આનંદથી છલકતાં, નયનો મને ગમેછે;
કારૂણ્યથી ભરેલું, હૈયું મને ગમે છે.
જોઈ મેં ચાલ તારી, જે સિંહની સવારી;
ગૌરવની એ ખુમારી, તારી મને ગમે છે. . .
કેવું વિશાળ હૈયું! સૌને સમાવનારું;
સૌનું છતાંય મારું, એ ઘર મને ગમે છે. . .
પ્યાલો લીધો છે તારા “ગુરુલીલામૃતમ્”નો;
ના ઓડકાર આવે, પીવું મને ગમે છે. . .
ઝાંઝર બજી રહ્યાં છે, બાવનીનાં તારી;
સંકટ મિટાવી સૌનાં, ખુશીઓ બધે વહે છે. . .
ખેંચાય જ્યાં ભૃકુટિ, તાંડવના તાલ ઉઠતાં;
હસતાં નયન કે ખીલતી, સૃષ્ટિ મને ગમે છે. . .