Tag Archives: ઉમંગ

એનાં દિલમાં ઉમંગ.

સામાન્ય

(રાગ – થોડું બોલીને કરું, કૃતિ ઝાઝી…)

 

યાત્રીકો આવ્યા રેવાને ઉછંગ,

એનાં દિલમાં ઉમંગ.

 

આંસુનાં તોરણીયાં પાંપણને માંડવે,

વાત્સલ્ય છલકે છે હૈયાના પાલવે,

થાતો આનંદ નર્મદાને અંગ અંગ…                             એનાં…

 

ભૃગુઋષિ આનંદે આંખો નચાવતા,

પરિક્રમા સાચી રેવાની નિહાળતા,

ઋષિઓનાં નયણાંથી રેલાતી ગંગ…                         એનાં…

 

વાસના વળાવી વાસુદેવને વસાવવા,

તીર્થોનાં સ્થાન મહીં પાપોને બાળવાં,

નિજનાં પાતક સામે માંડયો છે જંગ…                        એનાં…

 

શુક્લતીર્થ કાળાં પાપોને જલાવતું,

માનવને ઈશ્વરનો પંથ એ બતાવતું,

પહોંચાડે જીવનનાં શિખર ઉતંગ…                             એનાં…

 

यात्रा તો યાદ આપે ઈશ્વરના વાસની,

प्राण કેરી ભેટ દેતી જીવન સુવાસની,

દર્શન મળ્યું છે સાચું પાંડુરંગ સંગ…                             એનાં…

        ===ૐ===

માગસર વદ બારસ, સં. ૨૦૪૦, શનિવાર. તા. ૩૧-૧૨-૮૩.

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

આંગણે અમારે પધાર્યા પાંડુરંગ.

સામાન્ય

(રાગ – हम तो चले जाते भगवन जहां बुलाते. . .)

 

અંતરમાં સૌનાં છે પ્રગટયો ઉમંગ,

આંગણે અમારે પધાર્યા પાંડુરંગ.

 

વાયુ હરખાઈ ગાલે ટપલી મારી રહયો,

ફાગણીયો હૈયામાં રંગો છાંટી રહયો,

નર્મદાએ આનંદે છેડયા અભંગ…                 આંગણે…

 

દિલડાનાં દિવાથી આરતી ઊતારીયે,

મનનાં કુસુમ વળી ચરણે ચઢાવીયે,

તન મનમાં છલકાયો દૈવી ઉમંગ…               આંગણે …

 

વર્ષોનું શમણું તો આજે પુરું થયું,

જીવનનું પુણ્ય બધું આજે પ્રગટી રહ્યું,

દર્શનથી આપનાં પવિત્ર થયાં અંગ…            આંગણે …

 

ભેટ અને સોગાદો આપના સ્વીકારતા,

પ્રભુ કાર્ય નિરખીને દોડીને આવતા,

જોઈને આખી દુનિયા થાતી દંગ…                 આંગણે …

 

ઋષિઓની ભૂમિ વર્ષોથી તડપી રહી,

આપના ચરણ સ્પર્શે પુલકિત એ થઈ ગઈ,

રેવાજી ચાહે છે ધરવા ઉછંગ…                      આંગણે …

    ===ૐ===

ફાગણ સુદ ત્રીજ, સં. ૨૦૩૮, શુક્રવાર. તા. ૨૬-૨-૮૨.

 

(પ. પૂ. દાદા તા. ૨૭-૨-૮૨ ને શનિવારે ઝાડેશ્વર આવેલાં એ પ્રસંગને અનુરૂપ આ ગીત

ઝાડેશ્વરમાં બનાવ્યું.)

આજ અહીં રેલાયો દિલમાં ઉમંગ.

સામાન્ય

(રાગ – રાજ મને લાગ્યો કસુંબી નો રંગ…‌)

 

રેલાયો દિલમાં ઉમંગ,

    આજ અહીં રેલાયો દિલમાં ઉમંગ;

 

જીવનનાં અંધારાં આજે વિરમી ગયાં,

    પ્રગટયો ઉષા કેરો રંગ.

નવલી આશાઓનાં સથવારે સથવારે,

    કરવો નિરાશાનો ભંગ…                                    આજ અહીં …

 

થંભ્યાં’તા સંસ્કૃતિનાં વ્હેણ કંઈક યુગથી,

    દુ:ખથી દુનિયા થઈ’તી તંગ;

સ્વાધ્યાયી સરિતાની ધારાએ ધારાએ,

    જીતાયો દુષણનો જંગ…                                    આજ અહીં …

 

કળિયુગની દાઢ મહીં કચડાતી જીંદગી;

    કોરાયાં ધર્મ તણાં અંગ;

ગીતાએ ચીંધેલા રસ્તાએ રસ્તાએ,

    જામ્યો જીવન માંહી રંગ…                                   આજ અહીં …

 

માનવનું ખોખલું કલેવર ઝંખી રહયું,

    બેસવા હરિને ઉછંગ;

કૃતજ્ઞ ભાવ તણો શોણિત સંચાર થયો,

    માનવ દુ:ખો કીધાં ભંગ…                                    આજ અહીં …

 

પાતકથી ડરનારાં આજે થંભી જજો,

    રેલી છે જ્ઞાન કેરી ગંગ;

અટવાતાં માનવને રસ્તો બતલાવવા,

    લાધ્યો છે પાંડુરંગ સંગ…                                      આજ અહીં …

        ===ૐ===

આસો વદ બીજ, સં. ૨૦૩૭, ગુરુવાર. તા. ૧૫-૧૦-૮૧.