Category Archives: સ્વાધ્યાય ભાવગીત

પૂજ્ય પાંડુરંગ આઠવલે (દાદા) ની સ્વાધ્યાય પ્રવૃત્તિથી પ્રેરાઈને લખેલ ભાવગીતો.

પુરસ્કાર

સામાન્ય

પુરસ્કૃત થયો છે પુરસ્કાર આજે,

પ્રભુએ અપાવ્યો જે મોભાને છાજે.

 

તમે વ્યોમ ધરતીની દૂરી મીટાવી,

દિલે સ્નેહ ઉપવન ઘટાઓ ખીલાવી,

ખુમારીનો આસવ નયનમાં બિરાજે…     પુરસ્કૃત…

 

બદતર ને રોતલના ચહેરા દિપાવ્યા,

નસીબથી ડરેલાઓ પુરુષાર્થ પામ્યા,

ધરી હોંશ કરતાં પ્રભુકાર્ય આજે…           પુરસ્કૃત…

 

કૃષિને કણસલે ને ગોરસ વણોલે,

નૌકાની સંગે ને ઉપવનને ખોળે,

ભક્તિની શકતિના દુંદુભી બાજે…          પુરસ્કૃત…

 

પ્રભુથી પ્રભુકાર્ય માટે નિમાયા,

ગુણીજન ને જ્ઞાનીની નજરે સમાયા,

જગત વંદ્ય તમને પુરસ્કાર લાધે…           પુરસ્કૃત…

=== ૐ ===

ભાદરવા વદ ત્રીજ, સં. ૨૦૫૨, શનિવાર. તા. ૩૧-૮-૧૯૯૬.

અમૃતનો સાગર

સામાન્ય

તું અમૃતનો સાગર दादा,

મૃત્યુનું શું ચાલે?

સંઘર્ષોનો કરે સામનો,

વિજય અંતમાં મહાલે…

 

સંસ્કૃતિના અનિષ્ટ કાજે, શુદ્ધિ યજ્ઞ આરંભ્યો;

ધર્મ અહીં જામેલાં જાળાં, કાઢીને તું જંપ્યો,

તત્વો સમજાવ્યાં ધર્મે જે, તુજ ઈશારે ચાલે…             સંઘર્ષોનો…

 

તિરાડ ભેદ થકી જે પડતી, ભાવ ભરી તેં પૂરી;

કહ્યું સહુને જીવન યાત્રા, હરિ વિના જ અધૂરી;

વિકટ દશા હો માનવ તારી, પ્રભુ હાથ તુજ ઝાલે…     સંઘર્ષોનો…

 

તારી વાણી માંથી છલકે, ગીતાની સરવાણી;

મૃત જીવનને અમૃત દેતી, રચવા નૂતન કહાણી;

યોગેશ્વરનો સંગ કરાવે, જીવન વસંત ફાલે…               સંઘર્ષોનો…

=== ૐ ===

અષાઢ વદ નોમ, સં. ૨૦૫૧, ગુરુવાર. તા. ૨૦-૭-૧૯૯૫.

કૃતજ્ઞતા વંદન

સામાન્ય

( રાગ – કૃણવંતો વિશ્વમાર્યમ કૃણવંતો વિશ્વમાર્યમ )

 

પાડુંરગ કરાવે જગને કૃતજ્ઞતા દર્શન,

કૃતજ્ઞતા વંદન, કૃતજ્ઞતા વંદન (૨).

 

મનોભૂમિ પર કરૂણા જળમાં કમળ સમી છે ખીલતી,

સ્નેહ સંબંધે સેવા કરતાં ફોરમ થૈને રમતી,

ભાવગીતોની બજે સિતારી (૨), ગાતી મન સ્પંદન…         કૃતજ્ઞતા વંદન…

 

ક્ષણમાં ક્ષણમાં જે રક્ષણ કરતો તે ઈશ્વર ના ભૂલવો,

દુ:ખમાં દેહ મહીં પીડાતો પરમેશ્વર શેં ભૂલવો,

અજ્ઞાનીનાં નયન ઉઘાડી (૨), કરતો જ્ઞાનાંજન…             કૃતજ્ઞતા વંદન…

 

માતપિતાએ વસુંધરાના પટ પર રમતો કીધો,

લેણદેણની વાત નહીં પણ પ્રેમ પીયાલો દીધો,

માતપિતા તો દેવ ગણાયે (૨), ગાવું તે કીર્તન…                કૃતજ્ઞતા વંદન…

 

વાડ બનીને સમાજ રક્ષે તેને કાં વીસરવો?

ધર્મ સંસ્કૃતિ માતૃભૂમિ ઉપકાર હૃદયમાં ધરવો,

ઋષિ મુનિને અવતારોએ (૨), દીધું જીવન ચિંતન…         કૃતજ્ઞતા વંદન…

 

દાદાએ ગવડાવ્યું સૌને કૃતજ્ઞતાનું ગાણું,

તે ઉપકાર નહીં ભૂલાયે ભાવ ધરી હું વખાણું,

ખુદનું જીવન ખર્ચી દઈને (૨), કર્યું સ્નેહ પ્રકટન…             કૃતજ્ઞતા વંદન…

=== ૐ ===

મહા સુદ પાંચમ “વસંત પંચમી”, સં. ૨૦૫૧, શનિવાર. તા. ૪-૨-૧૯૯૫.

કૌતુક રૂપાળું!

સામાન્ય

ચાલો સૌ જોવાને કૌતુક રૂપાળું,

ચાલો સૌ જોવાને કૌતુક રૂપાળું.

 

દિધી કૃતિભક્તિ તેથી જાગી શક્તિ,

પ્રભુ કામ કરે અહીં એક એક વ્યક્તિ (૨)

જોબનને ધ્યેય મળ્યું એવું રસાળું…        ચાલો સૌ…

 

મત્સપુત્રે કીધી મત્સ્યગંધા લીધી,

સાગરેથી મળ્યા માધવીના નિધિ (૨)

નારાયણને લાગ્યું નીરખીને ઘેલું…        ચાલો સૌ…

 

છોડ માંહી રણછોડ થયા જાણવાના કોડ,

વૃક્ષમંદિર કીધાં જગે એની ના જોડ (૨)

માધવનું દર્શન દીઠું હરીયાળું…              ચાલો સૌ…

 

કૃષિકારે એવાં કૃષિ ક્ષેત્રો સૃજ્યાં,

શિવ શાખામાં મૂળ માંહી માધવ રમ્યા (૨)

કીધું સુલક્ષ્મીનું દર્શન નીરાળું…             ચાલો સૌ…

 

હતાં જીવન જ્યાં મૃત ચહ્યું જીવન અમૃત,

લોકનાથ અમૃતાલયમ્ વહાવે ત્યાં પ્રીત (૨)

માનવ ને માધવનું મિલન હુંફાળું…        ચાલો સૌ…

 

થાય જીવન આ રત્ન કીધો તેવો પ્રયત્ન,

રત્ન કલાકાર કરતા શુભ જીવનનો યત્ન (૨)

મોઘેરા જીવનના મૂલ્યને બતાડ્યું…      ચાલો સૌ…

 

જગે અચરજ દીઠું કોણે કૌતુક કીધું?

પાંડુરંગે કૃતિભક્તિ ફૂલડું દિધું (૨)

નાચે યોગેશ્વરનું હૈયું રસાળું…                ચાલો સૌ…

=== ૐ ===

પોષ વદ સાતમ, સં. ૨૦૫૧, સોમવાર. તા. ૨૩-૧-૧૯૯૫.

કૃતજ્ઞતા અભંગ

સામાન્ય

પાંડુરંગ પાંડુરંગ, ગાયે કૃતજ્ઞતા અભંગ (૨)

 

જનને તનની ખૂબ માયા,

માનવ મૂલ્યો વીસરાયાં,

માનવતાનું જોડે અંગ…             પાંડુરંગ પાંડુરંગ…

 

હૈયું સંકુચિત મારું,

રુદિયામાં “તારું મારું”,

ખીલવે હૈયે સ્નેહ સુમન…         પાંડુરંગ પાંડુરંગ…

 

સૂતાં ઊઠતા ભોજન સાથ,

વિશ્વેશ્વર રહેતા સંગાત,

સમજાવે સૌને શ્રી રંગ…            પાંડુરંગ પાંડુરંગ…

 

દો નૈવેદ્ય નિપુણતાનું,

ભક્તિનું સાચું ગાણું,

જગવે ઉરમાં ભક્તિરંગ…          પાંડુરંગ પાંડુરંગ…

 

દાદા શીખવે કૃતજ્ઞતા,

ઉર છલકતી પવિત્રતા,

નયનો વહેતા યમુના ગંગા…      પાંડુરંગ પાંડુરંગ…

 

કીધાં ઉપકારોની યાદ,

જે કરતાં થાતાં આબાદ,

યોગેશ્વર ધરતા ઉછંગ…             પાંડુરંગ પાંડુરંગ…

 

અમ સૌ દાદાના ઋણી,

લાગણીઓ ધરીયે કૂણી,

ભાવે ભીંજવે પાંડુરંગ…              પાંડુરંગ પાંડુરંગ…

=== ૐ ===