Tag Archives: જગત

‘પાંડુરંગ’ નાચતો પાંડુરંગ સામે.

સામાન્ય

તીર્થરાજ મિલનને પવિત્ર ધામે,

‘પાંડુરંગ’ નાચતો પાંડુરંગ સામે.

 

માનવને માનવમાં ઈશ્વર બતાવ્યો,

મનના મરેલને જીવન સાર આપ્યો,

દૈવી વિચાર કહી દેવાને બહાને…              પાંડુરંગ…

 

કામગરા કીધાં તેં કામચોર લોકને,

કર્મનું નૈવૈદ્ય દેતા કૃષિને ઉપવને,

ભક્તિની શક્તિનું દર્શન એ પામે…          પાંડુરંગ…

 

મૂર્તિપૂજાનું સ્વરૂપ સમજાવ્યું,

સપનું કુમારિલનું સાચું ઠરાવ્યું,

આચાર્ય શંકરનું હૈયું નચાવે…                  પાંડુરંગ…

 

યાત્રા અનોખી જગતને બતાવી,

જીવને મળી શિવપૂજા કરાવી,

પાપોને બાળી પાપી વૃત્તિને ડામે…            પાંડુરંગ…

 

દીનતા નિવારી ખુમારી જગાડે,

મહેનત વિણ લેવું ના સૌને શીખવાડે,

ભાવ કેરા તંતુથી જગને એ બાંધે…            પાંડુરંગ…

    ===ૐ===

તમારું મનન એજ મારું કવન હો.

સામાન્ય

 

તમારું મનન એજ મારું કવન હો,

તમારી મૂરતને નીરખતાં નયન હો.

 

કરુણા થઈને જગતમાં વરસતાં,

પીલાવો સુધા સ્નેહની દિલ કણસતાં,

કરો સ્થિર પગને યુગોથી ભટકતા,

વિસામો ભુલ્યાનો તમારાં ચરણ હો…                    તમારી મૂરતને…

 

પ્રભાતે હૂંફાળો તમે સ્પર્શ કીધો,

નયન જ્યાં ખુલ્યાં ત્યાં સ્મૃતિ શ્વાસ દીધો,

બપોરે બની શક્તિ સંચાર કીધો,

શયનમાં પ્રભુ એક શાંતિ ભવન હો…                   તમારી મૂરતને…

 

શું દેવું તમોને એ મારી છે મૂંઝવણ,

ધરાવીશ હું નૈવેદ્યમાં નિજનું કૌશલ,

હૃદય એવું દેજો થતું ભાવ પ્રસરણ,

ખીલે સ્નેહ ઉપવન દિલે એ સ્તવન હો…              તમારી મૂરતને…

===ૐ===

જેઠ વદ અમાસ, સં. ૨૦૪૧, મંગળવાર. ૧૮-૦૬-૧૯૮૫.

ત્રિકાળ સંધ્યાનાં દાતણ

સામાન્ય

અમે ત્રિકાળ સંધ્યાનાં દાતણ લીધાં,

એને જીવનની શુદ્ધિનાં સાધન કીધાં.

 

ગલી ગલી મહીં કાગળને વીણતાં’તા,

પેટને કાજે ડુચાને ચૂંથતાં’તા,

હવે કાગળથી કુસુમનાં સર્જન કીધાં…                                   એને…

 

અમે ઘર ઘર જઈ વાસણને વેચતાં’તા,

અને ફાટેલાં કપડાંથી રીઝાતાં’તા,

પહેરી વાઘા ને વાઘ સમાં ગર્જન કીધાં…                                એને…

 

નહીં કોરટ કચેરીમાં જાતાં અમે,

નાત કેરી અદાલતના નિર્ણય ગમે,

હવે ઝગડાનાં મૂળીયાંને ફેંકી દીધાં…                                     એને…

 

નહીં વાઘરી જગતમાં તો તુચ્છ છે હવે,

વાધનો એ અરિ થઈને શૂરવીર બને,

એવાં અસ્મિતા વારી જીવનમાં પીધાં…                                  એને…

 

અમે ઘર ઘરને મંદિર છે માની લીધાં,

તેથી દૈવી વિચારોનાં નવનીત દીધાં,

પાંડુરંગની પ્રસાદીના વાહક બન્યાં…                                     એને…

    ===ૐ===

માઘ વદ છઠ, સં. ૨૦૪૧, રવિવાર.  તા. ૧૦-૨-૮૫.

જીવ જગત જગદીશ.

સામાન્ય

(રાગ – ભાઈ મારે કરવો છે સ્વાધ્યાય)

 

જીવ જગત જગદીશનો નાતો જેનાથી સમજાય,

    ભાઈ એ તો અગિયારસ કહેવાય. . . (૨)

સાચી લગનથી હરિ ચરણોમાં સ્નેહ થકી બેસાય,

એનાં નામે એનાં કામે મનડું રમતું થાય. . .                              ભાઈ એ તો. . .

 

જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય ને મન એ અગિયાર ગણાય,

એ તો સઘળાં અર્પણ કરતાં પ્રભુજી ખૂબ હરખાય. . .                  ભાઈ એ તો. . .

 

શ્વાસે શ્વાસે હરિ છે રમતા જીવન નચવી જાય,

એ ઉપકારો યાદ કરી જે એને કાજ ઘસાય. . .                            ભાઈ એ તો. . .

 

શું ખાવાનું શું પીવાનું એ સ્થૂળ વાત જણાય,

શું કરવાનું એ સમજતાં હરિનું દિલ ખુશ થાય. . .                       ભાઈ એ તો. . .

 

કર્મયોગ ને ભક્તિ યોગનો સંગમ જો થઈ જાય,

તો તો સાકારિત ભક્તિનું દર્શન સાચું થાય. . .                          ભાઈ એ તો. . .

 

સાચી વાતો અગિયારસની સમજાવે સ્વાધ્યાય,

‘પાંડુરંગ’ની પાવન વાણી ભેદ બતાવી જાય. . .                        ભાઈ એ તો. . .

            === ૐ ===

ભાદરવા સુદ બારસ, સં. ૨૦૪૦, ગુરુવાર. તા. ૬-૯-૧૯૮૪.

કવિઓને ઈશ્વર જો તડપન ન આપત.

સામાન્ય

કવિઓને ઈશ્વર જો તડપન ન આપત,

તો એનાં હૃદયને બીજું કોણ માપત.

 

અભિનય શીખવતો એ શબ્દોને એવો,

કલ્પનાને એ વિણ બીજું કો’ નચાવત.

 

મુલાયમ છે દિલડું પરાગો ભરેલું,

રસિકડા મધુકર ઉડાવે છે જયાફત.

 

નથી વેરતો કાગળો પર એ શાહી,

નિચોવે છે અરમાં જમાવે છે રંગત.

 

દુઃખી થઈને ઈશ્વર કવિ દિલમાં બેસે,

શબ્દને તિખારે જગતને દઝાડત.

 

સૌંદર્યને આરપારું નિરખવા,

આંખો છે એવી જે કરતી ઇબાદત.

 

હૃદય છે જગતનું ને ઈશનું એ ઘર છે,

વખત આવે કરતો એ સૌની મરામત.

 

હૃદય છો શિલા પણ શબ્દ ટાંકણાથી,

જીવન શિલ્પ સર્જી ને કરતો કરામત.

    ===ૐ===

ભાદરવા સુદ બારસ,  સં. ૨૦૪૦,  ગુરુવાર. તા. ૬-૯-૮૪.