Monthly Archives: ઓગસ્ટ 2015

ગુરુ વંદના

સામાન્ય

ગુરુ ચરણોમાં વંદન મારાં,

ગુરુ દર્શન છે મુજને પ્યારા.

 

‘અણઘડ’ નો સુંદર ઘાટ ઘડે,

ખુદને નિજનો આકાર જડે,

સંસ્કાર સુવાસિત કરનારા…           ગુરુ દર્શન…

 

સૃષ્ટિ નીરખવા દ્રષ્ટિ દે,

નજરો જગદીશ જોવાની દે,

ગુરુ જીવ-શિવ સાથે રમનારા…     ગુરુ દર્શન…

 

ગંગા સમ પાવન એ કરતા,

ભાસ્કર થઈ વિદ્યાને ભરતા,

મૃત્યુથી અમૃત દેનારા…                 ગુરુ દર્શન…

 

ગુરુ મૂરતનું હું ધ્યાન ધરું,

ગુરુ ઈચ્છાને સાકાર કરું,

ગુરુ ચરણે દઉં જીવન ધારા…         ગુરુ દર્શન…

=== ૐ ===

અષાઢ સુદ પૂનમ “ગુરુ પૂર્ણિમા”, સં. ૨૦૫૦, શુક્રવાર. તા. ૨૨-૭-૧૯૯૪.

Advertisements

પાંડુરંગના કદમ

સામાન્ય

ચાલતાં કદમ, દોડતાં કદમ;

પાંડુરંગના જંગે પહોંચતાં કદમ.

 

સુકાયેલાં હૃદયને ભાવ વારીથી ભીંજાવતાં,

જીવનની પાનખર મહીં વસંતને નચાવતાં,

દ્વેષનું દમન, સ્નેહનાં સુમન…                  પાંડુરંગના…

 

ધર્મ માંદલો થયો ને સંસ્કાર સડી ગઈ,

સદ્ગુણોની લાશ આમ તેમ આથડી રહી,

પ્રેરણા નયન ઉત્સાહમય વદન…             પાંડુરંગના…

 

ભોગવાદ સ્નેહ ગંગને સદા ડહોળતો,

સ્વાર્થ કાજ લાગણીનો ફાયદાથી તોલતો,

મૈત્રીનું સ્મરણ પ્રેમના કિરણ…                  પાંડુરંગના…

 

રાત દિન સહુને ધ્યેય ચીંધવાને દોડતાં,

પાંગળાને સાથ લૈને કાર્યમાં પરોવતાં,

થાક વિસ્મરણ ધ્યેયનું રટણ…                  પાંડુરંગના…

=== ૐ ===

દેવદૂત આવ્યો

સામાન્ય

આવ્યો આવ્યો…    આવ્યો આવ્યો…

દેવદૂત અમૃત પીવડાવવા, આવ્યો આવ્યો…

 

રાગ દ્વેષના સર્પો કરડે,

ઈર્ષા સ્વાર્થ ભૂતાવળ કનડે (૨)

વિષ નિવારી અમૃત પાવા…             આવ્યો આવ્યો…

 

વિકારોનાં ફાલ્યા જંગલ,

યૌવનને તે લાગે મંગલ (૨)

કંટક મુખે ફૂલ ખીલવવા…                આવ્યો આવ્યો…

 

સંસ્કૃતિને બાઝ્યાં જાળાં,

ધર્મ મહીં અંધારા કાળાં (૨)

જ્ઞાન દિવાકર તિમિર મીટાવવા…    આવ્યો આવ્યો…

 

પ્રભુ સમીપથી ઊઠ્યા ઘૂંઘટ,

ઊર્મિ ગુંજે ઉરને ઘુમ્મટ (૨)

જીવ અને શિવને મિલાવવા…         આવ્યો આવ્યો…

 

યોગેશ્વર લાડીલો આવ્યો,

જન મન ભાવન પ્યારો આવ્યો (૨)

સ્નેહામૃત સૌને પીવડાવવા…         આવ્યો આવ્યો…

=== ૐ ===

જેઠ વદ સાતમ, સં. ૨૦૫૦, ગુરુવાર. તા. ૩૦-૬-૧૯૯૪.

ઉમર થાય પચાસ

સામાન્ય

આયુને હળ કાળ ખેડતો, ચહેરા ઉપર ચાસ;

ધીમી ખેડના ચાસ જણાતા, ઉમર થાય પચાસ.

 

સદ્વિચારને વાવી ભરવા, સત્કર્મોના નિધિ;

તારો સાથી કાળ ખેડતો, કૃતિ કોઈ તેં કીધી?

કાળ કરે ખેતી પણ જગને આપીશ તું શું ખાસ?…       ધીમી ખેડના…

 

યૌવન બાગે પુષ્પ ન મહેક્યા, કેવળ ઊગ્યા કંટક;

પતંગિયાની પાંખો કાપે, કોકિલ કંઠે સંકટ;

રડતી આહો ગીત બનાવી, ભર તેમાં ઉલ્લાસ…           ધીમી ખેડના…

 

મનને ઘડપણ તેં દઈ દિધું, હવે દેહ મૂરઝાયે;

દિધું રામે તે પાછું લે, જર જર દેહ જણાય;

હજી વાવણીની વેળા છે, નાખ નહીં વિશ્વાસ…           ધીમી ખેડના…

 

મૈત્રીની ફૂલદાનીમાં કીર્તિની ફોરમ મહેકે;

રુદીયાની સંગમ સરિતા પણ સ્નેહ ગીત ત્યાં ગહેકે;

શ્રેષ્ઠ અનુભવ ધનને વહેંચી મેળવ ઈશ વિશ્વાસ…      ધીમી ખેડના…

 

સર્જી દે ચિતવનનું ઉપવન વનમાળીને રમવા;

ખેલંદો ખેલે તુજ સંગે રોમ રોમમાં વસવા;

હરખાતો વ્હાલમ ચુંબન દઈ બૂઝવશે તુજ પ્યાસ…     ધીમી ખેડના…

=== ૐ ===

વૈશાખ વદ દશમ (મારો પચાસમો જન્મ દિવસ), સં. ૨૦૫૦, શુક્રવાર. તા. ૩-૬-૧૯૯૪.

રસના રટતી શંકર શંકર

સામાન્ય

રસના રટતી શંકર શંકર,

રસ ના લાગે બીજો અંતર.

 

કરુણાની ગંગા શીશ છલકે,

ને સ્નેહ શશી ભાલે મલકે,

સ્મિત હોઠે રમતું નિરંતર…        રસના…

 

દેવો દાનવ કે માનવ હો,

ભૂત ટોળી એની પાછળ હો,

એ લાગે સૌને પરમેશ્વર…           રસના…

 

વિષ્ણુએ નયન કમલ દીધું,

શિવે હોંશે હોંશે લીધું,

ભક્તિને જ્ઞાન-નયન દે હર…     રસના…

 

એકાંત સ્મશાન મહીં રમતા,

જ્યાં વિવિધ વાસના શબ જલતાં,

જીવન મુક્તોના યોગીશ્વર…      રસના…

=== ૐ ===

શ્રાવણ વદ બારસ, સં. ૨૦૫૦, શુક્રવાર. તા. ૨-૯-૧૯૯૪.