઈ જતાં બસમાં રચાયેલું)

Advertisements

ફૂલડું.

સામાન્ય

કળી જ્યારે ફૂલડું થઈ ને ખીલે છે,

દિલે જન્મદિનની સ્મૃતિ સાંપડે છે.

 

કંટક પડોશી ને ફોરમ હૃદય છે,

અટકાવે કોઈ કો સ્વાગત કરે છે.

 

સુગંધી ને દેવા નહીં પુષ્પ ફરતું,

રસિક એને ખોળે મગન થઈ છે.

 

કીચડ માત ને છે પિતા સૂર્ય એનો,

છતાંયે અનોખું જીવન એ ઘડે છે.

 

સૌંદર્ય દેવાની આદત છે એની,

કદી વેણી કે હાર ઈશનો બને છે.

 

ખીલેલી કળીની તે પ્રગતિ ને સમજું,

તો મારું જનમવુંય સાર્થક બને છે.

===ૐ===

પોષ વદ તેરસ, સં. ૨૦૪૬, બુધવાર. તા. ૨૪-૧-૯૦.

પ્રભુ પાસે હું શેં જાઉં?

સામાન્ય

પ્રભુ પાસે હું શેં જાઉં?

મારાં પાપ શૂળો શેં ચઢાવું.

 

છે ડહોળાયાં જીવન વારી,

ના અભિષેકનાં અધિકારી,

એનાં ચરણો હું શેં ધોઉં ?…                મારાં…

 

મુજ જીવન ફૂલ કરમાયાં,

હરિ ચરણ જતાં શરમાયાં,

દુર્ગંધી કાં ફેલાવું…                             મારાં…

 

ક્ષતિઓથી ભગ્ન જીવન છે,

ત્રુટિઓનાં શૂળનું વન છે.

વનમાળી ક્યાં હું વસાવું…                 મારાં…

 

કર્મોનું ના ઠેકાણું,

મારું જીવન પાત્ર છે કાણું,

એમાં હરિરસ શેં હું લાવું…                  મારાં…

 

મારી ચેષ્ટા સઘળી બાલિશ,

તુજ કૃપા જો હું પામીશ,

તું તેડે તો હું આવું…                           મારાં…

===ૐ===

શ્રાવણ સુદ છઠ, સં. ૨૦૪૬, શુક્રવાર. તા. ૨૭-૭-૯૦.

વિશ્વ માનવ.

સામાન્ય

વિશ્વનો વિશ્વાસ તું છે, વિશ્વ માનવ વિશ્વ માનવ;

શ્રી હરિનો શ્વાસ તું છે; વિશ્વ માનવ વિશ્વ માનવ.

 

રક્તના વરસાદમાં સ્નાન કરતા માનવી,

પુણ્યને પાવિત્ર્ય કેરી ડો’ળતા એ જાહ્નવી,

પાપને પ્રક્ષાલતો તું, વિશ્વ માનવ વિશ્વ માનવ…                    શ્રી હરિનો…

 

અગન ગોળા ફેંકતા ને વિશ્વને સળગાવતા,

ગર્વથી ચકચૂર સત્તાધીશ જગને ડારતા,

ભય નિવારી ભાવ રેલે, વિશ્વ માનવ વિશ્વ માનવ…               શ્રી હરિનો…

 

શૃંખલાઓ સ્વાર્થની સંવાદથી તું તોડતો,

વિચારની શુદ્ધિ કરી તું સ્નેહથી દિલ જોડતી,

શ્યામની ગીતા ગજવતો, વિશ્વ માનવ વિશ્વ માનવ…            શ્રી હરિનો…

 

આસક્તને આસક્તિ દીધી શ્યામ રસના મર્મની,

કર્મ પ્રેમીને દીધી દિશા પ્રભુના કર્મની,

સંસ્કાર સંસ્કૃતિ ભવન તું, વિશ્વ માનવ વિશ્વ માનવ…          શ્રી હરિનો…

 

તું પ્રાર્થના છે પ્રયાગમાં ને બંદગી બહેરીનમાં,

નમ્રતા નૈરોબીમાં અમેરિકામાં અર્ચના,

વિવિધ સ્થાને વિવિધ ગુણ તું, વિશ્વ માનવ વિશ્વ માનવ…    શ્રી હરિનો…

===ૐ===

ભાદરવા વદ નોમ, સં.૨૦૪૬, ગુરુવાર. તા. ૧૩-૯-૯૦.

તરવું હોય તો ડૂબ.

સામાન્ય

તરવું હોય તો ડૂબ,

ડૂબકી ખાતા શીખીજાને,

માણ મજા તું ખૂબ. . .            તરવું . . .

 

તું ભારે તો જળના તારે,

હલકો થા જળ આવે વ્હારે,

પર્વત જેવાં સાગર મોજે,

ઊછળી ખુશીઓ લૂંટ. . .        તરવું . . .

 

કાળાં કાળાં ભમ્મર પાણી,

ચકરાવે લઈ જાયે તાણી,

બૂંધે જઈને છટકી જાતું,

વમળ થકી તું છૂટ. . .            તરવું . . .

 

ઉપર છલ્લે બુદ્દબુદ પાવે,

ડૂબે તો ઊંડાણે જાવે,

પેટાળે મોતી છૂપાયાં,

અબ્ધિ કરથી ઝૂંટ. . .            તરવું . . .

 

સમુદ્ર મંથન કરવું તારે,

વિષ નીકળે તો પીવું તારે,

ત્યારે અમૃતધારા વરસે,

પી અમૃત રસ ઘૂંટ. . .            તરવું . . .

=== ૐ ===

ભાદરવા વદ આઠમ, સં. ૨૦૪૬, બુધવાર. તા. ૧૨-૯-૧૯૯૦.

છોડી મંદિરને

સામાન્ય

(રાગ – મારા દ્વારિકાના નાથ)

 

છોડી મંદિરને ભગવાન ઘેર ઘેર પધારે,

ઘેર ઘેર પધારે લીલા લ્હેર વધારે. . .                            છોડી મંદિરને. . .

 

પરભુની પાસે જઈ લોકો નિજનાં દુ:ખડાં રડતાં,

જગન્નાથને નાની મોટી માંગોથી મૂંઝવતાં,

ભાવ ઘેલા હૈયે આજ એ ભગવાન પોકારે. . .               છોડી મંદિરને. . .

 

પરિક્રમાએ માધવ નીકળ્યા ઘૂમે આખા ગામે,

ઘરે ઘરે જઈ વાસ કરતા જાય નવા મુકામે,

ભૂલી વેરઝેર એક થઈ રામ સત્કારે. . .                        છોડી મંદિરને. . .

 

હરિ કરે વાસ કે દુર્ગુણ ભડકી ભડકી ભાગે,

સદગુણો તો આળસ મરડી માનવ હૈયે જાગે,

ન્હાતા આનંદે ઘનશ્યામ એવાં મનના ફુવારે. . .         છોડી મંદિરને. . .

 

મંદિરથી ઘરમંદિર જઈને તનને મંદિર કરતા,

મનનો મેલ નિવારી ઈશ્વર મનમંદિરમાં રમતા,

એમ બગડેલા ઈન્સાનને ભગવાન સુધારે. . .             છોડી મંદિરને. . .

 

ઘર ઘર થાતાં ગોકુળીયું ને ગામ બને વૃંદાવન,

સદગુણોનાં ફૂલડાં ખીલતાં મ્હેકે જીવન ઉપવન,

થઈને વનમાળી ગુલતાન નાચે ઉપવનને ક્યારે. . .     છોડી મંદિરને. . .

=== ૐ ===

ભાદરવા વદ બીજ, સં. ૨૦૪૬, ગુરુવાર. તા. ૬-૯-૧૯૯૦.

સૌંદર્યની સજાવટ

સામાન્ય

(રાગ – સૌને ગમે છે આજે. . .)

 

નિર્મલ નયનથી તારી સૃષ્ટિ પ્રભુ નીહાળું,

સૌંદર્યની સજાવટ તારી હરિ હું ભાળું.

 

હડિયાદડી કરે છે વાદળીઓ જળ ભરેલી,

ઉર્વીના ઉરને મળવા પાણી થઈને રેલી,

એ શ્યામ મેઘમાં હું ઘનશ્યામને નીહાળું. . .             સૌંદર્યની. . .

 

છોને પરાયા જન હો દૂરી કદી ન લાગે,

તું વ્હાલ થઈને વ્હાલા સૂતો હૃદય પરાગે,

હૈયે મુકામ કીધો એ સ્નેહ ઘર હુંફાળું. . .                  સૌંદર્યની. . .

 

માદક બનીને યૌવનના દેહમાં છૂપાયો,

મોહક થઈને શૈશવના ગાલ પર છવાયો,

આકર્ષણોનું ચુંબક હે ઈશ તું રસાળું. . .                   સૌંદર્યની. . .

 

કેવી સરસ ને સુંદર દુનિયા પ્રભુ નીરાળી,

સુંદર જગતની સાથે મુજ જાત મેં નીહાળી,

સૌને ગમું હું એવું સૌદંર્ય દે કૃપાળુ. . .                      સૌંદર્યની. . .

=== ૐ ===

મે ૧૯૯૦.