Tag Archives: કરુણા

તમારું મનન એજ મારું કવન હો.

સામાન્ય

 

તમારું મનન એજ મારું કવન હો,

તમારી મૂરતને નીરખતાં નયન હો.

 

કરુણા થઈને જગતમાં વરસતાં,

પીલાવો સુધા સ્નેહની દિલ કણસતાં,

કરો સ્થિર પગને યુગોથી ભટકતા,

વિસામો ભુલ્યાનો તમારાં ચરણ હો…                    તમારી મૂરતને…

 

પ્રભાતે હૂંફાળો તમે સ્પર્શ કીધો,

નયન જ્યાં ખુલ્યાં ત્યાં સ્મૃતિ શ્વાસ દીધો,

બપોરે બની શક્તિ સંચાર કીધો,

શયનમાં પ્રભુ એક શાંતિ ભવન હો…                   તમારી મૂરતને…

 

શું દેવું તમોને એ મારી છે મૂંઝવણ,

ધરાવીશ હું નૈવેદ્યમાં નિજનું કૌશલ,

હૃદય એવું દેજો થતું ભાવ પ્રસરણ,

ખીલે સ્નેહ ઉપવન દિલે એ સ્તવન હો…              તમારી મૂરતને…

===ૐ===

જેઠ વદ અમાસ, સં. ૨૦૪૧, મંગળવાર. ૧૮-૦૬-૧૯૮૫.

સ્મૃતિમાં છે.

સામાન્ય

તમારા સ્નેહભીના કંઈ થપાટાઓ સ્મૃતિમાં છે,

કરું હું ગાંડપણ તોયે તમે હસતા સ્મૃતિમાં છે,

હું તો ભંડાર ભૂલોનો છતાંયે સ્નેહથી સહેતા,

કરુ હું ‘શબ્દચાળા’ કાવ્ય કહેતા એ સ્મૃતિમાં છે…

 

બીજાના હાથમાં જીવન નચાવાનું નથી ગમતું,

બની કઠપૂતળી રમવું કદી દિલમાં નથી વસતું,

છતાંયે આપનાં ચરણો મહીં પીગળી જવાયું છે,

પીગળતી જીંદગીને ઘાટ દેતા એ સ્મૃતિમાં છે…

 

કીધા ઉપકાર તે સૌને નગુણો થઈ ભૂલી જાતો,

સર્યો જ્યાં સ્વાર્થ કે તરતજ હું તોડી નાખતો નાતો,

હૃદયના પુષ્પને કીડો થઈને કોરતો’તો હું,

કીડાને કૃષ્ણનો કીધો એ સઘળું મુજ સ્મૃતિમાં છે…

 

અહં બદલી તમે છે અસ્મિતાના દીપ પ્રગટાવ્યા,

દયા કાઢી કરુણાના જગે સાગર છે છલકાવ્યા,

હતો હું એકલો આપે સબંધો ભાવના બાંધ્યા,

હૃદયના ભાવ અમૃતને પીવડાવ્યું એ સ્મૃતિમાં છે…

===ૐ===

મોત.

સામાન્ય

(મારું પ્રથમ ગીત, જે ૧૩ વર્ષની ઉંમરે લખેલું.)

 

મોત છોને આવતું, કદમ કદમ બઢાવતું;

ને જીંદગીના દંબદંબ, શ્વાસને રૂંધાવતું;

ભલે મળે. . .

દુઃખ દર્દ કેરો, એક કાંગરોયે તૂટશે;

તો માનશું કે જીંદગીમાં, મોત તો મરી ગયું.

 

હુસ્નના બજારમાં, ને ઈશ્કના લેબાસમાં;

જીવનસુધા ને ચૂસતાં, એ પાશવી પિશાચના;

ચંદ ચાંદી ટૂકડે, ખરીદતા સુહાગના;

પાપીઓના પાપના, કદમ કદીક તોડીશું. . .                             તો માનશું. . .

 

કલા તણા કલાધરોની, વાસનાના વાસમાં;

શ્યામ રાતડી સમા, એ ચકચકીત વાસમાં;

કરી કલાની કત્લને, ધરે નવા લેબાસમાં;

કલા તના એ પાશવી, કફનનું મોત આણશું. . .                        તો માનશું. . .

 

બાજે કાં દુંદુભી અરે! શું મોતનું મરણ થયું?

શું પાપીઓનાં પાપ લઈ, અગ્નિમાં જલી રહ્યું?

શું પ્રેમનાં અનંત ગીત, ઘૂંટવા મથી રહ્યું?

 

હર યુગે પ્રભુજી અવતરે, સદા અરે ખરે;

તેમ પાપ અવતરે છે, માનવી જીવન ખરે;

પાપ પણ પ્રભુજીના, ચરણ મહીં જો અર્પશું;

ઈશની કરુણા થકી, મોક્ષ પંથ પામશું. . .                                તો માનશું. . .

            === ૐ ===

गीता सुगीता कर्तव्या|

સામાન્ય

(રાગ – સા રે ગ મ પ ધ નિ સા, તારું જીવન છે વાહ ભાઈ વાહ.)

 

ગીતાનાં સિદ્ધાંતો જેમાં કહ્યા;

            गीता सुगीता कर्तव्या|

 

અર્જુનની મૂંઝવણ સકળ જનની છે;

એની નિરાશા સૌ માનવની છે;

કરુણાથી યોગેશ્વર વાણી વધ્યા. . .                            गीता. . .

 

सर्वस्य चाहं हृदि संनिविष्टो;

ઊંચ નીચનાં ભેદ તણાં મટતાં અનિષ્ટો;

માનવ મંદિરમાં હરિ છે વસ્યા. . .                                 गीता. . .

 

ममैवांशो એમ કૃષ્ણે કીધું;

ઈશનાં સંતાન તણું ગૌરવ દીધું;

અસ્મિતાનાં ધોધ અહીં છલકી રહ્યા. . .                        गीता. . .

 

न मे भक्त: प्रण्श्यति;

જીવનને દેતાં એ ઊંચી ગતિ;

આવાં અભય હરખાવી ગયાં. . .                                   गीता. . .

 

योग क्षेमं वहामि अहं;

અનન્ય ભક્તોને પોષે સ્વયં;

ઈશ્વર પોતાનાને રક્ષી રહ્યાં. . .                                     गीता. . .

 

करिष्ये वचनं तव એ કહું;

જીવન મુજ ઈશનાં ચરણમાં ધરું;

કરવાં છે કામો જે ઈશને ગમ્યાં. . .                                गीता. . .

 

ગીતા યોગેશ્વરની વાણી ખરે;

મરતાં જીવનમાં એ પ્રાણને ભરે;

ભોગીને યોગીનાં પંથ છે ચિંધ્યાં. . .                              गीता. . .

        === ૐ ===

માગસર સુદ બારસ, સં. ૨૦૩૭, શુક્રવાર. તા. ૧૯-૧૨-૧૯૮૦.