Tag Archives: દર્શન

નવી વિજયાદશમીના મેં દર્શન કીધાં.

સામાન્ય

એને ચહેરે ખુમાર અને મુખથી હુંકાર,

કૃતિ ભક્તિના શસ્ત્રોના પૂજન કીધાં,

નવી વિજયાદશમીના મેં દર્શન કીધાં…

 

પોતાની શક્તિની સીમાઓ બાંધી,

જીવન પ્રતિભાની સરહદ પણ આંકી,

એવી સીમાઓ ઓળંગી પગરણ કીધાં…        નવી વિજ્યાદશમીનાં…

 

પાયલને સુણીએ ઘાયલ થશે ના,

પ્યાલીમાં ડૂબીને ડૂબી જશે ના,

જીવ સ્વાર્પણની વેદીમાં હોમી દીધાં…          નવી વિજ્યાદશમીનાં…

 

ક્ષત્રિયનું શૌર્ય આજ મલકી રહ્યું છે,

ક્ષાત્રતેજ નિર્બળતા બાળી રહ્યું છે,

આજ આસુરી વૃત્તિનાં મૃત્યુ દીઠાં…              નવી વિજ્યાદશમીનાં…

 

બ્રહ્મતેજ વેદના વિચારને વહાવશે,

ક્ષાત્રતેજ અવરોધો સઘળા હટાવશે,

તેથી યોગેશ્વર નયણાં ને હસતાં દીઠાં…          નવી વિજ્યાદશમીનાં…

 

રામ અને કૃષ્ણ રગેરગમાં વસ્યા છે,

પાંડુરંગ દિલને દિમાગમાં રમ્યા છે,

ધર્મ સંસ્કૃતિ જૌહર અટકાવી દીધાં…             નવી વિજ્યાદશ્મીનાં…

===ૐ===

આસો સુદ સપ્તમી, સં. ૨૦૪૧, રવિવાર. તા. ૨૦-૧૦-૮૫. (મુંબઈ પ્રમુખાનંદ હોલ).

‘પાંડુરંગ’ નાચતો પાંડુરંગ સામે.

સામાન્ય

તીર્થરાજ મિલનને પવિત્ર ધામે,

‘પાંડુરંગ’ નાચતો પાંડુરંગ સામે.

 

માનવને માનવમાં ઈશ્વર બતાવ્યો,

મનના મરેલને જીવન સાર આપ્યો,

દૈવી વિચાર કહી દેવાને બહાને…              પાંડુરંગ…

 

કામગરા કીધાં તેં કામચોર લોકને,

કર્મનું નૈવૈદ્ય દેતા કૃષિને ઉપવને,

ભક્તિની શક્તિનું દર્શન એ પામે…          પાંડુરંગ…

 

મૂર્તિપૂજાનું સ્વરૂપ સમજાવ્યું,

સપનું કુમારિલનું સાચું ઠરાવ્યું,

આચાર્ય શંકરનું હૈયું નચાવે…                  પાંડુરંગ…

 

યાત્રા અનોખી જગતને બતાવી,

જીવને મળી શિવપૂજા કરાવી,

પાપોને બાળી પાપી વૃત્તિને ડામે…            પાંડુરંગ…

 

દીનતા નિવારી ખુમારી જગાડે,

મહેનત વિણ લેવું ના સૌને શીખવાડે,

ભાવ કેરા તંતુથી જગને એ બાંધે…            પાંડુરંગ…

    ===ૐ===

આ પાંડુરંગ

સામાન્ય

(રાગ – મોરલી વેરણ થઈ… અને શિવરંજની)

 

શ્યામ વિના બીજો ન કોઈ,

    આ પાંડુરંગ શ્યામ વિના બીજો ન કોઈ.

યોગેશ્વર મૂરત મેં જોઈ,

    આ પાંડુરંગ શ્યામ વિના બીજો ન કોઈ.

 

મોર મુકુટ પીતાંબર છોડી શ્વેત વસ્ત્રો સોહે,

વાણીની બાંસુરી બજાવી મનડાં સૌનાં મોહે…                        આ પાંડુરંગ…

 

કૃષ્ણે સૌને ઘેલાં કીધાં વિધવિધ નાચ નચાવી,

પાંડુરંગે દિલડાં જીતી ભાવ સરિતા વહાવી…                          આ પાંડુરંગ…

 

પુંડલીકનો વિઠ્ઠલ બોડાણાનો એ રણછોડ રાઈ,

સ્વાધ્યાયીનો પાંડુરંગ એ વિધવિધ રૂપે પૂજાઈ…                    આ પાંડુરંગ…

 

ગોવર્ધન સંસ્કૃતિનો ઉંચક્યો ધર્મની રક્ષા કીધી,

संभवामि युगे युगे ની વાતો સાચી કીધી…                                આ પાંડુરંગ…

 

कृणवन्तो विश्वमार्यम् નું ગર્જન એણે કીધું,

कृष्णं वंदे जगद्गुरुम् નું મેં તો દર્શન કીધું…                                 આ પાંડુરંગ…

 

ઉપવનનો વનમાળી એ તો ’કૃષિ’ મહીં છે કન્હાઈ,

‘અમૃતાલયમ’ ની એ અમૃતધારા શાશ્વત શાંતિદાયી…            આ પાંડુરંગ…

    ===ૐ===

બીજો શ્રાવણ સુદ નોમ, સં.૨૦૪૧, શનિવાર. તા.૨૪-૮-૮૫.

હસતું જીવન

સામાન્ય

કાણું થયેલું વાસણ પાણી ભર્યુ નકામું,

કાળું થયેલું જીવન જીવ્યું બધું નકામું.

 

રોતાં રહેલાં નયનો હસવું કદી ખમે ના,

હસતાં રહેલ નયને દુઃખને હસાવી નાખ્યું. . .       કાણું. . .

 

ધનના જરીના પડદે દોષો ઘણા છૂપાયા,

ફાટ્યો નકાબ જે દિન અભડાઈ પાપ ભાગ્યું. . .    કાણું. . .

 

અંધાર ઓરડામાં ચિત્રો રસીલા રચવા,

રંગો અને રંગ્યા જીવન બગાડી નાખ્યું. . .            કાણું. . .

 

મોતે રચ્યું પ્રદર્શન વિધવિધ જીવનનું દર્શન,

જીત્યા હસેલ નયનો રોતું જીવ્યું નકામું. . .             કાણું. . .

=== ૐ ===

પાંડુરંગ નાચંતો “પાંડુરંગ” સામે.

સામાન્ય

ઉપવની ભૂમિના પવિત્ર ધામે,

પાંડુરંગ નાચતો “પાંડુરંગ” સામે…(૨)

 

મૂર્તિ પૂજાની વ્યાપકતા બતાવી,

“વધતી પ્રતિમા” ની ઝાંખી કરાવી,

કણ કણ માં ઈશ્વરનું દર્શન કરાવે…             પાંડુરંગ…

 

ભક્તિના સાધન તો એનાં છે નોખાં,

પાવડા તીકમ ને તગારાં અનોખાં,

લીધો તીકમ છોડી બાંસુરી કાન્હે…              પાંડુરંગ…

 

કર્મયોગી ભક્તોને પરસેવે ન્હાયો,

મનનો કુસુમહાર એણે સ્વીકાર્યો,

ઢેફાંનાં કુમકુમ શોભે છે લલાટે…                 પાંડુરંગ…

 

અર્થશાસ્ત્ર વેદોનું પીંછુ સજાવ્યું,

વિષ્ણુ ને લક્ષ્મીનું મિલન કરાવ્યું,

વૃક્ષોમાં વિષ્ણુના દર્શનને નામે…                પાંડુરંગ…

 

વ્યક્તિમાં ભક્તિની શક્તિ જગાવી,

આસક્તિ કાઢી અનાસક્તિ લાવી,

ઘડતો માનવને એ ઉપવનને સ્થાને…          પાંડુરંગ…

    ===ૐ===

જેઠ સુદ પડવો, સં. ૨૦૪૧, સોમવાર. તા. ૨૦-૫-૮૫.