Tag Archives: કુસુમ

ત્રિકાળ સંધ્યાનાં દાતણ

સામાન્ય

અમે ત્રિકાળ સંધ્યાનાં દાતણ લીધાં,

એને જીવનની શુદ્ધિનાં સાધન કીધાં.

 

ગલી ગલી મહીં કાગળને વીણતાં’તા,

પેટને કાજે ડુચાને ચૂંથતાં’તા,

હવે કાગળથી કુસુમનાં સર્જન કીધાં…                                   એને…

 

અમે ઘર ઘર જઈ વાસણને વેચતાં’તા,

અને ફાટેલાં કપડાંથી રીઝાતાં’તા,

પહેરી વાઘા ને વાઘ સમાં ગર્જન કીધાં…                                એને…

 

નહીં કોરટ કચેરીમાં જાતાં અમે,

નાત કેરી અદાલતના નિર્ણય ગમે,

હવે ઝગડાનાં મૂળીયાંને ફેંકી દીધાં…                                     એને…

 

નહીં વાઘરી જગતમાં તો તુચ્છ છે હવે,

વાધનો એ અરિ થઈને શૂરવીર બને,

એવાં અસ્મિતા વારી જીવનમાં પીધાં…                                  એને…

 

અમે ઘર ઘરને મંદિર છે માની લીધાં,

તેથી દૈવી વિચારોનાં નવનીત દીધાં,

પાંડુરંગની પ્રસાદીના વાહક બન્યાં…                                     એને…

    ===ૐ===

માઘ વદ છઠ, સં. ૨૦૪૧, રવિવાર.  તા. ૧૦-૨-૮૫.

પાંડુરંગ આંગણે પધારીયા રે લોલ.

સામાન્ય

(રાગ – મીઠાં મધુ ને મીઠાં મેહુલા રે લોલ…)

 

પાંડુરંગ આંગણે પધારીયા રે લોલ,

વર્ષોથી જોતા’તા વાટ જો…                                         પાંડુરંગ…

 

શબરીનું ધ્યેય અમે પાણીયું રે લોલ,

રામજી પધારે એવી હોંશ જો…                                     પાંડુરંગ…

 

મૂંઝવણના મેરુ છે તુટીયા રે લોલ,

યુગ યુગનો ભેદયો અંધાર જો…                                   પાંડુરંગ…

 

અનઘડ ને ઘાટ તમે આપીયા રે લોલ,

પોં’ચાડયા ભાવ સરિત ઘાટ જો…                                પાંડુરંગ…

 

મનના કુસુમ હાર લાવીયાં રે લોલ,

કર્મનાં શ્રીફળ ધર્યાં પાય જો…                                    પાંડુરંગ…

 

પાણીની જેમ જગે રેલવું રે લોલ,

દ્વાર મળે રામનું એ ચાહ જો…                                    પાંડુરંગ…

 

દીધું તમે તે પાછું આપીયે રે લોલ,

કીધું જે ઈશ્વરનું કામ જો…                                         પાંડુરંગ…

 

સ્વાગતના શબ્દ નહીં જાણતાં રે લોલ,

દેહને મળ્યો છે એનો પ્રાણ જો…                                પાંડુરંગ…

    ===ૐ===

ચૈત્ર સુદ પડવો(ગુડી પડવો), સં. ૨૦૪૦, સોમવાર, તા. ૨-૪-૮૪.

 

(પાણીગેટ વિસ્તારમાં સ્વાધ્યાય કાર્યના દસમા વર્ષ નિમિત્તે પ.પૂ. દાદા પાણીગેટ વિસ્તારનાં ભાઈ- બહેનોને તા. ૫-૪-૮૪ ને ગુરુવારે મળવાના હતા, એ પ્રસંગે ગાવા માટે લખ્યું.)

પૂજારી ચાલો.

સામાન્ય

(રાગ – ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં…)

 

‘યોગેશ્વર કૃષિ’ મહીં પૂજવા,

પૂજારી ચાલો,

યોગેશ્વર કૃષિ મહીં પૂજવા.

 

છોને અણજાણ તોય થઈશું સૌ ભોમિયા,

ખોળીશું ભેળા થઈ જીંદગીના કીમિયા,

કોયડા જીવનના ઉકેલવા…                                      પૂજારી ચાલો…

 

સામૂહિક ખેતીનો હેતુ અહીં છે નહીં,

ધરવી શક્તિ ઈશને એવો ઉદ્દેશ્ય અહીં,

શક્તિ ભક્તિમાં પલટાવવા…                                  પૂજારી ચાલો…

 

નાણાંની લેવડ દેવડની કંઈ વાત નથી,

કર્મ કર્યે જાવું પણ ફળની કંઈ આશ નથી,

ત્યાગ ભાવનાને ખીલાવવા…                                  પૂજારી ચાલો…

 

નિજના કૌશલથી છે ઈશ્વરને પૂજવા,

થાવું પૂજારી ના બનવું છે વેઠીયા,

કર્મનાં કુસુમો ચઢાવવા…                                        પૂજારી ચાલો…

 

ખેતર આ દેહ બને ઈશ્વર ખેડૂત થાય,

દૈવી ગુણોનાં બીજ જીવન માંહી વવાય,

ગીતાની વાતો વાગોળવા…                                     પૂજારી ચાલો…

 

છોડ મહીં ઈશ્વરને જોવાના કોડ છે,

પાકેલો મોલ મહીં હસતો રણછોડ છે,

પાંડુરંગ દિલને હસાવવા…                                       પૂજારી ચાલો…

    ===ૐ===

કારતક વદ નોમ, સં. ૨૦૪૦, સોમવાર. તા. ૨૮-૧૧-૮૩.

 

(બગલીયા – તા. છોટા ઉદેપુર (પાણીગેટ-પાવી તાલુકાના ભાઈઓ ત્યાં કામ કરે છે માટે (પાવી) જેતપુર તાલુકો) માં કારતક વદ ૧૧ સં. ૨૦૪૦ બુધવારે “યોગેશ્વર કૃષિ”ના મુહૂર્ત પ્રસંગે રચેલું ભાવગીત.)

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

આંગણે અમારે પધાર્યા પાંડુરંગ.

સામાન્ય

(રાગ – हम तो चले जाते भगवन जहां बुलाते. . .)

 

અંતરમાં સૌનાં છે પ્રગટયો ઉમંગ,

આંગણે અમારે પધાર્યા પાંડુરંગ.

 

વાયુ હરખાઈ ગાલે ટપલી મારી રહયો,

ફાગણીયો હૈયામાં રંગો છાંટી રહયો,

નર્મદાએ આનંદે છેડયા અભંગ…                 આંગણે…

 

દિલડાનાં દિવાથી આરતી ઊતારીયે,

મનનાં કુસુમ વળી ચરણે ચઢાવીયે,

તન મનમાં છલકાયો દૈવી ઉમંગ…               આંગણે …

 

વર્ષોનું શમણું તો આજે પુરું થયું,

જીવનનું પુણ્ય બધું આજે પ્રગટી રહ્યું,

દર્શનથી આપનાં પવિત્ર થયાં અંગ…            આંગણે …

 

ભેટ અને સોગાદો આપના સ્વીકારતા,

પ્રભુ કાર્ય નિરખીને દોડીને આવતા,

જોઈને આખી દુનિયા થાતી દંગ…                 આંગણે …

 

ઋષિઓની ભૂમિ વર્ષોથી તડપી રહી,

આપના ચરણ સ્પર્શે પુલકિત એ થઈ ગઈ,

રેવાજી ચાહે છે ધરવા ઉછંગ…                      આંગણે …

    ===ૐ===

ફાગણ સુદ ત્રીજ, સં. ૨૦૩૮, શુક્રવાર. તા. ૨૬-૨-૮૨.

 

(પ. પૂ. દાદા તા. ૨૭-૨-૮૨ ને શનિવારે ઝાડેશ્વર આવેલાં એ પ્રસંગને અનુરૂપ આ ગીત

ઝાડેશ્વરમાં બનાવ્યું.)