Tag Archives: ઉર

પ્રભુના શમણાં સાચા થાય.

સામાન્ય

શમણાં સાચાં થાય પ્રભુના શમણાં સાચા થાય,

‘તીર્થરાજ’ની માંહ્ય પ્રભુના શમણાં સાચા થાય.

 

ભટ્ટકુમારીલ ક્રોધે બળતો,

મૂર્તિ પૂજાનો છેદ ન સહેતો,

ઉરમાં લાગી લ્હાય; પ્રભુની આંખે જળ ઉભરાય.

 

જગના વિદ્વાનો ધનવાનો,

સંહારે એનાં અરમાનો,

આગ મહીં શેકાય; કેવું બલિદાન કે’વાય?

 

ટપ ટપ ગાજી ત્યાં ચાખડીઓ,

સંસ્કૃતિ ઉત્થાનની ઘડીઓ,

સ્વામી શંકર ધાય; હરિના ઉરમાં શાંતિ થાય.

 

કોલ ઉપાડે શંકર સ્વામી,

“તમ ઈચ્છાનો થઉં અનુગામી”

ઉજ્જડ ઉજવળ થાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

ધરતીને ઘમરોળી નાખી,

સંસ્કૃતિ હરખાતી નાચી,

કુંભ મિલન ઊજવાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

આજ ફરી સંસ્કૃતિ રડતી,

ભ્રાંત ધર્મ ઉધેવ કરડતી,

હરિનું મન દુભાય, શોધે પોતાનો જગ માંહ્ય.

 

પાંડુરંગ શંકર સ્વામી થઈ,

શુદ્ધ કરે એ ગંગાજળ થઈ,

પ્રસરાવે સ્વાધ્યાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

માનવમાં માનવને ઘડતો,

કર્મ કુશળતા ઈશને ધરતો,

પ્રયોગ કરતો જાય; પ્રભુના શમણાં સાચા થાય.

 

તીર્થરાજ મિલનને ટાણે,

વિશ્વ સકળને નજદીક આણે,

યોગેશ્વર હરખાય; પ્રભુનાં શમણાં સાચા થાય.

    ===ૐ===

કારતક વદ બીજ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૨૯-૧૧-૮૫.

વિત્યાં વરસ, સરીતા જળ, શા વહી જતાં?

સામાન્ય

વિત્યાં વરસ, સરીતા જળ, શા વહી જતાં?

કોને ખબર કે કોને મળવા સરી જતાં.

 

ઉંમર અટારીએ જઈ સુણતો હું એમને,

આગળ કહેલ મૌનના પડઘા દઈ જતાં.

 

“બે ક્ષણ ઘડીક થંભો ખુશીઓનાં ઓ વરસ”

આમંત્રણો દીધેલાં તરછોડીને જતાં.

 

આશાને ઊર્મિઓનાં પુષ્પો ઉરે ખીલ્યાં,

ચીમળાયલાં કલેવરની ભેટ દઈ જતાં.

 

સ્વર્ગીય સુખની ઈચ્છા મનને થયા કરે,

પીગળેલ મીણની માફક શમણાં સરી જતાં.

 

વરસો ભલેને આપે અંધાર ભેટમાં,

પાયા મહાલયોના એમાં વસી જતા.

    ===ૐ===

આસો વદ સાતમ, સં. ૨૦૩૯, શુક્રવાર. તા. ૨૮-૧૦-૮૩.

(તારીખ પ્રમાણે મારી દિકરી ચિ. જાગૃતિનો જન્મ દિવસ)

હું ઈશને ચરણે પડું ને, એ મને શિર પર ધરે.

સામાન્ય

હું ઈશને ચરણે પડું ને, એ મને શિર પર ધરે;

થાયે કદિક મારું પતન, પણ તોય એ અંકે ધરે.

 

રત્નો ભર્યા પેટાળમાં રત્નાકારે તોયે જુવો

ખારાશનાં ફીણને સમંદર ધારતો મોજા પરે…

 

ક્ષણમાં ખરી જાતાં ફૂલો આયુષ્યના ટૂંકા છતાં,

વૃક્ષો બધાં માથે ધરી એનું જતન સ્નેહે કરે…

 

કાળનો અવતાર સર્પો વિશ્વમાં વિષ ઓકતા,

પણ તોય શિવજી વ્હાલથી માથા ઉપર ધરતા ખરે…

 

જ્યાં મેઘનાં વાદળ રમે શી વ્યોમની છે ભવ્યતા,

ના ચીઝ ધુમાડો છે છતાં આકાશને ખોળે રમે…

 

છોને નકામો લાગતો હું વિશ્વ માનવને સદા,

ધારશે ખોળા મહીં જગમાત એ આશા ઉરે…

    ===ૐ===

શ્રાવણ વદ પાંચમ, સં. ૨૦૩૯, રવિવાર. તા. ૨૮-૮-૮૩.

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

પાર્થ અને પાર્થસારથિ ઉરમાં પધારજો.

સામાન્ય

પાર્થ અને પાર્થસારથિ ઉરમાં પધારજો;

શુદ્ધ થાય મારી મતિ અંધારાં કાઢજો.

 

પૌરુષનાં પાન થાય, વિરતાનાં ગાન થાય;

સ્વાર્પણ ઊભરાઈ જાય હો, દેવાને આવજો . . .             પાર્થ . . .

 

નિર્બળતા ચાલી જાય, શૂરવીરતા આવી જાય;

શ્રદ્ધાનો જન્મ થાય હો, પ્રગટાવવા આવજો . . .             પાર્થ . . .

 

સઘળા સંદેહ જાય, આપસમાં સ્નેહ થાય;

ભક્તિનાં ગાન થાય હો, ગવડાવવાં આવજો . . .            પાર્થ . . .

 

સેવક સંજય જેવાયે કહી દે, છો ને હો રાય;

હિંમત પણ આવી જાય હો, આપવાને આવજો . . .         પાર્થ . . .

 

નીતિ ને ધર્મ હોય, કીર્તિ ને બુદ્ધિ હોય;

આપનો જો વાસ થાય તો, વસવાને આવજો . . .            પાર્થ . . .

        === ૐ ===

બીજો જેઠ વદ, ચોથ, સં ૨૦૩૬, મંગળવાર. તા. ૧-૭-૧૯૮૦.