Tag Archives: પંથ

દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો.

સામાન્ય

(રાગ – તમે સાચા સ્વાધ્યાયી બનો ઊઠો ઊઠો…)

 

તમે દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો…

હો ભાઈ દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો

 

તીર્થોનો રાજ ‘તીર્થરાજ’ છે પુકારતો,

એનાં શમણાંમાં રંગ પુરો પૂરો,

એ.. એ.. જ્ઞાની વૈજ્ઞાનિકના પ્રશ્નોના સૌ જવાબ,

દેશે ત્યાં પાંડુરંગ શૂરો શૂરો… રે                       દાદા…

 

પ્રશ્નોની જાળ મહીં ગૂંચવાયો માનવી,

તંત બધો આજ અહીં તૂટ્યો તૂટ્યો,

એ..એ.. બૌધિક સામાજીક આધ્યાત્મિક ઉત્તર મળ્યા,

નિજની શ્રદ્ધા જગાડી બેઠો કીધો… રે              દાદા…

 

ઊગ્યો છે ભાણ જગે શ્રદ્ધા વિશ્વાસનો,

સંસ્કૃતિ ધર્મ પ્રાણ રિઝયો રિઝયો,

એ.. એ.. પંથોના વાડાઓ સઘળા તૂટી રહ્યાને,

વૈદિક સંસ્કૃતિ માર્ગ ખૂલ્યો ખૂલ્યો… રે             દાદા…

 

સૈકાના અંધારાં દશકમાં વાળીયાં,

સાચો માનવ ઊભો કીધો કીધો

એ.. એ.. રડતી ભક્તિને વળી થોથલાં કરમ કાઢી,

સાચો જીવનનો રાહ ચીંધ્યો ચીંધ્યો… રે           દાદા…

 

આનંદો આજે ઓ દુનિયાના માનવી,

યુગને પલટાવનાર દીઠો દીઠો,

એ.. એ.. તીર્થરાજ પ્રાંગણમાં આજે મલકી રહ્યો,

યોગેશ્વર જોઈ ‘એને’ રીઝ્યો રીઝ્યો… રે             દાદા…

===ૐ===

કારતક વદ બારસ, સં. ૨૦૪૨, સોમવાર. તા. ૯-૧૨-૮૫.

મોત.

સામાન્ય

(મારું પ્રથમ ગીત, જે ૧૩ વર્ષની ઉંમરે લખેલું.)

 

મોત છોને આવતું, કદમ કદમ બઢાવતું;

ને જીંદગીના દંબદંબ, શ્વાસને રૂંધાવતું;

ભલે મળે. . .

દુઃખ દર્દ કેરો, એક કાંગરોયે તૂટશે;

તો માનશું કે જીંદગીમાં, મોત તો મરી ગયું.

 

હુસ્નના બજારમાં, ને ઈશ્કના લેબાસમાં;

જીવનસુધા ને ચૂસતાં, એ પાશવી પિશાચના;

ચંદ ચાંદી ટૂકડે, ખરીદતા સુહાગના;

પાપીઓના પાપના, કદમ કદીક તોડીશું. . .                             તો માનશું. . .

 

કલા તણા કલાધરોની, વાસનાના વાસમાં;

શ્યામ રાતડી સમા, એ ચકચકીત વાસમાં;

કરી કલાની કત્લને, ધરે નવા લેબાસમાં;

કલા તના એ પાશવી, કફનનું મોત આણશું. . .                        તો માનશું. . .

 

બાજે કાં દુંદુભી અરે! શું મોતનું મરણ થયું?

શું પાપીઓનાં પાપ લઈ, અગ્નિમાં જલી રહ્યું?

શું પ્રેમનાં અનંત ગીત, ઘૂંટવા મથી રહ્યું?

 

હર યુગે પ્રભુજી અવતરે, સદા અરે ખરે;

તેમ પાપ અવતરે છે, માનવી જીવન ખરે;

પાપ પણ પ્રભુજીના, ચરણ મહીં જો અર્પશું;

ઈશની કરુણા થકી, મોક્ષ પંથ પામશું. . .                                તો માનશું. . .

            === ૐ ===

સંસ્કૃતિની વાતો ઘૂમતી જાય.

સામાન્ય

(રાગ – ઘૂમતો ઘૂમતો જાય, આજ માનો ગરબો ઘૂમતો જાય)

 

ઘૂમતી ઘૂમતી જાય, સંસ્કૃતિની વાતો ઘૂમતી જાય;

ઘર ઘર ગામ ગામ જાય. . .                             સંસ્કૃતિની. . .

 

ભૂલેલો ઈશ પંથ પાછો બતાવતી;

જીવનનું ભાવગીત એ તો વગાડતી;

ઠામ ઠામ ગાતી જાય. . .                                સંસ્કૃતિની. . .

 

ભૂખ્યાં છે પેટ અને ભૂખ્યાં છે રુદિયા;

ખાલી છે માથાં વિચારો ભૂલાયેલા;

દૈવી વિચાર દઈ જાય. . .                                સંસ્કૃતિની. . .

 

નિર્ધન ધનિકોને સાથે બેસાડતી;

જ્ઞાની અજ્ઞાનીની મૈત્રી કરાવતી;

અસ્મિતા ભાવ દઈ જાય. . .                           સંસ્કૃતિની. . .

 

ગરબો આનંદ તણો થઈને એ ઘૂમતી;

ઘર ઘરમાં મસ્તી થઈ એ તો છે ઝૂમતી;

દાઝેલાં દિલ ખીલી જાય. . .                            સંસ્કૃતિની. . .

 

કાનાનું ગાન ગીતા ગૌરવ વધારતી;

જોમવંત ઉપનિષદ જીવન સમજાવતી;

વેદોનાં સુર સંભળાય. . .                                સંસ્કૃતિની. . .

 

પાંડુરંગ દાદા એ સંસ્કૃતિ ધામ છે;

સ્વાધ્યાય એ સંસ્કૃતિનું વિશ્રામ સ્થાન છે;

તેથી એ ખીલતી જાય. . .                                સંસ્કૃતિની. . .

            === ૐ ===

અધિક આસો સુદ બારસ, સં ૨૦૩૮, ગુરુવાર. તા. ૩૦-૯-૮૨.

પ્રભુ લીધો છે પંથ મેં તમારો.

સામાન્ય

 

પ્રભુ લીધો છે પંથ મેં તમારો;

મને કે’જો કે તું છે મારો;

પ્રભુ લીધો પંથ તમારો.

 

હું સ્વાર્થ મહીં બહુ રાચ્યો;

ધન વૈભવ જોઈ નાચ્યો;

જગ જંજાળે અટવાયો;

બધું છોડી હું યાચુ સહારો…                         પ્રભુ. . .

 

લલચાવે છો ને પ્રેય;

પણ સુખનો મારગ શ્રેય;

પીને ભક્તિનું પેય;

આવ્યો હું આપ સ્વીકારો…                        પ્રભુ. . .

 

ઈશ મારગ ના છે સહેલો;

નહીં બાળકનાં છે ખેલો;

પણ દોડું હું તો પહેલો;

લઈને હું પ્રભુનાં વિચારો…                        પ્રભુ. . .

 

આવે છે ઝંઝાવાતો;

ને ડગાવવા કંઈ વાતો;

પણ તોયે હું તો ગાતો;

તમ ગુણલા હરિ સ્વીકારો…                        પ્રભુ. . .

રસ્તો છે કંટક છાયો;

પણ દેખી ઈશ પડછાયો;

હું એનાં કામે નાચ્યો;

તમે તારો, મારો કે ઉગારો…                         પ્રભુ. . .

    === ૐ ===

માગસર વદ તેરસ, સં. ૨૦૩૭, શનિવાર. તા. ૩-૧-૮૧.

તેથી જન્મદિન મારો ઉજવવો છે.

સામાન્ય

(રાગ – મારે સૂતેલા દિલને જગાડવું છે)

 

મારે વિત્યાં વર્ષોનો તાગ કાઢવો છે;

તેથી જન્મદિન મારો ઉજવવો છે;

        નવા વર્ષે સંકલ્પ પાર પામવો છે;

        તેથી જન્મદિન મારો ઉજવવો છે.

 

સંકટનાં તોફાનો જીવન કંપાવતાં;

પલ પલનાં પાંદડાંને એતો ખંખેરતાં;

એનું ખાતર બનાવી બાગ સર્જવો છે. . .                    તેથી. . .

 

જીંદગીની કાલિમા મારે મિટાવવી;

આશાની ઝગમગતી જ્યોતિ પ્રગટાવવી;

સૂર આશાનો મારે ગજાવવો છે. . .                            તેથી. . .

 

“અડધી ગઈ જીંદગી આ” એવું ના બોલવું;

એવું કહી ઈશ્વરનું દિલ ના દૂભાવવું;

મળ્યો મોકો જીવનનો તે માણવો છે. . .                    તેથી. . .

 

ધન્યવાદ મારે ઈશ્વરને છે આપવો;

મૂલ્યવાન માનવનો દેહ એણે આપ્યો;

એનાં કરુણા સંદેશને સમજવો છે. . .                      તેથી. . .

 

માનવનાં મૂલ્યોનેમારે સમજવાં;

સમજી સમજીને જીવનમાં ઊતારવાં;

થયું કેટલું હિસાબ મારે કાઢવો છે. . .                        તેથી. . .

 

સાપ જાય તોયે લિસોટા દેખાય છે;

વ્યર્થ જીવે માનવ કો ચિન્હ ના જણાય છે;

મારે પ્રગતિનાં પંથને સરજવો છે. . .                        તેથી. . .

        === ૐ ===

કારતક સુદ નોમ(રંગ જયંતિ), સં. ૨૦૩૭, સોમવાર. તા. ૧૭-૧૧-૧૯૮૦.

(મારી પુત્રી ચિ. જાગૃતિનાં જન્મ દિવસે)