Monthly Archives: નવેમ્બર 2015

શ્રી કૃષ્ણ

સામાન્ય

સ્નેહપૂર્ણ થૈ વદે શ્રી કૃષ્ણ માધવ,

मन्मना भव मन्मना भव।।     (૨)

 

સગા નજીકના છતાંય થાય પારકા,

શ્યામનું સ્મરણ રચે હૃદયમાં દ્વારકા,

મન ભ્રમર રટ્યા કરે હે કૃષ્ણ કેશવ…     मन्मना भव…

 

યશોમતિ લાલ ગ્વાલ બાલને ગમે,

નંદલાલ ગોપીઓનાં મન મહીં રમે,

ચિત્ત દે તો ચિંતા હરે શ્રી માધવ…          मन्मना भव…

 

મનની વાંસળી તો અહંકારથી ભરી,

શ્યામ સ્નેહની સૂરાવલિ નહીં સરી,

ત્યાગ સમર્પણ થી રીઝે શ્રી વાસુદેવ…    मन्मना भव…

 

ચિત્ત ચક્ર થૈ ભમે પ્રભુ! ઘૂમાવજો,

વાસનાની વાંસળી તમે બજાવજો,

શબ્દ ચહું સૂણવા શ્રી કૃષ્ણ જાધવ…      मन्मना भव…

=== ૐ ===

પોષ વદ ત્રીજ, સં. ૨૦૫૩, શુક્રવાર. તા. ૨૭-૧૨-૧૯૯૬.

Advertisements

તારી વાંસળી

સામાન્ય

તારો શ્યામલ રંગ છે કેવો,

છવાયો મારાં નયણાંમાં,

તારી વાંસળીએ સૂર છેડ્યો,

છૂપાયો મારાં રુદિયામાં.

 

મૂરત ના ભૂલું તારી, વ્રજના વિહારી;

નાચતાં નેણ તારાં, જોઈ હું વારી;

મૂને વૈકુંઠ વા’લુ નવ લાગે;

કે રે’વુ તારા ગોકુળમાં…                      તારી…

 

પૂનમની રાતે ચાલી, યમુનાને ઘાટે;

વા’લમની સાથે રાસ, કીધો વિરાટે;

તેં તો મનડું ચોર્યું ને હું તો હારી;

જવું ન ગમે મુજ ઘરમાં…              તારી…

 

ઘટ ઘટના વાસી મોહન, લઈ લે ઘટ મારું;

મનનું નવનીત તેમાં, લાવી છું પ્યારું;

તું જો લૂંટી લૂંટીને આરોગે;

તો માનુ ધન ભાગ મારાં…           તારી…

 

જીવ જગદીશે રચી, એવી રાસ લીલા;

શોક મોહ વસ્ત્રો છૂટ્યાં, કીધી સ્નેહ ક્રીડા;

મારી સંગ સંગ માધવ નાચે;

ભૂલીને દૂરી નર્તનમાં…               તારી…

=== ૐ ===

શ્રાવણ વદ બીજ, સં. ૨૦૫૨, શુક્રવાર. તા. ૩૦-૮-૧૯૯૬.

જીવ શિવ

સામાન્ય

વેદ કૈં ના વાદ છે, આસ્વાદ છે;

જીવ શિવની એકતાનો સ્વાદ છે.

 

ઉપનિષદ્  છે વેદ વડ વડવાઈઓ,

ને પુરાણો પુષ્પ મંડિત વેલીઓ,

કૃષ્ણની ગીતા મીઠો સંવાદ છે…          જીવ શિવ…

 

વેદના વિરમે વધે સંવેદના,

દિવ્ય વિચારે રહે કો કલેશ ના,

બ્રહ્મની વાણી તણો આલાપ છે…        જીવ શિવ…

 

વેદવ્યાસે વેદને વહેતા કીધાં,

ઈશ પ્યાસાએ મધુરા ઘૂંટ પીધા,

વ્યાસપીઠે થી થતો વિસ્તાર છે…          જીવ શિવ…

=== ૐ ===

ગંગા

સામાન્ય

નહીં થંભે ચરણો તારા,

તું વહેતી ગંગા ધારા.

 

વણમાગી કલકલ કરતી, શિવ શીશથી રેલી ગંગે;

પાપ પંકથી ખરડાયાં જન, તેને ધરે ઉછંગે;

તું પતિતને ઉધ્ધારી, ને ગણતો સૌને તારા…         તું વહેતી…

 

ઉલ્લાસિત ઉત્સાહિત છે, તેજસ્વી તારી વાણી;

પથ્થર શા હૈયા માંથી, તું રેલવતો સરવાણી;

તું મૃદુ મનોહર શબ્દે, ઓલવતો દુ:ખ અંગારા…     તું વહેતી…

 

તું બોલે તે ઉપનિષદ્, ને જે બોલે તે વેદો;

લહેકે લહેકે ગહેકે ગીતા, બાળે મનનાં ખેદો;

હૈયાની ગુફાથી ટાળે તું, જનમ જનમ અંધારા…     તું વહેતી…

 

હજારો વર્ષે પ્રગટે છે, માનવ તારા જેવાં;

જગનો માનવ સમૂહ શું, કરવાનો તારી સેવા;

યોગેશ્વર ઉરનું વાદળ, તું વરસે જગમાં સારા…       તું વહેતી…

=== ૐ ===

શ્રાવણ વદ બારસ, સં. ૨૦૫૧, મંગળવાર. તા. ૨૨-૮-૧૯૯૫.

પુરસ્કાર

સામાન્ય

પુરસ્કૃત થયો છે પુરસ્કાર આજે,

પ્રભુએ અપાવ્યો જે મોભાને છાજે.

 

તમે વ્યોમ ધરતીની દૂરી મીટાવી,

દિલે સ્નેહ ઉપવન ઘટાઓ ખીલાવી,

ખુમારીનો આસવ નયનમાં બિરાજે…     પુરસ્કૃત…

 

બદતર ને રોતલના ચહેરા દિપાવ્યા,

નસીબથી ડરેલાઓ પુરુષાર્થ પામ્યા,

ધરી હોંશ કરતાં પ્રભુકાર્ય આજે…           પુરસ્કૃત…

 

કૃષિને કણસલે ને ગોરસ વણોલે,

નૌકાની સંગે ને ઉપવનને ખોળે,

ભક્તિની શકતિના દુંદુભી બાજે…          પુરસ્કૃત…

 

પ્રભુથી પ્રભુકાર્ય માટે નિમાયા,

ગુણીજન ને જ્ઞાનીની નજરે સમાયા,

જગત વંદ્ય તમને પુરસ્કાર લાધે…           પુરસ્કૃત…

=== ૐ ===

ભાદરવા વદ ત્રીજ, સં. ૨૦૫૨, શનિવાર. તા. ૩૧-૮-૧૯૯૬.