Tag Archives: જીંદગી

કાચા સૂતરની અતૂટ મારી રાખડી.

સામાન્ય

કાચા સૂતરની અતૂટ મારી રાખડી,

સ્નેહનો સમંદર વહાવતી એ આંખડી.                કાચા. . .

 

જીવનની લક્ષ્મણ રેખાને બતાડતી,

સંસ્કૃતિ ધર્મના અદેખાને ડારતી,

સંયમના દંડ સમી જાણેકે લાકડી.                          કાચા. . .

 

વીજળીનો ચમકારો એમાં સમાતો,

તીખારો દુષ્ટોને એનો દઝાડતો,

સ્વાપર્ણના યજ્ઞ તણી જ્વાળા છે ફાંકડી.                 કાચા. . .

 

ભાવ તણાં બંધનની એતો છે બેડી,

જીવન વિકાસ કાજ થાતી એ કેડી,

ચરણોમાં શક્તિને ભરતી થઈ ચાખડી.                    કાચા. . .

 

વ્યસનો ને દુર્ગુણથી એતો બચાવે,

વેદના વિચારોથી જીવન સજાવે,

કરતી તેજસ્વી જે જીંદગી છે રાંકડી.                         કાચા. . .

 

પાંડુરંગ  સૌનાં જીવનની છે રાખડી,

યોગેશ્વર ભાવથી ભરેલી છે આંખડી,

તેથી તો સઘળાંને મંઝિલ છે સાંપડી.                       કાચા. . .

=== ૐ ===

સ્મૃતિમાં છે.

સામાન્ય

તમારા સ્નેહભીના કંઈ થપાટાઓ સ્મૃતિમાં છે,

કરું હું ગાંડપણ તોયે તમે હસતા સ્મૃતિમાં છે,

હું તો ભંડાર ભૂલોનો છતાંયે સ્નેહથી સહેતા,

કરુ હું ‘શબ્દચાળા’ કાવ્ય કહેતા એ સ્મૃતિમાં છે…

 

બીજાના હાથમાં જીવન નચાવાનું નથી ગમતું,

બની કઠપૂતળી રમવું કદી દિલમાં નથી વસતું,

છતાંયે આપનાં ચરણો મહીં પીગળી જવાયું છે,

પીગળતી જીંદગીને ઘાટ દેતા એ સ્મૃતિમાં છે…

 

કીધા ઉપકાર તે સૌને નગુણો થઈ ભૂલી જાતો,

સર્યો જ્યાં સ્વાર્થ કે તરતજ હું તોડી નાખતો નાતો,

હૃદયના પુષ્પને કીડો થઈને કોરતો’તો હું,

કીડાને કૃષ્ણનો કીધો એ સઘળું મુજ સ્મૃતિમાં છે…

 

અહં બદલી તમે છે અસ્મિતાના દીપ પ્રગટાવ્યા,

દયા કાઢી કરુણાના જગે સાગર છે છલકાવ્યા,

હતો હું એકલો આપે સબંધો ભાવના બાંધ્યા,

હૃદયના ભાવ અમૃતને પીવડાવ્યું એ સ્મૃતિમાં છે…

===ૐ===

મોત.

સામાન્ય

(મારું પ્રથમ ગીત, જે ૧૩ વર્ષની ઉંમરે લખેલું.)

 

મોત છોને આવતું, કદમ કદમ બઢાવતું;

ને જીંદગીના દંબદંબ, શ્વાસને રૂંધાવતું;

ભલે મળે. . .

દુઃખ દર્દ કેરો, એક કાંગરોયે તૂટશે;

તો માનશું કે જીંદગીમાં, મોત તો મરી ગયું.

 

હુસ્નના બજારમાં, ને ઈશ્કના લેબાસમાં;

જીવનસુધા ને ચૂસતાં, એ પાશવી પિશાચના;

ચંદ ચાંદી ટૂકડે, ખરીદતા સુહાગના;

પાપીઓના પાપના, કદમ કદીક તોડીશું. . .                             તો માનશું. . .

 

કલા તણા કલાધરોની, વાસનાના વાસમાં;

શ્યામ રાતડી સમા, એ ચકચકીત વાસમાં;

કરી કલાની કત્લને, ધરે નવા લેબાસમાં;

કલા તના એ પાશવી, કફનનું મોત આણશું. . .                        તો માનશું. . .

 

બાજે કાં દુંદુભી અરે! શું મોતનું મરણ થયું?

શું પાપીઓનાં પાપ લઈ, અગ્નિમાં જલી રહ્યું?

શું પ્રેમનાં અનંત ગીત, ઘૂંટવા મથી રહ્યું?

 

હર યુગે પ્રભુજી અવતરે, સદા અરે ખરે;

તેમ પાપ અવતરે છે, માનવી જીવન ખરે;

પાપ પણ પ્રભુજીના, ચરણ મહીં જો અર્પશું;

ઈશની કરુણા થકી, મોક્ષ પંથ પામશું. . .                                તો માનશું. . .

            === ૐ ===

પૂજારી ચાલો.

સામાન્ય

(રાગ – ધ્યાન એનું ક્યાંથી લાગે ભગવાનમાં…)

 

‘યોગેશ્વર કૃષિ’ મહીં પૂજવા,

પૂજારી ચાલો,

યોગેશ્વર કૃષિ મહીં પૂજવા.

 

છોને અણજાણ તોય થઈશું સૌ ભોમિયા,

ખોળીશું ભેળા થઈ જીંદગીના કીમિયા,

કોયડા જીવનના ઉકેલવા…                                      પૂજારી ચાલો…

 

સામૂહિક ખેતીનો હેતુ અહીં છે નહીં,

ધરવી શક્તિ ઈશને એવો ઉદ્દેશ્ય અહીં,

શક્તિ ભક્તિમાં પલટાવવા…                                  પૂજારી ચાલો…

 

નાણાંની લેવડ દેવડની કંઈ વાત નથી,

કર્મ કર્યે જાવું પણ ફળની કંઈ આશ નથી,

ત્યાગ ભાવનાને ખીલાવવા…                                  પૂજારી ચાલો…

 

નિજના કૌશલથી છે ઈશ્વરને પૂજવા,

થાવું પૂજારી ના બનવું છે વેઠીયા,

કર્મનાં કુસુમો ચઢાવવા…                                        પૂજારી ચાલો…

 

ખેતર આ દેહ બને ઈશ્વર ખેડૂત થાય,

દૈવી ગુણોનાં બીજ જીવન માંહી વવાય,

ગીતાની વાતો વાગોળવા…                                     પૂજારી ચાલો…

 

છોડ મહીં ઈશ્વરને જોવાના કોડ છે,

પાકેલો મોલ મહીં હસતો રણછોડ છે,

પાંડુરંગ દિલને હસાવવા…                                       પૂજારી ચાલો…

    ===ૐ===

કારતક વદ નોમ, સં. ૨૦૪૦, સોમવાર. તા. ૨૮-૧૧-૮૩.

 

(બગલીયા – તા. છોટા ઉદેપુર (પાણીગેટ-પાવી તાલુકાના ભાઈઓ ત્યાં કામ કરે છે માટે (પાવી) જેતપુર તાલુકો) માં કારતક વદ ૧૧ સં. ૨૦૪૦ બુધવારે “યોગેશ્વર કૃષિ”ના મુહૂર્ત પ્રસંગે રચેલું ભાવગીત.)

જીવનમાં બાલશી મસ્તી રમાડી.

સામાન્ય

હૃદયમાં ભાવની ભરતી, વદન પર હાસ્ય છલકે છે;

જીવનમાં બાલશી મસ્તી રમાડી, ભક્ત મલકે છે.

 

જીવન એનું પ્રભુ દર્પણ, પ્રભુ પ્રતિબિંબ એ દિસતો;

ખીલેલાં પુષ્પ સમ ખીલતો, બીજા જનને ય ખીલવતો;

મુખે ઝરતાં શબ્દમાંથી, પ્રભુની વાણ છલકે છે. . .                       જીવનમાં. . .

 

પ્રભુનો ભક્ત તો છે, જીવતી આનંદની મૂર્તિ;

ન ઢૂકતાં ક્લેશ એની પાસ, એ છે પ્રમની પૂર્તિ;

વળી સંતોષ એની જીંદગીને, પુષ્ટિ અર્પે છે. . .                            જીવનમાં. . .

 

ખરી ભક્તિ તો મન, બુદ્ધિ ને હૈયાને ખીલવે છે;

ભરી આનંદ ને સ્ફૂર્તિ, પ્રભુ દિલમાં વસાવે છે;

જગતમાં મોજનાં રંગો ઊડાડી, ઐક્ય આણે છે. . .                       જીવનમાં. . .

 

અમે જાણ્યું કે ઈશ ભક્તો, ફરે રોતી સુરત લઈને;

જીવે છે હસવું, ગાવું, નાચવું, સઘળું ત્યજી દઈને;

ગીતા કે’છે ખરા ભક્તો, જીવન માધુર્ય પીરસે છે. . .                     જીવનમાં. . .

            === ૐ ====

આસો વદ તેરસ(ધન તેરસ), સં. ૨૦૩૫, ગુરુવાર. તા. ૧૮-૧૦-૧૯૭૯.