વિશ્વનો વિશ્વાસ તું છે, વિશ્વ માનવ વિશ્વ માનવ;
શ્રી હરિનો શ્વાસ તું છે; વિશ્વ માનવ વિશ્વ માનવ.
રક્તના વરસાદમાં સ્નાન કરતા માનવી,
પુણ્યને પાવિત્ર્ય કેરી ડો’ળતા એ જાહ્નવી,
પાપને પ્રક્ષાલતો તું, વિશ્વ માનવ વિશ્વ માનવ… શ્રી હરિનો…
અગન ગોળા ફેંકતા ને વિશ્વને સળગાવતા,
ગર્વથી ચકચૂર સત્તાધીશ જગને ડારતા,
ભય નિવારી ભાવ રેલે, વિશ્વ માનવ વિશ્વ માનવ… શ્રી હરિનો…
શૃંખલાઓ સ્વાર્થની સંવાદથી તું તોડતો,
વિચારની શુદ્ધિ કરી તું સ્નેહથી દિલ જોડતી,
શ્યામની ગીતા ગજવતો, વિશ્વ માનવ વિશ્વ માનવ… શ્રી હરિનો…
આસક્તને આસક્તિ દીધી શ્યામ રસના મર્મની,
કર્મ પ્રેમીને દીધી દિશા પ્રભુના કર્મની,
સંસ્કાર સંસ્કૃતિ ભવન તું, વિશ્વ માનવ વિશ્વ માનવ… શ્રી હરિનો…
તું પ્રાર્થના છે પ્રયાગમાં ને બંદગી બહેરીનમાં,
નમ્રતા નૈરોબીમાં અમેરિકામાં અર્ચના,
વિવિધ સ્થાને વિવિધ ગુણ તું, વિશ્વ માનવ વિશ્વ માનવ… શ્રી હરિનો…
===ૐ===
ભાદરવા વદ નોમ, સં.૨૦૪૬, ગુરુવાર. તા. ૧૩-૯-૯૦.
Advertisements