Tag Archives: દુર્ગુણ

કાચા સૂતરની અતૂટ મારી રાખડી.

સામાન્ય

કાચા સૂતરની અતૂટ મારી રાખડી,

સ્નેહનો સમંદર વહાવતી એ આંખડી.                કાચા. . .

 

જીવનની લક્ષ્મણ રેખાને બતાડતી,

સંસ્કૃતિ ધર્મના અદેખાને ડારતી,

સંયમના દંડ સમી જાણેકે લાકડી.                          કાચા. . .

 

વીજળીનો ચમકારો એમાં સમાતો,

તીખારો દુષ્ટોને એનો દઝાડતો,

સ્વાપર્ણના યજ્ઞ તણી જ્વાળા છે ફાંકડી.                 કાચા. . .

 

ભાવ તણાં બંધનની એતો છે બેડી,

જીવન વિકાસ કાજ થાતી એ કેડી,

ચરણોમાં શક્તિને ભરતી થઈ ચાખડી.                    કાચા. . .

 

વ્યસનો ને દુર્ગુણથી એતો બચાવે,

વેદના વિચારોથી જીવન સજાવે,

કરતી તેજસ્વી જે જીંદગી છે રાંકડી.                         કાચા. . .

 

પાંડુરંગ  સૌનાં જીવનની છે રાખડી,

યોગેશ્વર ભાવથી ભરેલી છે આંખડી,

તેથી તો સઘળાંને મંઝિલ છે સાંપડી.                       કાચા. . .

=== ૐ ===

શ્રી ગણેશ દેવા.

સામાન્ય

(રાગ – વાણીની દેવી મા શારદા નમન તને…)

 

આદ્યશક્તિ માતા ને પિતા મહાદેવા,

વંદું હું વારંવાર શ્રી ગણેશ દેવા.

 

જ્ઞાન અને કલ્યાણ શિવનું સ્વરૂપ છે,

સમૃદ્ધિ ઐશ્વર્ય ગૌરીનાં રૂપ છે,

એમના સપૂત તમે ધૈર્યશીલ દેવા…            વંદું…

 

વિદ્વાનોનાં પડછાયા સૌને ડરાવે,

તેથી સારા કામો કરવાં ન ફાવે,

આપનાં અભય માટે લાગે છે મેવા…           વંદું…

 

વાસનાના મૂષક ફૂંકી ફૂંકી ખાયે,

દર્દની એ પીડા પાછળથી જણાયે,

અંકુશમાં રાખી સવાર થાવ દેવા…              વંદું…

 

જીવન પ્રસાદ ધરે ઈશ્વરની સામે,

દૈવી બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિને પામે,

કુરૂપ સુરૂપ થાયે સમજાવો દેવા…               વંદું…

 

અંકુશથી પાપોની વૃત્તિ દબાવજો,

પરશુથી દુર્ગુણનાં મસ્તક સંહારજો,

મોદક આનંદ રૂપ દેજો હો દેવા…                 વંદું…

    ===ૐ===

ચાલશે નહીં યુવાન થઈને સુંવાળા.

સામાન્ય

સંસ્કૃતિના મારગમાં પથ્થર અણિયાળા,

ચાલશે નહીં યુવાન થઈને સુંવાળા.

 

અર્જુનની માફક તો તારે લડવું પડશે,

અણગમતાં કામો પણ તારે કરવાં પડશે,

અંધારા દિલમાં જલાવ શૌર્ય જ્વાળા…              ચાલશે…

 

વજ્ર સમું વૃક્ષ કરી ઘાવો ઝીલવા પડશે,

મહેણાં ને ટોણાંનાં તીરો ખમવાં પડશે,

શાને પંપાળે તું દેહને રૂપાળા…                       ચાલશે…

 

આવતી સદીનો તું થઈજા ઘડવૈયો,

પાપના પ્રહાર સામે થાજે લડવૈયો,

દુર્ગુણના દારૂની છોડ મધુશાળા…                  ચાલશે…

 

દૈવી વિચારોનો વાહક તું થઈ જાજે,

મનની બીમારીનું ઔષધ તું થઈ જાજે,

પાંડુરંગ સંગ જઈ તોડ બધાં જાળાં…               ચાલશે…

    ===ૐ===

અષાઢ સુદ નોમ, સં.૨૦૪૧, ગુરુવાર. તા. ૨૭-૬-૮૫.

નવું વરસ.

સામાન્ય

(રાગ- દાદા ના કામને જુવો, આવ્યા છે પગ હવે)

 

ચાહું સ્મરણથી આપના, કે પ્રગટો નવું વરસ;

ને આપના કવનથી ગુંજો આજે નવું વરસ.

 

નવલા પ્રકાશથી તો ચમકે સંસ્કૃતિના કળશ;

રક્તાભિષેક કરવા દેવું નિજનું જીવન સરસ…                                ચાહું…

 

ભૂતકાળ હોય ભીષણ, પણ છે એને ભુલી જવો;

છે આજને સમજવાનો, પ્રગટયો નવો દિવસ…                               ચાહું…

 

ઉલટે પ્રવાહ વહેવા કાજે જોબન ખરું ચહે;

વિકરાળ કાળને ફેરવવો, થાવું ન એને વશ…                                ચાહું…

 

દુર્ગુણની આગ માંથી, માનવ કુલને બચાવવાં;

સદ્ગુણ સુધા પીને પીવડાવી ભરવો જીવનમાં રસ…                      ચાહું…

 

ઉજળી છતાંય પૂનમ પણ છે હોળી થઈ જતી;

કાળી દિપાવલીની કૂખે જન્મ્યું નવું વરસ…                                   ચાહું…

            ===ૐ===

કારતક સુદ નોમ (રંગ જયંતી), સં. ૨૦૩૯, ગુરુવાર. તા. ૨૫-૧૧-૮૨.

પ્રભુથી આવું ના સહેવાય.

સામાન્ય

(રાગ – ભાઈ મારે કરવો છે સ્વાધ્યાય…‌)

 

પ્રભુથી આવું ના સહેવાય… (૨) … ટેક

 

ચૌદ ભુવનનાં રચનારની આંખે જળ ઊભરાય,

એનું ઉત્તમ સર્જન માનવ આવો પાપી થાય…                        પ્રભુથી… (૨)

 

ખીલતી શૈશવ કળીને જ્યારે દુર્ગુણ કીડા ખાય,

સંસ્કારોથી વંચિત બચપણ કંટક સમ થઈ જાય…                 પ્રભુથી… (૨)

 

રસ ભરપૂર યુવાની જ્યારે કસ હીન થઈ રોળાય,

બળતી ગીતા રડતી સીતા તોય ન દિલ દુખાય…                    પ્રભુથી… (૨)

 

જામ મહીં જોબન છે ડુબ્યું દામ મહીં વેચાય,

ધર્મ અને સંસ્કૃતિ વેચે તોયે નહીં લજવાય…                         પ્રભુથી… (૨)

 

ઘડપણ ખાલી ખાલી દિસતું નિરાશા દેખાય,

જીવન ભાર થકી ઉગડું થઈ મોત મુખે હોમાય…                     પ્રભુથી… (૨)

 

તત્વજ્ઞાનની મોટી વાતો જીવનમાં ન જણાય,

ધર્મ ધુરંધર પંથ બનાવી વાડા કરતાં જાય…                          પ્રભુથી… (૨)

 

ડાળીને જળ સિંચન કરતા મૂળ સમૂળ ખવાય,

વૈદીક ધર્મ ડુબાડી સાચો ઈશનાં વેરી થાય…                         પ્રભુથી… (૨)

        ===ૐ===

માગસર સુદ બીજ (નરસિંહ મહેતા જયંતિ), સં. ૨૦૩૯, શુક્રવાર. તા. ૧૭-૧૨-૮૨.