Tag Archives: ગીતા

દ્રષ્ટાંત ગીતા – ૩

સામાન્ય

ગીતાના કેટલાંક ચુનંદા શ્લોકો પર આધારિત મારી પુસ્તિકા “દ્રષ્ટાંત ગીતા – ૩”, આ બ્લોગના પુસ્તક વિભાગમાં વાંચવા (DOWNLOAD) માટે ઉપલબ્ધ છે. આશા છે સૌને ગમશે.

આપ સૌનાં અમૂલ્ય અભિપ્રાયની આશા સેવું છું.

Advertisements

પ્રતિમા રણછોડની.

સામાન્ય

તને આપું હું ભેટ લીલા છોડની,

તું બતાડે પ્રતિમા રણછોડની.

 

વૃક્ષ વધતી પ્રતિમા છે લાગતી,

વળી સંતની પ્રતિભા પણ નાચતી,

દુ:ખી જનને દે ભેટ આનંદની…            તું બતાડે. . .

 

ઝાડ પાણીની જેમ નહીં ચાલતું,

વધી માનવ સમું ઊંચે મહાલતું,

ઝાંખી દેતું જડ ચેતનમાં રામની…        તું બતાડે. . .

 

જાણે શાખામાં શિવ; પાન પાર્વતી,

કૂંપળોમાં શ્રીકૃષ્ણ પ્રતીતી થતી,

બીજ જ્ઞાન રૂપ મૂર્તિ હો બુદ્ધની…        તું બતાડે. . .

 

વાયુ વર્ષાની સંગાતે પ્રીતડી,

કરે ધરતી સાથે મીઠી વાતડી,

રચી મહેફીલ રસ રૂપ અને ગંધની…     તું બતાડે. . .

 

કીધું દર્શન પાંડુરંગે વૃક્ષમાં,

દીધું  સૌને ભક્તિના સ્વરૂપમાં,

ધરા ઉરમાં છે લાગણી સંતોષની…       તું બતાડે. . .

=== ૐ ===

અષાઢ વદ ચોથ, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૦૮-૦૭-૧૯૯૩.

દ્રષ્ટાંત ગીતા – ૨

સામાન્ય

ગીતાના કેટલાંક ચુનંદા શ્લોકો પર આધારિત મારી પુસ્તિકા “દ્રષ્ટાંત ગીતા – ૨”, આ બ્લોગના પુસ્તક વિભાગમાં વાંચવા (DOWNLOAD) માટે ઉપલબ્ધ છે. આશા છે સૌને ગમશે.

દ્રષ્ટાંત ગીતા - ૨

આપ સૌનાં અમૂલ્ય અભિપ્રાયની આશા ઠેરવું છું.

। योगेश्वर स्तवन ।

સામાન્ય

મૂંઝાતો પાર્થને જોઈ હરિ કહેતા રણાંગણે,

સમાધિ ભાવમાં બોલે ભૂલી નિજ કૃષ્ણત્વને.

 

યોગેશ્વર તણા રૂપે બ્રહ્મ ત્યાં વિલસી રહ્યું,

‘ભગવન્ ઉવાચ’ તેવું તેથી ગીતામાં કહ્યું.

 

યોગની ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા તે યોગેશ્વર,

તેથી રામને શિવજી કૃષ્ણ જયમ યોગેશ્વર.

 

પ્રક્રિયા જીવને શિવથી જોડતી યોગ જાણવી,

એવાં સિદ્ધ યોગાત્મા છલકાવે યોગ જાહ્નવી,

 

સમર્પું મુજ કાયાને સ્વીકારો યોગેશ્વરો,

બ્રહ્મની સ્નેહ વર્ષાને રેલાવો બ્રહ્મેશ્વરો.

=== ૐ ===

સૌંદર્યથી સજેલાં નયણાં મને ગમે છે.

સામાન્ય

સૌંદર્યથી સજેલાં નયણાં મને ગમે છે,

ને હેતથી ભરેલું હૈયું મને ગમે છે.

 

જોઈ મેં ચાલ તારી જે શૌર્યની સવારી,

ગૌરવની એ ખુમારી જોવી મને ગમે છે.

 

રાજ્યાભિષેક વિણ તું સમ્રાટ છે હૃદયનો,

દિલની એ બાદશાહી તારી મને ગમે છે.

 

કેવું વિશાળ હૈયું? સૌને સમાવનારું,

સૌનું છતાંય મારું એ ઘર મને ગમે છે.

 

છમ છમ બજી રહ્યા છે ઝાંઝર બનીને શબ્દો,

મહેફિલ મહીં એ તારી પાગલ થવું ગમે છે.

 

પ્યાલો લીધો છે તારી ગીતા સુધાનો મેં તો,

ના ઓડકાર આવે પીવું મને ગમે છે.

 

ખેંચાય જ્યાં ભૃકુટિ તાંડવના તાલ ઉઠતા,

મલકે નયન કે ખીલતી સૃષ્ટિ મને ગમે છે.

 

તું કેમ બહુ ગમે છે કારણ ન મારી પાસે,

બસ એમ પણ ગમે છે ને તેમ પણ ગમે છે.

===ૐ===

ભાદરવા વદ તેરસ, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૧૧-૧૦-૮૫.

ગીતા કે’વાણી.

સામાન્ય

(રાગ – આડંબરને ઊથલાવે એ યુવાની સાચી. . .)

 

હજ્જારો વર્ષો પહેલાં છે ગીતા કે’વાણી,

યોગેશ્વરના શ્રી મુખેથી પ્રગટી સરવાણી.

 

પાપી કહીને લોક ડરાવે,

માધવ એવાંને અપનાવે,

પાતકનાં વિષ પીવાની છે એની તૈયારી. . .                              યોગેશ્વરના. . .

 

માનવને એ પાસે લાવે,

ભેદ ભરમનાં મૂળ મીટાવે,

સૌના દિલમાં ઈશ્વર વસતા દિલની છે વાણી. . .                      યોગેશ્વરના. . .

 

કર્યા વિના તો કૈં ના મળતું,

કીધેલું ફોગટ ના જાતું,

કામો કરતાં કરતાં ઈશની ઝાંખી કરવાની. . .                           યોગેશ્વરના. . .

 

આશ્વાસન સૌને એ દેતી,

જીવનના મર્મો છે કે’તી,

અર્જુનની માફક એ સૌની મૂંઝવણ હરનારી. . .                        યોગેશ્વરના. . .

 

માનવને એ ઊભો કરતી,

એને ધ્યેય તરફ લઈ જાતી,

પાંડુરંગ સમજાવે સૌને ગીતાની વાણી. . .                                યોગેશ્વરના. . .

        === ૐ ===

માગસર સુદ અગિયારસ “ગીતા જયંતિ”, સં. ૨૦૪૦, મંગળવાર. તા. ૪-૧૨-૧૯૮૪.

(રાતે ૮:૫૦ વાગે, વિમલ સોસાયટીના પ્રાર્થના કેન્દ્ર નિમિત્તે.)

વિશ્વ સહેતુ’તું.

સામાન્ય

વિશ્વ સહેતુ’તું કળિયુગના જુલમો સિતમ,

નાથ કેરાં નયનોમાં છવાયો તો ગમ.

 

નવરાત્રી હતી વળી સપ્તમી હતી,

સાધના શક્તિ કેરી તો ઘર ઘર થતી,

સપ્ત ઋષિઓ પ્રગટ્યા તે દિ થૈ પાંડુરંગ…              વિશ્વ સહેતુ’તું…

 

યુવાશક્તિનાં પૂર ભમે થઈ ગાંડાતુર,

કરે સંસ્કારો ચૂર બનીને ભસ્માસુર,

સુણી પાંડુરંગી  સૂર એને આવી શરમ…               વિશ્વ સહેતુ’તું…

 

કરે સહુએ બકવાદ વાત વાતમાં વિવાદ,

ઘરે ઘરમાં વિખવાદ થાય સઘળાં બરબાદ,

કરી ગીતા સંવાદ કીધું વિષનું શમન…                વિશ્વ સહેતુ’તું…

 

કર્યો જનનો સંયોગ વળી ઈશ સાથે યોગ,

તેથી અભિનવ પ્રયોગ કીધા કાઢ્યો વિયોગ,

ભાવ કેરો વિનિયોગ કરી ખીલવ્યાં સુમન…         વિશ્વ સહેતુ’તું…

 

આપ આવ્યા ન હોત વાર થઈ ગઈ જો હોત,

ધર્મ સંસ્ક્રૃતિના પ્રાણ તાળવે ચઢેલ હોત,

આપે આવી અમાવસને કીધી પૂનમ…                વિશ્વ સહેતુ’તું…

    ===ૐ===