Tag Archives: દિશા

આનંદે નાચતો નિવાસ.

સામાન્ય

ઊર્મિની ઈંટોથી સર્જ્યો આવાસ મેં,

આનંદે નાચતો કીધો નિવાસ મેં.

 

સંતાનોને સંતની મેં દિશા ચીંધી,

સંસ્કાર ઉપવીતની દીક્ષા છે દીધી,

બુદ્ધિની શુદ્ધિનો કીધો પ્રયાસ મેં. . .                      આનંદે. . .

 

પ્રિયવાણી પ્રિયાના મુખને શોભાવતી,

આતિથ્ય પૂજાથી ઘરને દિપાવતી,

સાચા મિત્રો કીધા મનનો શણગાર મેં. . .                આનંદે. . .

 

નિજના પરસેવે લક્ષ્મીજી આરાધીયા,

સાથ સાથ વિષ્ણુના ચરણો પખાળીયા,

વૈભવને માન્યો છે ઈશનો પ્રસાદ મેં. . .                  આનંદે. . .

 

જ્ઞાનની ઉપાસના ને કલ્યાણ ચાહના,

એ રીતે થાતી શિવજીની આરાધના,

મળતું ભોજન માન્યું સાચું મિષ્ટાન્ન મેં. . .              આનંદે. . .

 

સાચા સંતો એતો ઈશ્વરનાં દૂતો,

એવાં સાધુ કેરો સથવારો કીધો,

એવો ગૃહસ્થાશ્રમ તો ધન્ય થઈ ઝૂમે. . .                 આનંદે. . .

=== ૐ ===

વૈશાખ વદ ચૌદશ, સં. ૨૦૪૨, શુક્રવાર. તા. ૬-૬-૧૯૮૬.

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

તેથી આનંદે ઘૂમું હું ચૌદે ભવન.

સામાન્ય

(રાગ – મારાં દાદાને મારાં હૃદયનાં પ્રણામ…)

 

ઊડવાને મુજને મળ્યું છે ગગન,

તેથી આનંદે ઘૂમું હું ચૌદે ભવન.

 

ચિંતાનો ભાર આજે મનથી ઊતરી ગયો,

દુ:ખડાં નો બોજ વળી દિલથી ચાલી ગયો,

જીવન કુસુમ થકી ઊઠી ફોરમ…                    તેથી…

 

નયનો નિર્દોષતાને આજે નચવી રહ્યાં,

ચહેરા પર હાસ્ય તણાં મોજાં ઘૂઘવી રહ્યાં,

સાચી દિશામાં ચરણોનું ગમન…                    તેથી…

 

દિલનો ધનવાન થઈ જગમાં હું મ્હાલતો,

ખુશીઓનો બાગ મારાં તન મનમાં ફાલતો,

રણમાંથી આજે સરજાયું ઉપવન…                 તેથી…

 

જાદુ આ સ્વાધ્યાયે કીધો જીવનમાં,

સમજાવ્યો રાહ મને સાચો આ ભવમાં,

સુખ દુ:ખ સમજવાનું દીધું દર્શન…                  તેથી…

 

સ્વાધ્યાય મન બુદ્ધિ શુદ્ધિ કરાવતો,

ગીતા શણગાર મારું જીવન સમજાવતો,

પાંડુરંગે કીધું છે દિશા સૂચન…                       તેથી…

        ===ૐ===

પોષ સુદ બારસ, સં. ૨૦૩૮, ગુરુવાર. તા. ૭-૧-૮૨.

સોબત તમારી અમોને મળી છે.

સામાન્ય

(રાગ- खुदा जाने हम कहां जा रहे हैं. . .)

 

હજારો જીવનને દિશા સાંપડી છે,

હજારો કળી પુષ્પ થઈને ખીલી છે,

નૌકા હજારો કિનારે ગઈ છે.

સોબત તમારી અમોને મળી છે.

 

ખુમારીને જાણે બિમારી ચઢી’તી,

અને અસ્મિતા રાખ થઈને ઉડી’તી,

હવે તો નવી રોશનીની ચમક છે,

સોબત તમારી અમોને મળી છે.

 

ભૂલ્યાં રાષ્ટ્ર ગૌરવ બન્યાં સ્વાર્થ  સાધુ,

હણ્યાં નિજના માનવ લુંટીને ખાધું,

હવે પ્રેમની હુંફ સૌને મળી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

તૂંટયા કેન્દ્ર શ્રદ્ધા તણાં આ ભૂમિ પર,

વધ્યાં ભોગ સ્થાનો પ્રભુની ધરા પર,

હવે ભાવની મ્હેંક સઘળે રમી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

અધર્મે ધર્યો વેષ ધર્મીનો જ્યારે,

વળી પાપ પણ જ્યાં પ્રતિષ્ઠાને પામે,

તમે ધર્મ જોવાની દ્રષ્ટિ દીધી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

યૌવન ચઢયું’તું ખુવારીને ચાળે,

મિલકત ને સંસ્કાર સઘળુંય બાળે,

હવે આગ જ્યોતિ બનીને જલી છે,

સોબત તમારી અમોને મળી છે.

 

નિરાશા બળી આશા જ્યોતિ જલી છે,

હતાશા મરી કર્મધારા વહી છે,

હવે શૌર્યને પણ ગતિ સાંપડી છે,

સોબત તમારી અમોને મળી છે.

    ===ૐ===

ચૈત્ર સુદ ચૌદસ, સં. ૨૦૩૭, શનિવાર. તા. ૧૮-૪-૮૧.

જો જો કરમાય નહીં શ્રદ્ધા સુમન.

સામાન્ય

(રાગ – खिला मेरे आंगनमें भावनाका फूल )

 

જો જો કરમાય નહીં શ્રદ્ધા સુમન;

નહીં તો વિખરાઈ જાશે જીવન ફોરમ;

 

શ્રદ્ધા હીન માનવ એ અસ્થિ હીન દેહ છે;

દિશા વિનાની જાણે ભટકતી નાવ છે;

ખુદની શક્તિનું ન થાયે દર્શન . . .            જો જો . . .

 

યૌવન તો બગડ્યું એ વાતમાં ન માલ છે;

સમજીને પ્રશ્નો આ જીવવાનો કાળ છે;

સાથ સાથ કરવું શ્રદ્ધાનું પૂજન . . .             જો જો . . .

 

પૌરુષ પરાક્રમની સાધનાને જાણવી;

વેદ અને ઉપનિષદની વાણીને માણવી;

શ્રદ્ધાને દેવાં છે જ્ઞાનનાં નયન . . .            જો જો . . .

 

ભળતે ઠેકાણે ના શ્રદ્ધાને મુકવી;

તૂટી સંધાય નહીં વાત એ ન ભૂલવી;

ઈશ્વર છે કેવળ શ્રદ્ધાનું ભવન . . .                જો જો . . .

 

શ્રદ્ધાનાં બળથી તો પર્વત પણ ભાંગશે;

શ્રદ્ધાથી માનવ તો સાગરને લાંઘશે;

શ્રદ્ધાથી થાશે ઈશ્વરનું દર્શન . . .                જો જો . . .

    === ૐ ===

જેઠ સુદ પડવો, સં ૨૦૩૬, શુક્રવાર. તા. ૧૩-૬-૧૯૮૦.