Tag Archives: અસ્મિતા

સ્મૃતિમાં છે.

સામાન્ય

તમારા સ્નેહભીના કંઈ થપાટાઓ સ્મૃતિમાં છે,

કરું હું ગાંડપણ તોયે તમે હસતા સ્મૃતિમાં છે,

હું તો ભંડાર ભૂલોનો છતાંયે સ્નેહથી સહેતા,

કરુ હું ‘શબ્દચાળા’ કાવ્ય કહેતા એ સ્મૃતિમાં છે…

 

બીજાના હાથમાં જીવન નચાવાનું નથી ગમતું,

બની કઠપૂતળી રમવું કદી દિલમાં નથી વસતું,

છતાંયે આપનાં ચરણો મહીં પીગળી જવાયું છે,

પીગળતી જીંદગીને ઘાટ દેતા એ સ્મૃતિમાં છે…

 

કીધા ઉપકાર તે સૌને નગુણો થઈ ભૂલી જાતો,

સર્યો જ્યાં સ્વાર્થ કે તરતજ હું તોડી નાખતો નાતો,

હૃદયના પુષ્પને કીડો થઈને કોરતો’તો હું,

કીડાને કૃષ્ણનો કીધો એ સઘળું મુજ સ્મૃતિમાં છે…

 

અહં બદલી તમે છે અસ્મિતાના દીપ પ્રગટાવ્યા,

દયા કાઢી કરુણાના જગે સાગર છે છલકાવ્યા,

હતો હું એકલો આપે સબંધો ભાવના બાંધ્યા,

હૃદયના ભાવ અમૃતને પીવડાવ્યું એ સ્મૃતિમાં છે…

===ૐ===

ત્રિકાળ સંધ્યાનાં દાતણ

સામાન્ય

અમે ત્રિકાળ સંધ્યાનાં દાતણ લીધાં,

એને જીવનની શુદ્ધિનાં સાધન કીધાં.

 

ગલી ગલી મહીં કાગળને વીણતાં’તા,

પેટને કાજે ડુચાને ચૂંથતાં’તા,

હવે કાગળથી કુસુમનાં સર્જન કીધાં…                                   એને…

 

અમે ઘર ઘર જઈ વાસણને વેચતાં’તા,

અને ફાટેલાં કપડાંથી રીઝાતાં’તા,

પહેરી વાઘા ને વાઘ સમાં ગર્જન કીધાં…                                એને…

 

નહીં કોરટ કચેરીમાં જાતાં અમે,

નાત કેરી અદાલતના નિર્ણય ગમે,

હવે ઝગડાનાં મૂળીયાંને ફેંકી દીધાં…                                     એને…

 

નહીં વાઘરી જગતમાં તો તુચ્છ છે હવે,

વાધનો એ અરિ થઈને શૂરવીર બને,

એવાં અસ્મિતા વારી જીવનમાં પીધાં…                                  એને…

 

અમે ઘર ઘરને મંદિર છે માની લીધાં,

તેથી દૈવી વિચારોનાં નવનીત દીધાં,

પાંડુરંગની પ્રસાદીના વાહક બન્યાં…                                     એને…

    ===ૐ===

માઘ વદ છઠ, સં. ૨૦૪૧, રવિવાર.  તા. ૧૦-૨-૮૫.

ઊઠયો વનવાસી આજ.

સામાન્ય

(રાગ – તમે સાચા સ્વાધ્યાયી બની ઉઠો ઉઠો… )

 

ઊઠયો વનવાસી આજ ઊઠયો ઊઠયો હો ભાઈ,

જાગ્યો વનવાસી આજ ઊઠયો ઊઠયો.

 

સુસ્તીને આળસનો ફંગોળી અંચળો,

સ્ફૂર્તિ હુંકાર કરી ઊઠયો ઊઠયો.

એ.. એ.. આદિવાસી કહીને એને ના ભાંડશો,

આદીમ શક્તિનો થઈ ઊઠયો ઊઠયો…                           ઊઠયો…

 

તીર અને કામઠાંથી માનવને મારતો જે,

ધ્યેયનું નિશાન સાધી ઊઠયો ઊઠયો.

એ.. એ.. લંગોટી ધારી એ ‘દાદા’નાં કામકાજ,

ઈશ્વર સંગાથ લઈ ઊઠયો ઊઠયો…                                 ઊઠયો…

 

શામળા શરીરે છે ફાટેલાં ચીથરાં,

નિર્ધનતા વાસ અહીં દીઠો દીઠો.

એ.. એ.. છોને કંગાળ તોય થઈને મહાકાળ એ તો

કાળને બદલવાને ઊઠયો ઊઠયો…                                ઊઠયો…

 

ઊજળાં લેબાસ મહીં શોભતાં માનવી,

આજ લગી એને બહુ ચુસ્યો ચુસ્યો.

એ.. એ.. સમજણ આવી છે હવે સ્વાધ્યાયથી આજ એને

નગ્નતાનો છેદ એણે કીધો કીધો…                                   ઊઠયો…

 

મ્હેલનાં ભિખારી સહુ આજે નીરખજો,

ઝૂંપડીનો બાદશાહ ઊઠયો ઊઠયો.

એ.. એ.. ભાવથી ભીજાવીને ખાતો એ રોટલો,

અસ્મિતાનો જામ એણે પીધો પીધો…                             ઊઠયો…

 

અસ્મિતાને ભાવ પ્રેમ નિર્ધનતા કાઢતાં,

દિલનો ધનવાન થઈ ઊઠયો ઊઠયો.

એ.. એ.. યુગ યુગથી ભૂલાયો સુધરેલા માનવથી,

આજ ફરી એક થઈ ઊઠયો ઊઠયો…                              ઊઠયો…

 

યજ્ઞનો ધુમાડો આભ ધરતીને સાંધતો,

ઉંચનીચનો ભેદ અહીં તૂટયો તૂટયો.

એ.. એ.. કીધો છે યજ્ઞ પાંડુરંગે આજ વન માંહી

યોગેશ્વર જોઈ એને રીઝયો રીઝયો…                               ઊઠયો …

 

    ===ૐ===

ફાગણ વદ પડવો, સં. ૨૦૩૯, મંગળવાર. તા. ૧૫-૩-૮૩.

કવાંટ તા. છોટાઉદેપુર, યજ્ઞ પ્રસંગે.

સંસ્કૃતિની વાતો ઘૂમતી જાય.

સામાન્ય

(રાગ – ઘૂમતો ઘૂમતો જાય, આજ માનો ગરબો ઘૂમતો જાય)

 

ઘૂમતી ઘૂમતી જાય, સંસ્કૃતિની વાતો ઘૂમતી જાય;

ઘર ઘર ગામ ગામ જાય. . .                             સંસ્કૃતિની. . .

 

ભૂલેલો ઈશ પંથ પાછો બતાવતી;

જીવનનું ભાવગીત એ તો વગાડતી;

ઠામ ઠામ ગાતી જાય. . .                                સંસ્કૃતિની. . .

 

ભૂખ્યાં છે પેટ અને ભૂખ્યાં છે રુદિયા;

ખાલી છે માથાં વિચારો ભૂલાયેલા;

દૈવી વિચાર દઈ જાય. . .                                સંસ્કૃતિની. . .

 

નિર્ધન ધનિકોને સાથે બેસાડતી;

જ્ઞાની અજ્ઞાનીની મૈત્રી કરાવતી;

અસ્મિતા ભાવ દઈ જાય. . .                           સંસ્કૃતિની. . .

 

ગરબો આનંદ તણો થઈને એ ઘૂમતી;

ઘર ઘરમાં મસ્તી થઈ એ તો છે ઝૂમતી;

દાઝેલાં દિલ ખીલી જાય. . .                            સંસ્કૃતિની. . .

 

કાનાનું ગાન ગીતા ગૌરવ વધારતી;

જોમવંત ઉપનિષદ જીવન સમજાવતી;

વેદોનાં સુર સંભળાય. . .                                સંસ્કૃતિની. . .

 

પાંડુરંગ દાદા એ સંસ્કૃતિ ધામ છે;

સ્વાધ્યાય એ સંસ્કૃતિનું વિશ્રામ સ્થાન છે;

તેથી એ ખીલતી જાય. . .                                સંસ્કૃતિની. . .

            === ૐ ===

અધિક આસો સુદ બારસ, સં ૨૦૩૮, ગુરુવાર. તા. ૩૦-૯-૮૨.

પ્રાણ બની સંચરતો જાજે

સામાન્ય

પ્રાણ બની સંચરતો જાજે… (૨)

અસ્તિત્વ કાજે જીવતા દેહો, ચેતન થઈ ને રમતો જાજે…             પ્રાણ બની…

 

માનવ જીવનનાં ખંડેરો, પાપ તણા જામ્યા છે ઢેરો;

પાપ તણા પંકે પંકજ થઈ, ફોરમ તારી દેતો જાજે…                    પ્રાણ બની…

 

જનસેવા ના પૂર્ણ છે ધર્મ, એનો સાચો જાણવો મર્મ;

સેવા લઈ જન દૂબળા થાશે, અસ્મિતાને જગાવી જાજે…              પ્રાણ બની…

 

સમાજ સેવામાં ના શ્રેય, સમાજ પરિવર્તન ધ્યેય;

માગે તે દેવું એમ નહીં, પણ જરુરી તે વણમાગ્યું દેજે…               પ્રાણ બની…

 

સોજો ચઢયો છે ધર્મને એવો, તેથી લાગે ફુલ્યો ફુલ્યો;

ધર્મ તણું સાચું કૌવત થઈ, સ્વાસ્થ્ય બનીને ચમકી જાજે…         પ્રાણ બની…

 

સંસ્કારોનું કરવું ઘડતર, સંસ્કૃતિનું કરવું ચણતર,

પાંડુરંગ પ્રસાદી લઈને, વિશ્વ મહીં તું વહેંચતો જાજે…                   પ્રાણ બની…

            ===ૐ===