Monthly Archives: જાન્યુઆરી 2015

સાંઈ આરતી.

સામાન્ય

 

સાંઇનાથ જય હો; પ્રભુજી સાંઈનાથ જય હો,

બ્રહ્મ થયું સાકારીત (૨); નયને નર્તન હો…         સાંઇનાથ. . .

 

વિભૂતિનો વૈભવ નિર્ધન સમ રમતાં….                પ્રભુ (૨). . .

વૈભવવાનો યાચક (૨); થઈ ચરણો ચૂમતાં…     સાંઇનાથ. . .

 

શ્રદ્ધાના સેતુથી ભક્ત હરિ મળતાં…                     પ્રભુ (૨). . .

ધૈર્ય સબૂરી ધરતાં (૨); શુભ કારજ ફળતાં…       સાંઇનાથ. . .

 

ધર્મ પંથના ભેદો વેર ઝેર ભરતાં…                         પ્રભુ (૨). . .

એક જ સૌનો માલિક (૨); સ્નેહ થકી વદતાં…    સાંઇનાથ. . .

 

સ્મરણ થતાં હાજર થઈ સહુનાં દુ:ખ ટાળો…         પ્રભુ (૨). . .

ઈચ્છીત ફળ આપીને (૨); વિઘ્ન સકળ બાળો… સાંઇનાથ. . .

 

કરુણામય દ્રષ્ટિને સ્નેહ સભર હૈયું…                  પ્રભુ (૨). . .

પાપીને અપનાવી (૨); પૂણ્ય સદન અર્પ્યું…        સાંઇનાથ. . .

 

દત્તાત્રય શિવ મોહન રામ રૂપે પ્રગટ્યા…             પ્રભુ (૨). . .

જે ભાવે જે પૂજે (૨); તે રૂપે મળ્યા…                    સાંઇનાથ. . .

 

રોગી ભોગી યોગી જે કારણ ભજતાં…                 પ્રભુ (૨). . .

માગે તેવું દેતાં (૨); ઈચ્છાના ભર્તા…                 સાંઇનાથ. . .

 

દીન બની હું બાળક આવું તમ શરણે…               પ્રભુ (૨). . .

ભવ સાગરથી તારો (૨); લઈ લો તમ ચરણે…     સાંઇનાથ. . .

=== ૐ ===

અધિક ભાદરવા વદ બીજ, સં. ૨૦૪૯, શુક્રવાર. તા. ૦૩-૦૯-૧૯૯૩.

Advertisements

તું છે અનુપમ.

સામાન્ય

લાગે જુદો સહુને તું છે અનુપમ,

मधुराधिपते अखिलं मधुरम।…

 

કોઈ યોગેશ્વર રૂપે નીહાળે તને,

વળી દ્રષ્ટા ઋષિ રૂપે ભાળે તને,

પ્રેરણા મૂર્તિ થૈને કરે મંગલમ્…              मधुराधिपते. . .

 

મહિલાનો મહિમા જગતમાં કીધો,

ને દલિતો પીડિતોને મોભો દીધો,

કરે ઉદ્ધારક કહીને સુધારક પૂજન…        मधुराधिपते. . .

 

ખીલ્યાં શાસ્ત્ર કુસુમ ધર્મના બાગમાં,

મધુકર થૈ પીધો રસ અનુરાગમાં,

કહી શાસ્ત્રીજી જ્ઞાની કરે છે નમન…       मधुराधिपते. . .

 

હું તો ‘દાદા’ એ શબ્દે દિવાનો બનું,

તારી યાદોની દિલમાં સિતારી સૂણું,

તારા ખોળામાં રમવાનું મુજને છે મન…    मधुराधिपते. . .

=== ૐ ===

ભાદરવા, સં. ૨૦૪૯. સપ્ટેમ્બર ૧૯૯૩.

પળના પતંગિયાં.

સામાન્ય

પળના પતંગિયાં તો ઊડી ઊડી જાય છે,

દા’ડા દોડે ને માસ ભાગી ભાગી જાય છે.

 

મહિના વિદાય થાતાં આવ્યું એક ટાણું,

નવલા વરસ કેરું વાયુ ત્યાં વ્હાણું,

સૂતેલા સંકલ્પો જાગી જાગી જાય છે…                  પળના. . .

 

પ્રગતિના પંથ મહીં આવી ઉદાસી,

રગ રગમાં આળસ થયું તું નિવાસી,

સ્ફૂર્તિના પ્યાલાઓ છલકી છલકી જાય છે…        પળના. . .

 

ધ્યેય મહીં ધુમ્મસના વાદળ છવાયા,

સંકેતો રાહબરના કૈં ના કળાયા,

જ્ઞાનનો પ્રકાશ હૈયે રેલી રેલી જાય છે…                પળના. . .

 

સૂતેલા જાગી જાઓ આવ્યો છે મોકો,

ચૂકશો તો ખાશો ફરી પાછો ધોખો,

શુભેચ્છા વાદળીઓ વરસી વરસી જાય છે…        પળના. . .

 

અંધારા હૈયામાં આશાના કોડિયાં,

રોતા લોચનીયામાં નિશ્ચય પરોઢીયાં,

વીલાં વદન પાછા મલકી મલકી જાય છે…            પળના. . .

=== ૐ ===

અધિક ભાદરવા વદ ત્રીજ, સં. ૨૦૪૯, શનિવાર. તા. ૦૪-૦૯-૧૯૯૩.

રાખડી બ્હેનીની.

સામાન્ય

(રાગ – ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં)

 

રાખડી બ્હેનીની પ્રેમ પુષ્પ પાંખડી,

રાખડી બ્હેનીની ઊર્મિની આંખડી.

 

લાગણીના દોરા પર સ્નેહનું છે ફૂમતું,

રક્ષાનો કૉલ દઈ ગૌરવથી ઝૂમતું,

રાખડી પ્રગતિના પગલાંની ચાખડી…        રાખડી. . .

 

બંધન થૈ મનના વિકારોને બાંધતી,

ભાવ તંતુ થૈને હૈયાંને એ સાંધતી,

રાખડી સંયમની જાણે કે લાકડી…            રાખડી. . .

 

લાદેલું બંધનના હોંસે અપનાવીયું,

બ્હેનીની પ્રીતીનું બંધન સ્વીકારીયું,

રાખડી વિજયની મૂરત છે ફાંકડી…           રાખડી. . .

 

માંગણી નથી કોઈ કેવળ છે લાગણી,

ભાઈલાના હિતોની કીધી છે વાવણી,

રાખડી ઠારે છે બળબળતી આંતડી…        રાખડી. . .

=== ૐ ===

અધિક ભાદરવા સુદ ચોથ, સં. ૨૦૪૯, શનિવાર. તા. ૨૧-૦૮-૧૯૯૩.

પ્રેમ સ્વરૂપ પરમેશ્વર.

સામાન્ય

સુંદર સુંદર તનમાં રહેતું મીઠું મીઠું હૈયું,

પ્રેમ સ્વરૂપ પરમેશ્વરનું એ લાડકું છે છૈયું.

 

સ્નેહ સરિતા સ્પંદન રેલે,

રગ રગમાં ચેતન થૈ ખેલે,

આલિંગન દે સકળ જગતને પ્રેમગીત ગવૈયું…           પ્રેમ સ્વરૂપ. . .

 

બની સિતારી બસંત ગાતું,

હળતું મળતું થઈ મદમાતું,

ઊર્મિ પરાગ સહજ છેડાતાં મહેક થઈ રેલાયું…          પ્રેમ સ્વરૂપ. . .

 

મીણ જેવું એ પીગળી જાતું,

કરુણા નીર થઈને છલકતું,

બળ્યા જળ્યા મનડાંનું ઔષધ થૈ ને એ સંચરીયું…    પ્રેમ સ્વરૂપ. . .

 

થાય ઉપેક્ષા તો એ રડતું,

છાનું છપનું ડૂસકાં ભરતું,

ભગ્ન વીણાએ છેડ્યું સંગીત કો’થી ના સુણૈયું…         પ્રેમ સ્વરૂપ. . .

 

પ્રેમ રૂપે પ્રિયતમા પોકારે,

વાત્સલ્યે શિશુ સંભારે,

ભક્તિ કરતાં  શ્યામ મનોહરનું મનડું રીઝૈયું…          પ્રેમ સ્વરૂપ. . .

=== ૐ ===

શ્રાવણ સુદ ત્રીજ, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૨૨-૭-૧૯૯૩.

તીર્થરાજ આવ્યા.

સામાન્ય

(રાગ: हम तो चले जाते भगवन जहॉं बुलाते)

“તીર્થરાજ” આવ્યા ને વૃક્ષરાજ લાવ્યા,

ધરતીના હૈયામાં સ્નેહે પધરાવ્યા…            તીર્થરાજ. . .

 

અવનિની શોભા છે લીલુડાં ઝાડવાં,

માનવમાં પ્રાણ પૂરે વિષને નિવારવા,

પુષ્પોની કલગી ડોલાવતાં એ આવ્યા…    તીર્થરાજ. . .

 

વાયુની સંગાતે વૃક્ષોને યારે,

તાલી દૈ પાન કરે રાસની તૈયારી,

રૂમઝૂમતી વર્ષાએ ગીતો છલકાવ્યા…       તીર્થરાજ. . .

 

કૂણી કૂણી કૂંપળમાં કહાનો ક્રીડા કરે,

रसो वै स: થઈને રસમાં રેલ્યા કરે,

મૂળ માંહી માધવની જોઈ મેં છાયા…         તીર્થરાજ. . .

 

ચાહ્યું માધવ વૃંદે વૃંદાવન સર્જવા,

પાંડુરંગ હુંકારે માંડ્યું એ ગર્જવા,

જીવન વસંત ગીત સૌને મન ભાવ્યા…      તીર્થરાજ. . .

=== ૐ ===

અષાઠ વદ દસમ, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૧૫-૭-૧૯૯૩.

પ્રતિમા રણછોડની.

સામાન્ય

તને આપું હું ભેટ લીલા છોડની,

તું બતાડે પ્રતિમા રણછોડની.

 

વૃક્ષ વધતી પ્રતિમા છે લાગતી,

વળી સંતની પ્રતિભા પણ નાચતી,

દુ:ખી જનને દે ભેટ આનંદની…            તું બતાડે. . .

 

ઝાડ પાણીની જેમ નહીં ચાલતું,

વધી માનવ સમું ઊંચે મહાલતું,

ઝાંખી દેતું જડ ચેતનમાં રામની…        તું બતાડે. . .

 

જાણે શાખામાં શિવ; પાન પાર્વતી,

કૂંપળોમાં શ્રીકૃષ્ણ પ્રતીતી થતી,

બીજ જ્ઞાન રૂપ મૂર્તિ હો બુદ્ધની…        તું બતાડે. . .

 

વાયુ વર્ષાની સંગાતે પ્રીતડી,

કરે ધરતી સાથે મીઠી વાતડી,

રચી મહેફીલ રસ રૂપ અને ગંધની…     તું બતાડે. . .

 

કીધું દર્શન પાંડુરંગે વૃક્ષમાં,

દીધું  સૌને ભક્તિના સ્વરૂપમાં,

ધરા ઉરમાં છે લાગણી સંતોષની…       તું બતાડે. . .

=== ૐ ===

અષાઢ વદ ચોથ, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૦૮-૦૭-૧૯૯૩.