Monthly Archives: એપ્રિલ 2015

दास्यं।

સામાન્ય

કર્યું મેં સમર્પણ પ્રભુ તે સ્વીકારો,

વળી સાથ લાવ્યો અહંકાર મારો.

 

પળે પળ સ્મરણ હો હૃદયમાં તમારું,

સેવા મહીં જાય આયુષ્ય મારું,

રહે ખ્યાલમાં આપના બસ વિચારો. . .    કર્યું મેં . . .

 

તડપ હો દિલે આપના દર્શનની,

વિભુ! દઉં હું સત્કર્મની ફૂલદાની,

મારી કૃતિ આપ સ્મૄતિમાં ધારો. . .        કર્યું મેં . . .

 

ધરી વાસના ને વિકારો તમોને,

અભિષેક હું પ્રેમનો દઉં તમોને,

તમે થાવ માલિક હું નોકર તમારો. . .    કર્યું મેં . . .

 

નથી કાંઇ કરવું નથી કાંઇ ભરવું,

હો ઈચ્છા તમારી તે કામ કરવું,

હૃદય મંદિરે આપ સ્નેહે પધારો. . .        કર્યું મેં . . .

=== ૐ ===

માગસર વદ તેરસ, સં. ૨૦૫૪, ગુરુવાર. તા. ૨૭-૧૧-૧૯૯૭.

Advertisements

ઘૂમો છો આસપાસ

સામાન્ય

લાગે છે એમ કે તમે, ઘૂમો છો આસપાસ;

પદરવ તમારો સાંભળું, ગુંજે છે આસપાસ.

 

ખુશ્બો મ્હેક મ્હેક થઈ, ભરે છે શ્વાસ શ્વાસ;

વાગે હૃદય સિતારી, સૂંઘતો હું આસપાસ.

 

હૈયાનો મેળ મેળવી, સમરસ સહુ કર્યા;

દૈવી વિચાર આપવા, ગયાં તે આસપાસ.

 

જાઉં હું ગ્રામ ગ્રામ, ને માનવ હૃદય સુધી;

સઘળાં કહે છે એમ, કે જોયા’તા આસપાસ.

 

આપને ઘનશ્યામની, ગીતાની ગુફ્તેગૂ;

ધીમા પડે છે તેનાં, પડઘાઓ આસપાસ.

 

વંદન ઓ મહામાનવ, વંદન હજાર વાર;

કીર્તિ તમારી ઘૂમે, પૃથ્વીની આસપાસ.

=== ૐ ===

આસો સુદ સાતમ, સં. ૨૦૫૧, રવિવાર. તા. ૧-૧૦-૧૯૯૫.