Tag Archives: દર્દ

શીતલ શીતલ ગંગા મૈયા.

સામાન્ય

શીતલ શીતલ ગંગા મૈયા,

મીઠી મીઠી યમુનાજી,

સરસ્વતી ઓઝલમાં રહેતી,

વાતો કરતાં થઈ રાજી. . .

 

 

અલ્લાહ  બાદ થયો’તો જ્યારે,

અલ્હાબાદ તો માથા ભારે,

સુસ્તી ફૂસ્તી કેફી મસ્તી,

ખૂન ખરાબા ચોરી ડસતી. . .

 

 

તીર્થધામમાં પવિત્રતા ને,

શાંતિ ડૂસકાં ભરતાં જી,

ત્રાહિમામ સાત્વિક પુકારે,

દિલડાં દર્દ ટપકતાં જી. . .

 

 

એક ફિરસ્તો રમતો રમતો,

ભક્તિની ગંગા રેલવતો,

હૈયાની દિવાલો ભેદી,

દુષ્ટ વૃત્તિના કિલ્લા છેદી. . .

 

 

તીર્થરાજમાં “તીર્થરાજ” થઈ,

સૌને મળવા આવ્યો જી,

અલ્લાહ થઈ આબાદ હસ્યો ત્યાં,

જન ગણ મન થાતાં રાજી. . .

=== ૐ ===

ચૈત્ર સુદ આઠમ, સં. ૨૦૪૨, ગુરુવાર. તા. ૧૭-૪-૧૯૮૬.

સ્વયં સંગીત

સામાન્ય

શિરની સિતાર દિલ તણી ઠૂમરી બજાવી ગઈ,

દર્દની ગઝલ ખરી રંગત જમાવી ગઈ,

અરમાનની એ ભૈરવી ગુલતાન કરી ગઈ,

નયનો ભરેલી તાન તો મલ્હાર રચી ગઈ;

 

દિલના એ ધબકારથી તબલા બજી ગયા,

શ્વાસ પ્રતિશ્વાસ બાંસુરી બની ગયા,

નયનો તણાં મટકાં ખરાં મંજીરા બની ગયા,

હાર્મોનિયમ સુરાવલી અધરો મૂકી ગયા;

 

શ્રોતા અને સર્જક બન્યો બન્ને હું એકલો,

સાધક અને ગુરુ બન્યો બન્ને હું એકલો,

વાદક અને ગાયક બન્યો બન્ને હું એકલો,

મનથી સ્ફૂરેલ ગીતનો માલિક હું એકલો.

=== ૐ ===

શ્રી ગણેશ દેવા.

સામાન્ય

(રાગ – વાણીની દેવી મા શારદા નમન તને…)

 

આદ્યશક્તિ માતા ને પિતા મહાદેવા,

વંદું હું વારંવાર શ્રી ગણેશ દેવા.

 

જ્ઞાન અને કલ્યાણ શિવનું સ્વરૂપ છે,

સમૃદ્ધિ ઐશ્વર્ય ગૌરીનાં રૂપ છે,

એમના સપૂત તમે ધૈર્યશીલ દેવા…            વંદું…

 

વિદ્વાનોનાં પડછાયા સૌને ડરાવે,

તેથી સારા કામો કરવાં ન ફાવે,

આપનાં અભય માટે લાગે છે મેવા…           વંદું…

 

વાસનાના મૂષક ફૂંકી ફૂંકી ખાયે,

દર્દની એ પીડા પાછળથી જણાયે,

અંકુશમાં રાખી સવાર થાવ દેવા…              વંદું…

 

જીવન પ્રસાદ ધરે ઈશ્વરની સામે,

દૈવી બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિને પામે,

કુરૂપ સુરૂપ થાયે સમજાવો દેવા…               વંદું…

 

અંકુશથી પાપોની વૃત્તિ દબાવજો,

પરશુથી દુર્ગુણનાં મસ્તક સંહારજો,

મોદક આનંદ રૂપ દેજો હો દેવા…                 વંદું…

    ===ૐ===

હવે કરો આરામ.

સામાન્ય

સ્વાધ્યાયી કહી દો ‘દાદા’ને, આપ કરો વિશ્રામ;

જીવન રામને કામે ખરચ્યું, હવે કરો આરામ.

 

દુઃખ દર્દને મિત્રો કીધાં, અગવડના પ્યાલા પણ પીધા;

દેહ ધર્મની મર્યાદા ઓળંગી, કીધાં કામ…                                                       જીવન…

 

કટાક્ષના કંટક પણ વાગ્યા, અગન ક્રોધના ભડકા દાઝ્યાં;

હસતાં હસતાં સહન કર્યાં, સહુ જગનાં દુઃખ તમામ…                                         જીવન…

 

જ્ઞાની પંડિત સહુ વિરોધી બેઠાં, તમ કીર્તિ અવરોધી;

યોગેશ્વરની સહાય તમને, વિશ્વે ગાજ્યું નામ…                                                  જીવન…

 

ઋષિ દધીચિ આપ લાવ્યા છો, ઈશ કામે અસ્થિ હોમો છો;

મોટા મોટા ઈન્દ્રોના પણ, છૂટતા દોર દમામ…                                                 જીવન…

 

પાંડુરંગ છો ભાવ સમંદર, ભાવ ઝરણ સૌનાં છે અંતર;

આકર્ષી એ સઘળા સ્ત્રોતો, જગવ્યો સૌમાં રામ…                                              જીવન…

 

કર્મયોગ સૂરજ સમ કીધો, ભાવે શ્યામને બાંધી દીધો;

ઉજ્જડ ને ઉજ્વળ છે કીધું, જીવન યાત્રા ધામ…                                                જીવન…

 

પ્રભુકાર્ય આપે બહુ કીધું, ઈશ મારગનું ઘડતર કીધું;

સૂચન કરો અમને શું કરવું, નહીં થઈએ ગુમનામ…                                           જીવન…

    ===ૐ===

વૈશાખ સુદ ચૌદસ, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૩-૫-૮૫.

હૃદયની વાત કહેવી છે.

સામાન્ય

ઘડીક બેસો તમે સામે હૃદયની વાત કહેવી છે,

વ્યથાઓની કથા મારાં ગણીને તમને કહેવી છે.

 

તીરો ને ખંજરોના ઘાવ દિલની ઢાલ પર ઝીલ્યાં,

ટપકતા રક્તથી ખુશ્બો પ્રણયની આજ દેવી છે…

 

સળગતા સૂર્યની લાલી અમારાં નેણમાં વસતી,

નયનની મૂક ભાષાને શબ્દમાં તમને કહેવી છે…

 

પ્રભુ પાષાણના ટપલાથી મટકી કેમ ટીપે છે?

અરે! પાણીની ધારાએ તૂટે એવી આ મ્હોલત છે…

 

હવે ઝગડા નથી કરવા અમે સંધિ કરી લીધી,

ઝગડવું ક્યાં? નસીબ કે આપની સાથે એ મૂંઝવણ છે…

 

પીવી છે એક પ્યાલી આપને હાથે ભૂલાવા દર્દ દુનિયાના,

ભલે ખાલી હશે કરજો અભિનય એમ કહેવું છે…

        ====ૐ===