Monthly Archives: જુલાઇ 2014

શિવ દર્શન – પુસ્તક

સામાન્ય

શ્રાવણ મહિનામાં ભગવાન શિવના પૂજનની વિષેશ મહત્તા છે. જુલાઈ, ૨૦૦૦ના શ્રાવણ માસમાં “લોકસત્તા” સમાચાર પત્રમાં તંત્રી શ્રી અવિનાશભાઈ મણિયારના નિવેદનથી મારા ભગવાન શિવ વિષે મારા લેખ પ્રગટ થયા હતાં. આ બધાં લેખોનો સંગ્રહ એક પુસ્તક સ્વરૂપે સાલ ૨૦૦૪માં મારા સ્નેહી મિત્રે પ્રકાશિત કર્યું.

 

આજે ૧૦ વર્ષ બાદ શ્રાવણ મહિનામાં આ પુસ્તકને મારા બ્લોગ પર રજું કરું છું. આશા છે મારા અન્ય પુસ્તકોની સાથે આ પુસ્તક પણ રસપ્રદ અને જ્ઞાન સભર બની રહે.

 

શિવ દર્શન

વાંચો (Download)

Advertisements

દર્શન મેં કીધાં!

સામાન્ય

દર્શન મેં કીધાં તારા દર્શન મેં કીધાં,

તુજને જોઈને મારાં પાપો છે લીધાં.

 

ભોગોને કાજે ભૂ મંડલમાં ભાગું,

ઈશ્વરના કામો હું હળવેથી ત્યાગું,

મારી બુદ્ધિએ રાહ તારા છે લીધાં. . .                  દર્શન. . .

 

મારી શક્તિઓનું ખુદને કંઈ ભાન ના,

ખોળે મૃગ કસ્તુરીને ક્યાં છે તે જ્ઞાન ના,

શક્તિના સ્ત્રોતના કમાડ ખોલી દીધાં. . .          દર્શન. . .

 

આળસ એ મારાં જીવનનો વિલાસ છે,

ધન કાજે ધંધો મારો જીવન વિકાસ છે,

સ્વાધ્યાય અમૃત તેં દીધાં મેં પીધાં. . .               દર્શન. . .

 

મારી બીમારી હું મનનો ભીખારી,

જીંદગી મધુરી તેની કીધી ખુવારી,

રંકને તેં રાજવીના મહેલ ભેટ દીધાં. . .               દર્શન. . .

 

પાંડુરંગ રંગ મહીં મારે છે નહાવું,

ગાયેલું એણે જીવન ગીત ગાવું,

કીધાં જીવનનાં ચઢાણ એણે સીધાં. . .              દર્શન. . .

=== ૐ ===

પોષ સુદ પૂનમ, સં. ૨૦૪૭, સોમવાર. તા. ૩૧-૧૨-૧૯૯૦.

એમ પણ બને!

સામાન્ય

ધાર્યું હતું તે ના થયું કૈં એમ પણ બને,

ધાર્યું ન’તુ તેવુંય થાયે એમ પણ બને.

 

ધારણા ને વાસ્તવિક્તામાં ઘણો ફરક,

શ્વાસ પણ સંગાત છોડે એમ પણ બને.

 

શણગારવાને હાથને મેંદી ઘૂંટાય છે,

રંગતી કાં શ્વેત કેશો એમ પણ બને.

 

મેશ કરતી મુખ કલંકીત એમ તો નથી,

સૌંદર્ય થઈ શોભે નયનનું એમ પણ બને.

 

સારું અને ખરાબનો છે મેળ જીંદગી,

કેર કાળો મહેર થાયે એમ પણ બને.

 

ખુશીઓથી મહેક મહેક કરી દો હરેક ક્ષણ,

ચીમળાય નહીં તો ક્ષણ કુસુમો એમ પણ બને.

===ૐ===

મિષ્ટતા બે હૃદયની

સામાન્ય

મિષ્ટતા બે હૃદયની મૈત્રી થકી વરતાય છે,

ના કહેલી વાત સૌ ખુલ્લાં હૃદયથી થાય છે.

 

પમરાટ ફેલાયો સકળમાં સ્નેહનાં પુષ્પો થકી,

રઝળતો મુજ સમ પથિક પળવાર માણી જાય છે.

 

પ્રયત્ને કંઈ જન્મના સોગાદ મળતી યારની,

ભૂલથી ખોવાય તો આખો જનમ બેકાર છે.

 

કૃપણતા ના પ્રેમમાં બસ સ્નેહ તો આવ્યા કરે,

પામનારો પ્રણય સાગરમાં મલકતો ન્હાય છે.

 

કલ્પનાના દેશમાં હું મિત્રનો વાસો કરું,

રોમ રોમે યાદ એની ચેન ચોરી જાય છે.

===ૐ===

પોષ સુદ પડવો, સં. ૨૦૪૭, મંગળવાર. તા. ૧૮-૧૨-૯૦.