Monthly Archives: મે 2015

અભ્યર્થના.

સામાન્ય

।। श्री गणेशाय नम: ।।

।। श्री योगेश्वरो विजयते ।।

 

હે પ્રભુ! અક્ષર સંયોજનથી બનેલાં

શબ્દોની તું મને સમૃદ્ધિ આપ. તે શબ્દો

દ્વારા હું તારાં ગુણ ગાન ગાઉં. તારી

આકળ કળાને માણું. તારા હૃદયમાં પ્રવેશીને

તારા પ્રેમનું પીણું આકંઠ પીઉં. મારી તૃપ્તિના

ઓડકારો તારું ગીત બને અને સમસ્ત

હૈયાંને તારા સ્નેહામૃતનું પાન કરાવીને

તૃપ્ત બને. તે પછીથી હું તારા “અક્ષર” ધામમાં આવું.

 

હે પ્રભુ! મારાં ગીતો ક્લેશ દ્વેશ

નિવારે. સતત તારી પ્રેમધારા વહાવે

સૂકાં ભઠ માનવ રુદિયામાં આનંદની

વનરાજી ડોલાવે.

 

માટે હે યોગેશ્વર! મારાં કાવ્યોમાં

તારી બંસીના સૂર ઠાંસી ઠાંસીને ભર.

મા સરસ્વતીની વીણાનો ઝણકાર મને

લાવી આપ. ભગવાન શિવજીની નૃત્ય

લીલાથી ગીતને થનગનતું બનાવ. અંતે

મારી પ્રેરણા મૂર્તિ – ગુરુ મૂર્તિ પૂ. દાદાનો

પ્રેમ અને મારાં ગીતોમાં એમની

ઇચ્છા ભરી દે. ~ એજ અભ્યર્થના.

=== ૐ ===

પોષ વદ પાંચમ, સં. ૨૦૫૦, રવિવાર. તા. ૨-૧-૧૯૯૪.

Advertisements

મારાં નયનમાં

સામાન્ય

ભર્યું વિશ્વ આખુંય મારાં નયનમાં,

ગગનનો વિસામો છે મારાં નયનમાં.

 

તિરસ્કાર સામે છે મૈત્રીના સગપણ,

કરુણાનો સાગર છે મારાં નયનમાં.

 

ધનુષ મેઘ જીવનનું એવું રચાયું,

સફળ રંગ રેલાતાં મારાં નયનમાં.

 

કર્તવ્ય વૃક્ષોનાં ઉપવન છે ઉગ્યા,

ખીલ્યાં સ્નેહ પુષ્પો છે મારાં નયનમાં.

 

બદલ્યા’તા ડગલા વિવિધ જન્મમાં મેં,

નવો એક ડગલો છે મારાં નયનમાં.

 

ન કરવું ન સહેવું, રડવું ન રમવું,

મુક્તિની છાયા છે મારાં નયનમાં.

=== ૐ ===

માગસર સુદ ત્રીજ,  સં. ૨૦૭૧, મંગળવાર. તા. ૨૫-૧૧-૨૦૧૪.