Monthly Archives: ઓક્ટોબર 2014

શુભ આગમન.

સામાન્ય

મારી પૌત્રી ‘દ્વિજા’ના જન્મને આવકારવા માટે લખેલું ગીત.

 

સ્વાગતમ્  ઓ લાડલી છે સ્વાગતમ્,

સ્વાગતમ્  ઓ વ્હાલડી શુભ આગમન.

 

આવાસ અમ તારો બન્યો તેની ખુશી,

તારી મહેચ્છાઓ બનો સૌની ખુશી,

ઉત્સાહથી છલકાય તારું આગમન. . .         સ્વાગતમ્ . . .

 

તું છે મારી ‘ડાળનું’ રંગીન ફૂલડું,

મ્હેકતું મલકાવતું રંગીન ફૂલડું,

સંસ્કારની છે ખાણ તું તેનું રટણ. . .            સ્વાગતમ્ . . .

 

બહુ મહેચ્છાઓ અમારી છે ઓ બાળા,

તું કરીશ પૂરી ઓ મારી સ્નેહશાળા,

તારું અમારું થાય સ્નેહનું સંક્રમણ. . .         સ્વાગતમ્ . . .

 

અમ ગૃહે વિસ્તાર કર ખુલ્લું ગગન,

સંસ્કાર માર્ગે ઘૂમવા ખુલ્લો ચમન,

સ્નેહને તું જ્ઞાનનાં દેજે નયન. . .                 સ્વાગતમ્ . . .

 

આપણાં ઘરમાં રમે છે શારદા,

વિદ્યા કલા ને કાવ્ય રમતાં સર્વદા,

વારસો તું વધાર કરી શારદા નમન. . .         સ્વાગતમ્ . . .

 

ક્રાંતિ ને શાંતિ સાથમાં છે રાખવાં,

કોઈનાંયે રક્ત ના રેલાવવાં,

ધર્મને સમજીને જીવવાનું કવન. . .             સ્વાગતમ્ . . .

=== ૐ ===

અષાઢ સુદ બારસ, સં ૨૦૭૦, ગુરુવાર. તા. ૧૦-૭-૨૦૧૪.

Advertisements

સમંદર

સામાન્ય

સમંદરની કાયા છે પાણી પાણી,

છતાંયે હૃદયમાં આગ સમાણી,

સહુ દુખિયાની પીધી અશ્રુધારા,

ખારાશ એનાં શરીરે છવાણી.

 

જગતનાં તબીબો મને એ બતાવો,

કે દર્દીને ચહેરે કદી સ્વાસ્થ્ય રમતું?

સળગતો સીનો પણ ચહેરે સફેદી,

ગુંજે ભૈરવી ને મુખે સ્મિત રમતું.

એવાં ગુણોનાં કામણ નીહાળી,

સરિતાઓ સઘળી સમુદ્રે સમાણી.          સમંદરની. . .

 

ઉદરમાં મગરમચ્છ ને મોતી એમાં,

છતાં જગને રત્નોની લ્હાણી એ કરતો,

સૃજે શંખ બ્રહ્માંડને ભેદનારા,

હરિને ચરણ ભેટ એની એ ધરતો.

હરિએ દીધો હાથ લક્ષીને પાણી,

જમાઈ  થયા ઈશ દિલે હેત આણી.        સમંદરની. . .

 

આવે છે ભરતી અને ઓટમાં એમાં,

સુખોને દુ:ખોની જુગલબંધી તેમાં,

તરનાર પણ આહ એની ન સૂણતો,

ગુંજે ગીત મોજે તરંગોમાં એનાં.

ખુશીને દરદની છે એની કમાણી,

કેહેતો ન કો’ને વ્યથાની કહાણી.           સમંદરની. . .

 

સમંદરનું જીવન છે સંતોની ગાથા,

જીવન ગીતના સૂર એનાં અગાધા,

ખારાશ પણ થાય સ્વાદિષ્ટ એની,

મળે માર્ગદર્શન હૃદયમાંહી શાતા.

વિકસવાની સીડીઓ એમાંથી જાણી,

પ્રભુને વસાવાની યુક્તિ પીછાણી.        સમંદરની. . .