
નયનં મધુરં

ધન્ય ધરા ગુર્જરી,
જાણે ઝલકી સ્નેહ નિર્ઝરી . . . ધૃવ . . .
માટી એની કાળી ધોળી,
વસુધાએ પૂરી રંગોળી;
ફળ ફૂલ લચી પડ્યાં ખૂબ મ્હેંકે,
ધાન્ય ભર્યા વિસ્તારી . . . ધન્ય ધરા . . .
अतिथी देवो भव: નું દર્શન,
સ્મિત સહ આવકારતાં વદે વચન;
કોઈ પારકાં રહે નહીં અહીં,
વિવેકની સરવરી . . . ધન્ય ધરા . . .
રેવા સૌને નિર્મલ કરતી,
મહી તાપી ફળદ્રૂપતા દેતી;
નાની મોટી સરિતાઓ પણ,
જલથી છે સૌ ભરી . . . ધન્ય ધરા . . .
દત્ત ચરણ ગીરનારે વસતાં,
પાવાગઢ પર કાલી રમતાં;
અંબાજીનો આશ્રય પામે,
ગુર્જર પ્રજા મન ભરી . . . ધન્ય ધરા . . .
કૃષ્ણચંદ્ર દ્વારીકામાં વસતા,
સોમનાથ શિવ સૌને ગમતા;
બુદ્ધ મહાવીર વિચારધારા,
પાષાણ પાટી પર પ્રસરી . . . ધન્ય ધરા . . .
નરસિંહના મધુરાં પદ ગૂંજે,
જલારામ સેવા સહુ પૂજે;
અવધૂત રંગની મૌન વાણીની,
વહેતી મધુરી લહેરી . . . ધન્ય ધરા . . .
ગાંધી વલ્લભની આ ભૂમિ,
રવિશંકર દાદાએ ચૂમી;
સંત પૂનિતની સેવા ભક્તિ,
લોક હૃદયમાં પ્રસરી . . . ધન્ય ધરા . . .
___ ૐ ____
ચૈત્ર સુદ ચૌદસ સં. ૨૦૭૬. તા. ૨૦-૪-૨૦૨૦.