Tag Archives: કફન

મોત.

સામાન્ય

(મારું પ્રથમ ગીત, જે ૧૩ વર્ષની ઉંમરે લખેલું.)

 

મોત છોને આવતું, કદમ કદમ બઢાવતું;

ને જીંદગીના દંબદંબ, શ્વાસને રૂંધાવતું;

ભલે મળે. . .

દુઃખ દર્દ કેરો, એક કાંગરોયે તૂટશે;

તો માનશું કે જીંદગીમાં, મોત તો મરી ગયું.

 

હુસ્નના બજારમાં, ને ઈશ્કના લેબાસમાં;

જીવનસુધા ને ચૂસતાં, એ પાશવી પિશાચના;

ચંદ ચાંદી ટૂકડે, ખરીદતા સુહાગના;

પાપીઓના પાપના, કદમ કદીક તોડીશું. . .                             તો માનશું. . .

 

કલા તણા કલાધરોની, વાસનાના વાસમાં;

શ્યામ રાતડી સમા, એ ચકચકીત વાસમાં;

કરી કલાની કત્લને, ધરે નવા લેબાસમાં;

કલા તના એ પાશવી, કફનનું મોત આણશું. . .                        તો માનશું. . .

 

બાજે કાં દુંદુભી અરે! શું મોતનું મરણ થયું?

શું પાપીઓનાં પાપ લઈ, અગ્નિમાં જલી રહ્યું?

શું પ્રેમનાં અનંત ગીત, ઘૂંટવા મથી રહ્યું?

 

હર યુગે પ્રભુજી અવતરે, સદા અરે ખરે;

તેમ પાપ અવતરે છે, માનવી જીવન ખરે;

પાપ પણ પ્રભુજીના, ચરણ મહીં જો અર્પશું;

ઈશની કરુણા થકી, મોક્ષ પંથ પામશું. . .                                તો માનશું. . .

            === ૐ ===

અમારાં તમે છો વિના કોઈ કારણ.

સામાન્ય

અમારાં તમે છો વિના કોઈ કારણ,

લાગ્યું છે ઘેલું અમોને તમારું.

 

તમે સૂર્ય છો ને અમે સૂર્યમુખી,

ટકયું છે જીવન જોઈ મુખડું તમારું.

 

શશીની શીતળતા સૂરજની ખુમારી,

જોબનને ખેંચે છે પૌરુષ તમારું.

 

ભરી તાજગી છે વિચારોમાં એવી,

કે યૌવન ને લાગ્યું છે કામણ તમારું.

 

તમે જ્ઞાન રાશિ અમે જ્ઞાન પ્યાસા,

ભરે બુદ્ધિ ને જ્ઞાન ઝરણું તમારું.

 

નથી કોઈ પરવા નથી ડર અમોને,

કફન શિર અમારે ને શરણું તમારું.

        ===ૐ===

કારતક વદ નોમ, સં. ૨૦૩૮, શુક્રવાર. તા. ૨૦-૧૧-૮૧.

कृणवन्तो विश्वमार्यम्|

સામાન્ય

જગ આખામાં નાદ ગજવશું બજવીને પડઘમ;

                कृणवन्तो विश्वमार्यम्|

 

ઊંચનીચનાં ભેદભાવનું દફન અમે કરવાનાં;

દાનવ વૃત્તિ સામે ઝુઝવા કફન લઈ ફરવાનાં;

હૈયાની વિણા પર ગઈશું ભક્તિની સરગમ. . .                 कृणवन्तो. . .

 

શૌર્ય અને સ્વાપર્ણનાં ગીતો ગઈશું ગવડાવીશું;

અસ્મિતાનાં તેજકિરણને સૌમાં પ્રગટાવીશું;

શ્રદ્ધાને વિશ્વાસ જગવશું માનવમાં હરદમ. . .                  कृणवन्तो. . .

 

અનિષ્ટ અત્યાચાર અનર્થો જગથી મિટાવવા છે;

આળસની ઝેરી નીંદરથી જનને જગાવવા છે;

માનવ મન મજબૂત કરીને મિટાવવા છે ગમ. . .              कृणवन्तो. . .

 

ઋષિ દધીચિનું બલિદાન ફરીથી આજ પૂકારે;

અર્જુનનું ગાંડિવ ગર્જતું શૌર્યગીત લલકારે;

નિજનું રક્ત વહાવી કરવું સંસ્કૃતિનું જતન. . .                कृणवन्तो. . .

 

વસુધા આખી કુટુંબ થાયે એવો યત્ન અમારો;

એક વૃત્તિને એક વિચારે કરવો ભાઈચારો;

વૈચારિક ક્રાંતિથી રચવું સ્વર્ગ નવું નૂતન. . .                    कृणवन्तो. . .

        === ૐ ===

માગસર વદ પાંચમ, સં. ૨૦૩૭, શુક્રવાર. તા. ૨૬-૧૨-૧૯૮૦.