Monthly Archives: નવેમ્બર 2014

ઘર પણ મંદિર બને

સામાન્ય

(રાગ – દાદા તવ સાથ મળ્યો…)

 

આલય ના વાસો છે માનવ રહેઠાણનો,

ઘર પણ મંદિર બને વાસો જ્યાં રામનો.

 

આવાસે વાસ થાય જ્યારે ભગવાનનો,

નાતો બંધાય ત્યારે સાચો ઘનશ્યામનો,

ઈંટને ચૂનાનું ના રહેતું એ ખોરડું,

ઘર પણ મંદિર બને વાસો જ્યાં રામનો.

 

ઊર્મિનાં પુષ્પોનો હાર હું ચઢાવું,

સ્નેહનાં ફૂવારાથી ઈશને નવરાવું,

સંસ્કારે શણગારું ખંડ ઈશા રામનો,

ઘર પણ મંદિર બને વાસો જ્યાં રામનો.

 

સંતોનું શરણું ને સ્વાધ્યાયે ધ્યાન હો,

માનવના ગૌરવનું અહીંયાં સન્માન હો,

વાણીની મીઠાશે સહુનો સત્કાર હો,

ઘર પણ મંદિર બને વાસો જ્યાં રામનો.

 

સંતોષે અન્ન બને મીઠાં મિષ્ટાન્ન હો,

વહેંચી આરોગવાના વ્રતનો સ્વીકાર હો,

એવાં આવાસની સુવાસમાં ભગવાન હો,

ઘર પણ મંદિર બને વાસો જ્યાં રામનો.

=== ૐ ===

ચૈત્ર સુદ આઠમ, સં. ૨૦૪૮, શુક્રવાર. તા. – ૧૦-૪-૧૯૯૨.

Advertisements

પુત્ર પ્રેમ કાજ

સામાન્ય

(રાગ – જીવનને સુંદર બનાવશું)

 

પિતૃઓ પ્રેમે પધારજો રે,

પુત્ર પ્રેમ કાજ તમે આવજો.

 

શ્રદ્ધાથી શ્રાદ્ધ મહીં નોતરું મેં દીધું,

ઈચ્છા તમ થાય પૂરી એવું પ્રણ લીધું,

આશિષના અમૃત પીવડાવજો રે…            પુત્ર પ્રેમ. . .

 

કરુણાકર ઈશ્વરની પાસ વાસ આપનો,

સંદેશો દેવાને આવજો શ્રી રામનો,

ભાવના પિયુષ લઈ આવજો રે…              પુત્ર પ્રેમ. . .

 

સાચવું પરંપરા હું સંસ્કૃતિ ધર્મની,

ચરણે ચઢાવું ભેટ સાચી સતકર્મની,

મારી એ ભેટને સ્વીકારજો રે…                 પુત્ર પ્રેમ. . .

 

બ્રાહ્મણની તૃપ્તિમાં આપ સદા તૃપ્ત હો,

દાક્ષિણ્યે દક્ષિણા લઈ તએ ખુશ હો,

જ્ઞાન પ્રેમ સંગમ વહાવજો રે…                 પુત્ર પ્રેમ. . .

=== ૐ ===

ભાદરવા વદ છઠ (પૂજ્ય મોટાભાઈનું [પિતાજી] શ્રાદ્ધ) , સં. ૨૦૪૮, ગુરુવાર. તા. ૧૯-૯-૧૯૯૨. બપોરે ૧૨:૪૭ વાગે.

રંગીન સાથ મળજો

સામાન્ય

પુષ્પો ચૂંટવાને મખમલના હાથ મળજો,

ને મેઘધનુષ અડવા રંગીન સાથ મળજો.

 

શબ્દોના કેસૂડાંના રંગો ભરી ભરીને,

સ્નેહીજનોનાં દિલમાં હોળીનો ખેલ રમજો.

 

યાદોની ગાય કોયલ મનના મીનાર ઉપર,

મારાં એ મૌન ગીતની મસ્તીની લૂંટ કરજો.

 

દિલમાં જવું બીજાના એ સહેલું તો નથી કૈં,

સ્નેહ પહેલાં વેદનાની આગ હોઠ ધરજો.

 

છે વેદના ભરેલો પ્રેમી જનોનો મારગ,

તે દર્દ માણવાને દિલને મનાવી લેજો.

 

સાચો છે સ્નેહ તેનો દેવાય ના પૂરાવો,

દૈને શહીદી નિજની ઈશને મનાવી લેજો.

 

એનોય પ્રેમ સઘળે તોયે ઘણાં ન માને,

એવાં જ ચાહવાના કિમિયાને જાણી લેજો.

=== ૐ ===

જીવન ગીત

સામાન્ય

સૌએ છો ને જાણ્યા,

તોયે જીવન ગીત ના માણ્યા.

 

ચહેરા જાણે જાણ્યા જાણ્યા,

તોયે એતો રહ્યા અજાણ્યા,

દેહથી દેહ બહુ ભીંસાયા,

તાર શરીરના ખૂબ ઝીંકાયા,

હાડ માંસની નજદીકી પણે,

નજદીક દિલ ના આણ્યા…          તોયે. . .

 

પળની કૂંપળ નીત નીત ઊગતી,

નીત નીત એ કરમાતી,

કીધાં કરતૂત કો દિ’ એવાં,

તેથી એ શરમાતી,

પ્રીત ભૂલીને પ્રેત બનાવ્યા,

ઈચ્છાના અણ જાણ્યા…             તોયે. . .

 

પતંગિયાનો પાલવ પકડી,

ના વ્યોમે વિહરાયે,

પુષ્પક વિમાન હો રાઘવનુ,

તો ગગને ઘૂમાયે,

આખું આયુ તુજને તો ભૈ,

બસ મૃગજળ દેખાયાં…               તોયે. . .

=== ૐ ===

ભમરો

સામાન્ય

ફૂલનું હૈયું ચૂમી ભમરો,

ગણગણતો ગીત ગાયે,

મહેક્યો મહેક્યો સંદેશોએ

ફૂલડાંનો દઈ જાયે.

 

શ્યામ હૃદય જાણે ફૂલનું મન,

પુષ્પ સમું કોમળ રાધા તન,

તનમનની તન્મયતા ત્યારે,

ઊર્મિનાં ગીત ગાયે…               મહેક્યો . . .

 

જગના રંગોની રંગોળી,

ફૂલડાંએ તન પર તે ચોળી,

બહુરંગી ને તોય અરંગી,

માધવ દર્શન થાયે…               મહેક્યો . . .

 

શેષનાગ પર વિષ્ણુ સૂતાં,

કંટક સેજે ફૂલડાં સૂતાં,

પ્રસન્ન થઈને બન્ને હસતાં,

ઉર મોહિત થઈ જાયે…           મહેક્યો . . .

 

ડંખીલો ભમરો ફૂલ સંગે,

સ્નેહ સ્વરૂપ થઈ નિજને રંગે,

મનહર માધવના બાહુમાં,

પાપી પાવન થાયે…               મહેક્યો . . .

=== ૐ ===

ફાગણ સુદ ચૌદશ, મંગળવાર, સં. ૨૦૪૮. તા. ૧૯-૩-૧૯૯૨.

મારાં જીવનને એવું સજાવું.

સામાન્ય

મારાં જીવનને એવું સજાવું,

પ્રભુ લલચાયે તેવું બનાવું.

 

ચહેરા પર હાસ્યની પતંગ મેં ચગાવી,

ઊર્મિ પતંગિયાની હાર મેં ઉડાવી,

હાથ પાયમાં હું શક્તિ નચાવું…                પ્રભુ . . .

 

શ્રદ્ધાના જળથી મેં આશા ઉછેરી,

બેઠક સંકલ્પોની કીધી ઉંચેરી,

સ્નેહ મખમલની ચાદર બીછાવું…            પ્રભુ . . .

 

હિંમતના હલેસે નૌકા હંકારી,

ઈશને સુકાન દઈ મંઝીલ સ્વીકારી,

છે વિજય કેરું ગીત મારે ગાવું…                પ્રભુ . . .

 

કૃતિનાં સ્મારક જન હૈયે સરજવા,

ઈશ સ્મૃતિ કાવ્ય દિલોદિલમાં રેલાવવાં,

ફળો કીર્તિનાં શ્યામને ધરાવું…                 પ્રભુ . . .

=== ૐ ===

મારાં શમણામાં.

સામાન્ય

શ્યામ આવાં શું નયણાં નચાવ્યા કરે?

મારાં શમણામાં આવીને મહાલ્યા કરે.

 

પેઠો યાદોની બારીથી મનડા મહીં,

ખાધા ચોરી ચોરી મારાં ઊર્મિ દહીં,

મારા ભોગોની ગાગર એ ફોડ્યા કરે…           મારાં શમણામાં. . .

 

મારી ઈચ્છાની યમુનામાં ન્હાવા ગઈ,

શ્યામ સંતાયો ત્યાં મારાં વસ્ત્રો લઈ,

વાસનાઓનાં વસ્ત્રો એ ચોરયા કરે…          મારાં શમણામાં. . .

 

છું હું બેહોશ કે હોશમાં નથી ખબર,

તારી મુરલીના સૂરોની એવી અસર,

મારાં શ્વાસોની બંસી બજાવ્યા કરે…            મારાં શમણામાં. . .

 

મારાં હૈયાના ગોકુળ મહીં આવજે,

એમાં વંઠેલી પૂતનાને તું મારજે,

તારી યાદો સદાયે સતાવ્યા કરે…                 મારાં શમણામાં. . .

=== ૐ ===

“દેવ ઊઠી અગિયારસ” કારતક સુદ અગિયારસ, સં. ૨૦૪૮. સોમવાર. તા. ૧૮-૧૧-૧૯૯૧.