Tag Archives: પુરુષ

માન સરવર

સામાન્ય

માન સરવર હંસની પાંખો બધે ફેલાઇ ગઈ,

‘શ્વેત નગરી’ જોતજોતામાં અહીં સર્જાઈ ગઈ.

 

પુરુષ સૂક્ત મહીં કહેલો પુરુષ ત્યાં પ્રગટી રહ્યો,

હજ્જાર મસ્તક ચરણ નયનોની ઝલક દેખાઈ ગઈ.

 

વેતન વિના તન અર્પીને પૂજા કરે પૂજારીઓ,

શક્યતા કંઈ છે નહીં કહેનારની જીભ બંધ થઈ.

 

વાયુ વરુણ ને અગ્નિએ પણ ચેનચાળા ખૂબ કર્યા,

‘દાદા’ની યોગેશ્વર પ્રતિ શ્રદ્ધાની ત્યારે જીત થઈ.

 

વિદ્વાન સંતો શાસકો આશ્ચર્યથી દિગ્મૂઢ બન્યા,

ભક્તિની શક્તિ સૌ સવાલોના જવાબો દઈ ગઈ.

 

ત્રિવેણીના સંગમ તટે જ્યાં તીર્થરાજ મિલન થયું,

ત્યાં પથ પ્રદર્શક પાંડુરંગી ચેતના પ્રગટી રહી.

 

વર્ષો પછીના બીજ થઈને વૃક્ષ ત્યાં ઝૂમી રહ્યા,

એંધાણ સતયુગના જણાયાં ને નિરાશા દૂર થઈ.

 

દેશ ને વિદેશના ચિંતક વદયા એકજ સૂરે,

પાંડુરંગ જ યુગ પુરુષ છે ના હવે શંકા રહી.

=== ૐ ===

ચૈત્ર સુદ સાતમ, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૧૬-૪-૧૯૮૬.

તારું હૃદય એવું ધામ.

સામાન્ય

તારું હૃદય એવું ધામ,

    જે મારી લાગણીઓનો મુકામ.

 

ઊર્મિને અંકુર જઈ બેઠો,

શોણિતમાં સરગમ થઈ પેઠો,

    મમતાળું મમ ગાન…                      જે મારી…

 

જીવન વનને ઉપવન કીધું,

મનને વૃંદાવન તેં કીધું,

    જાઉં બીજે શું કામ…                       જે મારી…

 

અંતરના અંધારાં કાપી,

શ્યામ મૂરત રુદિયામાં સ્થાપી,

    દીધું પરમ પદ ધામ…                    જે મારી…

 

પ્રભુને મુજમાં છે બહુ દૂરી,

સ્પર્શ ન સમજુ એ મજબૂરી,

    તું મારો વિશ્રામ…                         જે મારી…

 

યુગ દ્રષ્ટા તું યુગ પુરુષ તું,

જગ માનવનો માર્ગ દીપક તું,

    યુગ પરિવર્તન સ્થાન…                  જે મારી…

 

તુજને દેખી કળિયુગ કંપે,

તેથી હરિનું હૈયું જંપે,

    વિશ્વ સકળની શાન…                   જે મારી…

    ===ૐ===

અષાઢ સુદ એકાદશી(બીજી), દેવસુતી એકાદશી, સં. ૨૦૪૧, શનિવાર. તા. ૨૯-૫-૮૫.

કરું શંકર પૂજન.

સામાન્ય

(રાગ- થોડું બોલીને કરું કૃતિ જાજી…)

 

દુ:ખો ને દુર્ગુણનું કરવા શમન;

        કરું શંકર પૂજન.

 

જ્ઞાન કેરી આગને, એ ગંગાથી ઠારતાં;

એની લુખાશ કાઢી, ભાવના રેલાવતાં;

ભક્તિને જ્ઞાન તણું, દેતાં નયન…                            કરું. . .

 

માતેલો કામ, આખા જગને છે બાળતો;

ચારિત્ર્ય શીલની, પ્રતિમા સળગાવતો;

શંભુ કરતાં, તેથી કામનું દહન…                              કરું. . .

 

શિવ શક્તિ મેળવીને, ભસ્માસુર નાચતાં;

બીજાનું પામવાને, જગને જલાવતાં;

થાતું એવાંનું, તો ખુદથી પતન…                             કરું. . .

 

ઉંદર ને સાપ, મોર નંદી ને સિંહ જ્યાં;

શિવને આવાસ રહે, નાચે છે ભાવ ત્યાં;

વેર ઝેર કેરું, ત્યાં થાતું હનન…                              કરું. . .

 

જગ કેરાં ઝેર, એ તો કંઠ મહીં ધારતા;

કાઢે ના બહાર, એ તો જગને બચાવતાં;

નીલકંઠ શિવને, કરું હું નમન…                            કરું. . .

 

પુરુષ પ્રકૃતિનો, વિશ્વ મહીં ખેલ છે;

શિવને ઉમાની, રમતનો એ ભેદ છે;

નટરાજ શંભુનું, કરવું સ્મરણ…                             કરું. . .

    === ૐ ===

મહા વદ ચૌદસ, સં. ૨૦૩૭, ગુરુવાર. તા. ૫-૩-૮૧.