Tag Archives: તીર

ચાલશે નહીં યુવાન થઈને સુંવાળા.

સામાન્ય

સંસ્કૃતિના મારગમાં પથ્થર અણિયાળા,

ચાલશે નહીં યુવાન થઈને સુંવાળા.

 

અર્જુનની માફક તો તારે લડવું પડશે,

અણગમતાં કામો પણ તારે કરવાં પડશે,

અંધારા દિલમાં જલાવ શૌર્ય જ્વાળા…              ચાલશે…

 

વજ્ર સમું વૃક્ષ કરી ઘાવો ઝીલવા પડશે,

મહેણાં ને ટોણાંનાં તીરો ખમવાં પડશે,

શાને પંપાળે તું દેહને રૂપાળા…                       ચાલશે…

 

આવતી સદીનો તું થઈજા ઘડવૈયો,

પાપના પ્રહાર સામે થાજે લડવૈયો,

દુર્ગુણના દારૂની છોડ મધુશાળા…                  ચાલશે…

 

દૈવી વિચારોનો વાહક તું થઈ જાજે,

મનની બીમારીનું ઔષધ તું થઈ જાજે,

પાંડુરંગ સંગ જઈ તોડ બધાં જાળાં…               ચાલશે…

    ===ૐ===

અષાઢ સુદ નોમ, સં.૨૦૪૧, ગુરુવાર. તા. ૨૭-૬-૮૫.

હૃદયની વાત કહેવી છે.

સામાન્ય

ઘડીક બેસો તમે સામે હૃદયની વાત કહેવી છે,

વ્યથાઓની કથા મારાં ગણીને તમને કહેવી છે.

 

તીરો ને ખંજરોના ઘાવ દિલની ઢાલ પર ઝીલ્યાં,

ટપકતા રક્તથી ખુશ્બો પ્રણયની આજ દેવી છે…

 

સળગતા સૂર્યની લાલી અમારાં નેણમાં વસતી,

નયનની મૂક ભાષાને શબ્દમાં તમને કહેવી છે…

 

પ્રભુ પાષાણના ટપલાથી મટકી કેમ ટીપે છે?

અરે! પાણીની ધારાએ તૂટે એવી આ મ્હોલત છે…

 

હવે ઝગડા નથી કરવા અમે સંધિ કરી લીધી,

ઝગડવું ક્યાં? નસીબ કે આપની સાથે એ મૂંઝવણ છે…

 

પીવી છે એક પ્યાલી આપને હાથે ભૂલાવા દર્દ દુનિયાના,

ભલે ખાલી હશે કરજો અભિનય એમ કહેવું છે…

        ====ૐ===

ઊઠયો વનવાસી આજ.

સામાન્ય

(રાગ – તમે સાચા સ્વાધ્યાયી બની ઉઠો ઉઠો… )

 

ઊઠયો વનવાસી આજ ઊઠયો ઊઠયો હો ભાઈ,

જાગ્યો વનવાસી આજ ઊઠયો ઊઠયો.

 

સુસ્તીને આળસનો ફંગોળી અંચળો,

સ્ફૂર્તિ હુંકાર કરી ઊઠયો ઊઠયો.

એ.. એ.. આદિવાસી કહીને એને ના ભાંડશો,

આદીમ શક્તિનો થઈ ઊઠયો ઊઠયો…                           ઊઠયો…

 

તીર અને કામઠાંથી માનવને મારતો જે,

ધ્યેયનું નિશાન સાધી ઊઠયો ઊઠયો.

એ.. એ.. લંગોટી ધારી એ ‘દાદા’નાં કામકાજ,

ઈશ્વર સંગાથ લઈ ઊઠયો ઊઠયો…                                 ઊઠયો…

 

શામળા શરીરે છે ફાટેલાં ચીથરાં,

નિર્ધનતા વાસ અહીં દીઠો દીઠો.

એ.. એ.. છોને કંગાળ તોય થઈને મહાકાળ એ તો

કાળને બદલવાને ઊઠયો ઊઠયો…                                ઊઠયો…

 

ઊજળાં લેબાસ મહીં શોભતાં માનવી,

આજ લગી એને બહુ ચુસ્યો ચુસ્યો.

એ.. એ.. સમજણ આવી છે હવે સ્વાધ્યાયથી આજ એને

નગ્નતાનો છેદ એણે કીધો કીધો…                                   ઊઠયો…

 

મ્હેલનાં ભિખારી સહુ આજે નીરખજો,

ઝૂંપડીનો બાદશાહ ઊઠયો ઊઠયો.

એ.. એ.. ભાવથી ભીજાવીને ખાતો એ રોટલો,

અસ્મિતાનો જામ એણે પીધો પીધો…                             ઊઠયો…

 

અસ્મિતાને ભાવ પ્રેમ નિર્ધનતા કાઢતાં,

દિલનો ધનવાન થઈ ઊઠયો ઊઠયો.

એ.. એ.. યુગ યુગથી ભૂલાયો સુધરેલા માનવથી,

આજ ફરી એક થઈ ઊઠયો ઊઠયો…                              ઊઠયો…

 

યજ્ઞનો ધુમાડો આભ ધરતીને સાંધતો,

ઉંચનીચનો ભેદ અહીં તૂટયો તૂટયો.

એ.. એ.. કીધો છે યજ્ઞ પાંડુરંગે આજ વન માંહી

યોગેશ્વર જોઈ એને રીઝયો રીઝયો…                               ઊઠયો …

 

    ===ૐ===

ફાગણ વદ પડવો, સં. ૨૦૩૯, મંગળવાર. તા. ૧૫-૩-૮૩.

કવાંટ તા. છોટાઉદેપુર, યજ્ઞ પ્રસંગે.

કૃષ્ણનું ફરતું સુદર્શન છું.

સામાન્ય

ન છેડો કોઈ મુજને, કૃષ્ણનું ફરતું સુદર્શન છું;

દુ:શાસન કંસ જેવો, દુષ્ટનું હું ગર્વ મર્દન છું;

ફરું હું આંગળી ઉપર, તો ભાનુની પ્રભા લાગું;

જો છટકું તો હું, ભીષણ મોત કેરું ગીત લાગુ છું.

 

નથી હું આગિયો કેવળ, હું આતશ થઈને સળગુ છું;

કદીક જવાળામુખી, ચિનગારીમાંથી થઈને ગર્જુ છું;

અનિષ્ટોનાં મહાલયને, હું બાળી રાખ સર્જુ  છું;

બલિદાનોની બલી, વેદી તણી આગ પ્રગટું છું.

 

નથી બિંદુ મટીને પલકમાં, હું બાષ્પ થવાનો;

મટીશ બિંદુ બનીશ સિંધુ, હું વ્યાપક થૈ’ને વહેવાનો;

ભરીને આગ દિલમાં, મુજ ઘુઘવતી વાત ગર્જુ છું;

પ્રલયનાં ગીત છે વ્હાલાં, પ્રલય પોતે બની જઉ છું.

 

બની ટંકાર ગાંડિવનો, ગગનગામી બની જઉ છું;

અરિના દિલમાં તીર થઈને, બહુ ઉંડે ખૂંપી જઉ છું;

વિરોધી સંસ્કૃતિને, ધર્મનો કાળ થઈ જઉ છું;

બનીને શંખ માધવનો, ગગન ભેદીને ગર્જુ છું.

 

હું તાંડવ છું પ્રભુ શિવનું, ને ગાંડીવ છુ હું અર્જુનનું;

ગટાગટ ઝેરને પીનાર, મીરાં પણ બની જઉ છું;

કદીક વિજળી બનીને, દુશ્મનોનાં દિલ જલાવુ છું;

તો થઈને પ્રેમનો સાગર, હૃદય સૌનાં નચાવું છું.

 

હું પર્વતને બનાવી રાઈ સમ, નાનો રમાડું છું;

તો સાગરને હથેળીમાં ગ્રહીને, ઘૂંટ ભર લઉ છું;

પ્રભુ મોટો છતાંયે ભાવથી, મુજ સમ બનાવુ છું;

પિછાણી શક્તિને મારી, ચરણ એને ધરી દઉ છું.

        === ૐ ===

માગસર વદ તેરસ, સં. ૨૦૩૭, શનિવાર. તા. ૩-૧-૮૧.