Tag Archives: પવન

છોડ માંહી રણછોડ.

સામાન્ય

(રાગ – મારા દ્વારીકાના નાથ તારી પાસ આવ્યો છું…)

 

છોડ માંહી રણછોડ જૂવો કેવો નાચે છે,

જૂવો કેવો નાચે છે પાને પાને રાચે છે…                                        છોડ…

 

ઊંચે ઊંચે ગગને જાતાં વધવાનું શીખવાડે,

અર્જનની સાથે વિસર્જન એ મહિમા ગવડાવે,

એ તો મૂંગા રહીને જીવનનો સંદેશ આપે છે…                                છોડ…

 

એની છાયા નીચે યોગી ઈશ સ્મૃતિ વાગોળે,

બળતાં માનવ એની છાંયે લે વિસામો ખોળે,

એ તો કુદરતનો દિધેલ ઉપહાર જાણે છે…                                    છોડ…

 

ઋષિ સમા અણનમ ઊભા છે પર હિત કરવા કાજે,

અનુકૂળતા પ્રતિકૂળતામાં એ ધપતાં આગે,

એ તો ખાઈને અંગાર પ્રાણ જગને આપે છે…                                 છોડ…

 

પવન અને વૃક્ષોની જામે સ્નેહ તણી ત્યાં યારી,

વાયુનાં ગલગલીયાંથી તો ગુંજે સ્નેહ સિતારી,

શ્યામ સમજીને એ કાળાં વાદળને સત્કારે છે…                              છોડ…

 

હાસ્ય ખીલેલાં પુષ્પો મીઠાં ફળ છે એની વાણી,

સ્થિરતા ને નિર્દોષ જીવનની વાતો તો સમજાણી,

એ તો કાષ્ટ બને તોયે પોતાની જાત બાળે છે…                             છોડ…

 

ગીતામાં યોગેશ્વર કહેતા “વૃક્ષ મહીં હું વસતો,

એના જેવું જે કો જીવતા તે જીવનમાં હસતો“,

વૃક્ષોમાં ઈશનું દર્શન પાંડુરંગ બતાવે છે…                                     છોડ…

                       ===ૐ===

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

થનગને યૌવન.

સામાન્ય

(રાગ – ધમ ધમી રહી ધરા, ગર્જી રહ્યું ગગન…)

 

વિશ્વ વિકૃતિને કાઢવાની છે લગન,

થનગને યૌવન થનગને યૌવન.

 

માનવીને માનવી નજીક આણવાં,

ભેદભાવ વેરઝેરને હટાવવાં,

ગુંજવું છે વિશ્વ મહીં સ્નેહનું કવન…                   થનગને …

 

જ્ઞાનની ગરીબી જગથી મિટાવવી,

દિલની દુર્બળતા પણ છે હટાવવી,

સૌંદર્યને નિરખવાનું આપવું નયન…                  થનગને …

 

કલેશ દ્વેષ સામે છે ભાવ રેડવો,

ક્રોધ સામે પ્રેમનો પ્રવાહ રેલવો,

કંટકો થશે બધાય સ્નેહનાં સુમન…                  થનગને …

 

અટકાવવાને સૂર્ય અગન જ્વાળ વેરશે,

સાગરો’ય માર્ગને કદીક રોકશે,

આગ પાણી કે ઊઠે આંધી તણો પવન…            થનગને …

 

જાગશે યુવાન વિશ્વને જગાવશે,

ધર્મ સંસ્કૃતિ મશાલને જલાવશે,

પાંડુરંગ પ્રેરતાં વયસ્થ સંચલન…                     થનગને …

    ===ૐ===

વૈશાખ સુદ નોમ, સં. ૨૦૩૭, મંગળવાર. તા. ૧૨-૫-૮૧.