Tag Archives: ખુશી

છંદ – ૧

સામાન્ય

ઊડે ગુલાલ આજ સંસ્કૃતિને ભાલ આજ,

લાલ લાલ વ્યોમ થકી વરસતું આવે,

સ્વાર્પણનું શોણિત જે ગગને છવાયું તે,

આનંદ ઊર્મિ કેસૂડાં થઈ આવે.

 

સંસ્કૃતિ ને ધર્મ આજ નાચતાં આનંદે,

લાલ લાલ સુરખી તો નાચે છે ગાલે,

ખુશીઓની રાગિણી ઈશને સુણાવતાં,

નાચે છે નાનકડા બાળકશા તાલે.

 

કુમકુમનાં પગલાંએ આવે છે માવડી,

યુગયુગની કાલિમા લુંછાતી આજે,

કર્મહીન માનવનાં મેણાં ફીટાયાં ને,

સ્ત્રીજન શક્તિ કાર્યક્ષેત્ર સાધે છે આજે.

 

મનડાનો મહીસાસુર ચંડમુંડ મારીને,

વાત્સલ્ય ઝરણાં છલકાવે છે આજે,

જ્ઞાન ભક્તિ કર્મ દઈ જનને રમાડતાં,

પાંડુરંગ સ્વાધ્યાયી પીણું પીવડાવે.

    === ૐ ===

વિત્યાં વરસ, સરીતા જળ, શા વહી જતાં?

સામાન્ય

વિત્યાં વરસ, સરીતા જળ, શા વહી જતાં?

કોને ખબર કે કોને મળવા સરી જતાં.

 

ઉંમર અટારીએ જઈ સુણતો હું એમને,

આગળ કહેલ મૌનના પડઘા દઈ જતાં.

 

“બે ક્ષણ ઘડીક થંભો ખુશીઓનાં ઓ વરસ”

આમંત્રણો દીધેલાં તરછોડીને જતાં.

 

આશાને ઊર્મિઓનાં પુષ્પો ઉરે ખીલ્યાં,

ચીમળાયલાં કલેવરની ભેટ દઈ જતાં.

 

સ્વર્ગીય સુખની ઈચ્છા મનને થયા કરે,

પીગળેલ મીણની માફક શમણાં સરી જતાં.

 

વરસો ભલેને આપે અંધાર ભેટમાં,

પાયા મહાલયોના એમાં વસી જતા.

    ===ૐ===

આસો વદ સાતમ, સં. ૨૦૩૯, શુક્રવાર. તા. ૨૮-૧૦-૮૩.

(તારીખ પ્રમાણે મારી દિકરી ચિ. જાગૃતિનો જન્મ દિવસ)

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

યૌવનને બારણે.

સામાન્ય

આવીને ઊભો હું યૌવનને બારણે,

લાગણીએ સત્કાર્યો યૌવનને બારણે.

 

ગમગીની ફાંસી થઈ મુજને ગુંગળાવતી,

મોતને પુકારું હું યૌવનને બારણે.

 

ખુશીઓનાં પુષ્પોની સુરખી ફેલાઈ જતી,

હાસ્યને વધાવતો હું યૌવનને બારણે.

 

કૈંક કરી નાખવું છે એવા વિચાર મહીં,

વાટ જોઈ વાટ ભૂલું યૌવનને બારણે.

 

પોતાનાં શમણાંની ભૂતાવળ નીરખીને,

ખુદનું હું ભૂત જોઉં યૌવનને બારણે.

 

મૂંઝવણનાં જાળામાં જીવન ગુંચવાઈ ગયું,

જીંદગીનો મર્મ ભૂલ્યો યૌવનને બારણે.

 

હાસ્ય અને રુદનના લોલક સમ ડોલતો,

સ્થિર થવા મથતો યૌવનને બારણે.

 

રાહ છે અજાણી ને લાંબી સમજાય નહીં,

રાહબરને ખોળું છું યૌવનને બારણે.

        === ૐ ===

વૈશાખ વદ ત્રીજ, સં. ૨૦૩૯, શનિવાર. તા. ૩૦-૪-૧૯૮૩.

તેથી આનંદે ઘૂમું હું ચૌદે ભવન.

સામાન્ય

(રાગ – મારાં દાદાને મારાં હૃદયનાં પ્રણામ…)

 

ઊડવાને મુજને મળ્યું છે ગગન,

તેથી આનંદે ઘૂમું હું ચૌદે ભવન.

 

ચિંતાનો ભાર આજે મનથી ઊતરી ગયો,

દુ:ખડાં નો બોજ વળી દિલથી ચાલી ગયો,

જીવન કુસુમ થકી ઊઠી ફોરમ…                    તેથી…

 

નયનો નિર્દોષતાને આજે નચવી રહ્યાં,

ચહેરા પર હાસ્ય તણાં મોજાં ઘૂઘવી રહ્યાં,

સાચી દિશામાં ચરણોનું ગમન…                    તેથી…

 

દિલનો ધનવાન થઈ જગમાં હું મ્હાલતો,

ખુશીઓનો બાગ મારાં તન મનમાં ફાલતો,

રણમાંથી આજે સરજાયું ઉપવન…                 તેથી…

 

જાદુ આ સ્વાધ્યાયે કીધો જીવનમાં,

સમજાવ્યો રાહ મને સાચો આ ભવમાં,

સુખ દુ:ખ સમજવાનું દીધું દર્શન…                  તેથી…

 

સ્વાધ્યાય મન બુદ્ધિ શુદ્ધિ કરાવતો,

ગીતા શણગાર મારું જીવન સમજાવતો,

પાંડુરંગે કીધું છે દિશા સૂચન…                       તેથી…

        ===ૐ===

પોષ સુદ બારસ, સં. ૨૦૩૮, ગુરુવાર. તા. ૭-૧-૮૨.