Monthly Archives: જુલાઇ 2015

અત્રીનંદન

સામાન્ય

અત્રીનંદન આવો પ્રભુજી,

અનસૂયા સૂત આવો.

 

અત્રી ઋષિના આપ છો વંશજ,

બ્રહ્મા વિષ્ણુ શિવના અંશજ,

ભક્તો કાજ પધારો…              પ્રભુજી…

 

પરબ્રહ્મે સાકારીત રૂપ લીધું,

સહુને સઘળું અર્પી દીધું,

તેથી ‘દત્ત’ કહાવો…               પ્રભુજી…

 

કમંડલે જીવન જલ છલકે,

માલાથી નામ સ્મરણથી મલકે,

જીવન પ્રભુમય થાઓ…         પ્રભુજી…

 

ઘોર નીંદરે પોઢ્યા જનને,

ડમરુ જગવે પ્રમાદીઓને,

ત્રિશૂલે ત્રણ શૂળ મીટાવો…    પ્રભુજી…

 

સૂણો અનાહત શંખધ્વનિ થી,

જન્મ મરણને હણવા પ્રભુજી,

ચક્ર સુદર્શન ધારો…                પ્રભુજી…

 

ભવ સાગરને તરવો મારે,

નામ સ્મરણની નૌકા તારે,

શરણે દત્ત સ્વીકારો…             પ્રભુજી…

=== ૐ ===

આસો સુદ પુનમ “શરદ પૂર્ણિમા”, સં. ૨૦૬૯, શુક્રવાર. તા. ૧૮-૧૦-૨૦૧૩.

Advertisements

વ્યથા

સામાન્ય

મેળવેલું જાય છે એની વ્યથા,

ને માણવાનું જાય છે એની વ્યથા.

 

હૃદયની ભૂમિ ઉપર આશાની વેલો પાંગરે,

થંભ્યા વિના વધતી રહે જીવન સદન ઢાંક્યા કરે,

માણવાના મૃગજળોને પામવાની તે કથા…              મેળવેલું…

 

હામ છે નાની ને રોકે અડચણો કેરા ખડક,

ઈચ્છા રમે દિગંતમાં ના પોં’ચતી કોઈ સડક,

વિસ્તારનો વસ્તાર તો ફાલ્યા કરે એની વ્યથા…      મેળવેલું…

 

ઈચ્છા તને પણ વાસ છે શું? વાસના તેથી બની?

વાસનાની રમ્યતા થઈ શૃંખલા જન્મો તણી,

હર જન્મમાં મળવું છતાં ઓછું પડે તેની વ્યથા…     મેળવેલું…

 

વાસનાના વિશ્વમાં ગલીઓ અને રસ્તા ઘણાં,

વિશ્વ રચનારો ભૂલે ક્યાં પોં’ચવાનું છે ભલા,

વાસના ઈશ્વર બને ત્યારે મટે સઘળી વ્યથા…           મેળવેલું…

=== ૐ ===

ફાગણ વદ છઠ, સં. ૨૦૫૦, ગુરુવાર. તા. ૩-૩-૧૯૯૪.

હે સદાશિવ

સામાન્ય

હે સદાશિવ હે મહેશ્વર, વંદના સ્વીકારજો;

આદિ દેવ જગતપિતા હે, સ્મરણ રસ પીવડાવજો.

 

ધવલ ગીરી શૃંગે, તમે સ્થિર આસને બિરાજતા;

ચંદ્ર રેખા ભાલ પર, ને જાહ્નવી શીશ ધારતા;

ભસ્મ લેપનથી પ્રભુજી, દેહને નીખારજો…                  હે સદાશિવ…

 

ધીન્ તડક થૈ, ધીન્ તડક થે, નૃત્ય મુદ્રા શોભતી;

તાંડવે સૃષ્ટિ સકળ થઈ, એક રૂપે ઓપતી;

હર અણુ બ્રહ્માંડમાં, ઈશ નૃત્ય લીલા નચવજો…        હે સદાશિવ…

 

નૃત્ય સંગીત ગીતના આચાર્ય છો નટરાજ હે;

વિદ્યા કલા ગુરુવર્ય છો, જગમાં પ્રથમ ધીરાજ હે;

જ્ઞાન ને કલ્યાણની રીમઝિમ વિભુ રેલાવજો…           હે સદાશિવ…

 

રુદ્ર વીણા બજવતા, મુજ હૃદય વીણા ઝણઝણે;

ડમ્ ડમક ડમરુ બજે, ત્યાં ઊર્મિ સાગર ધમકે;

દુ:ખ હર કલ્યાણ કર, શિવ ચરણ શરણું આપજો…     હે સદાશિવ…

=== ૐ ===

શ્રાવણ વદ અમાસ, સં. ૨૦૫૫, ગુરુવાર. તા. ૯-૯-૧૯૯૯.

રાહબર

સામાન્ય

ચિંતા અને ઊણપ મટે જરૂરી સૌ મળે,

છે આપની કૃપા ને તેથી કાર્ય સૌ ફળે.

 

વિશ્વની વિચિત્રતા પ્રહાર મારતી,

લાગણીય “કાગળોના પુષ્પ” લાગતી,

માંગણીના ભારથી મુજ હૈયું કળકળે…          છે…

 

સીમા છે નાની હાથની પહાડો વિશાળ કદ,

બાથ પણ ભિડાય નહીં થાઉ  હું હતપ્રભ,

આપના હુંફાળાં સ્પર્શથી દ્વિધા ટળે…            છે…

 

મુશ્કેલીઓને મારી સાથ ગાઢ છે સંબંધ,

ભટકાવતી અંધારમાં કરતી મને તે અંધ,

આપ રાહબર છો તેથી માર્ગ સૌ મળે…          છે…

 

આપની મૂરત મૂકી શ્રદ્ધાના ગોખમાં,

પ્રેરણાની શક્તિ રેલી રોમરોમમાં,

મુશ્કેલીઓય માર્ગ બને વિઘ્ન સૌ બળે…      છે…

=== ૐ ===

ચૈત્ર વદ છઠ, સં. ૨૦૫૦, શનિવાર.તા. ૩૦-૪-૧૯૯૪.