Tag Archives: પ્રેમ

દિલનાં દિલેર જુવો ભારતનાં ગામડાં.

સામાન્ય

(રાગ – ચાહો તો કાન તમે રમવાને આવજો…)

 

દિલનાં દિલેર જુવો ભારતનાં ગામડાં,

ભાગોળે સ્નેહનાં તલાવ હો જી…    રે…                        દિલનાં. . .

 

ધૂળમાં ખીલેલાં છે માનવનાં ફૂલડાં,

ભોળપણ ને ભાવનાનાં ઊછર્યાં અહીં કૂંડાં,

નયણામાં પ્રેમનાં ઝરણ હો જી…    રે…                        દિલનાં. . .

 

જગનાં છે અન્નદેવ ભારતનાં ગામડાં,

એની અવગણનાથી થાશે અહીંયા મડાં,

આદમ જાતિનો છે પ્રાણ હો જી…    રે…                        દિલનાં. . .

 

ધર્મ અને સંસ્કૃતિ એમનો સુહાગ છે,

શ્રધ્ધા ને ભક્તિથી ધબકતો શ્વાસ છે,

ઈશના વિશ્વાસનો મુકામ હો જી…    રે…                       દિલનાં. . .

 

વ્હેમથી પીસાયા ને અજ્ઞાને મારીયા,

એમનાં કલેવર ‘ડાહ્યા’એ સંહારીયા,

પીછાં વિણ મોર સમા હાલ હો જી…    રે…                    દિલનાં. . .

 

તરછોડ્યાં વિશ્વે ‘દાદા’એ સ્વીકાર્યાં,

‘ભારતના દિલ’ માંહી ચેતન પ્રગટાવીયાં,

પાંડુરંગ હૈયે નિવાસ હો જી…    રે…                              દિલનાં. . .

 

યોગેશ્વર કૃષિથી એતો છે શોભતાં,

અમૃતાલયમ સર્જી જગમાં છે ઓપતાં,

વિષ્ણુની લક્ષ્મીના સર્જક હો જી…    રે…                      દિલનાં. . .

    ===ૐ===

ચૈત્ર સુદ પૂનમ (હનુમાન જયંતી), સં ૨૦૪૧, શુક્રવાર. તા. ૫-૪-૮૪ (ગુડ ફ્રાઈડે).

વાઘરી પ્રભુનો થઈ ખેંચે છે શ્યામને

સામાન્ય

(हम तो चले जाते भगवन जहां बुलाते …)

 

વાર વાર ઘડી ઘડી રિઝવે છે શ્યામને,

વાઘરી પ્રભુનો થઈ ખેંચે છે શ્યામને…

 

વાત વાતમાં હરિની વાણી સમજાવતો,

ઘર ઘરમાં ઈશની કહાણી પોં’ચાડતો,

રીતભાતથી એની મોહે ઘનશ્યામને…                           વાઘરી…

 

વાઘ સમી ત્રાડ દીધી દૂષણને મારવા,

ઘર ખૂણે બેઠેલી ભક્તિ રેલાવવા,

રિપુઓને મારીને રીઝવે ભગવાનને…                           વાઘરી…

 

વાત્સલ્યે ખુદને ને જગને મહેંકાવતો,

ઘટ ઘટમાં ઈશ્વરની હાજરીને માણતો,

રિબાતાં જનમાં એ નચવતો રામને…                            વાઘરી…

 

વાસુદેવ વાસના થયો એના દિલમાં,

ઘટતો ના ભાવ એનો ઈશના ચરણમાં,

રિદ્ધિ સિદ્ધિ ગણતો પાંડુરંગ પ્રેમને…                             વાઘરી…

    ===ૐ===

મહા સુદ અગિયારસ – જયા એકાદશી, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૧-૨-૮૫.

મોત.

સામાન્ય

(મારું પ્રથમ ગીત, જે ૧૩ વર્ષની ઉંમરે લખેલું.)

 

મોત છોને આવતું, કદમ કદમ બઢાવતું;

ને જીંદગીના દંબદંબ, શ્વાસને રૂંધાવતું;

ભલે મળે. . .

દુઃખ દર્દ કેરો, એક કાંગરોયે તૂટશે;

તો માનશું કે જીંદગીમાં, મોત તો મરી ગયું.

 

હુસ્નના બજારમાં, ને ઈશ્કના લેબાસમાં;

જીવનસુધા ને ચૂસતાં, એ પાશવી પિશાચના;

ચંદ ચાંદી ટૂકડે, ખરીદતા સુહાગના;

પાપીઓના પાપના, કદમ કદીક તોડીશું. . .                             તો માનશું. . .

 

કલા તણા કલાધરોની, વાસનાના વાસમાં;

શ્યામ રાતડી સમા, એ ચકચકીત વાસમાં;

કરી કલાની કત્લને, ધરે નવા લેબાસમાં;

કલા તના એ પાશવી, કફનનું મોત આણશું. . .                        તો માનશું. . .

 

બાજે કાં દુંદુભી અરે! શું મોતનું મરણ થયું?

શું પાપીઓનાં પાપ લઈ, અગ્નિમાં જલી રહ્યું?

શું પ્રેમનાં અનંત ગીત, ઘૂંટવા મથી રહ્યું?

 

હર યુગે પ્રભુજી અવતરે, સદા અરે ખરે;

તેમ પાપ અવતરે છે, માનવી જીવન ખરે;

પાપ પણ પ્રભુજીના, ચરણ મહીં જો અર્પશું;

ઈશની કરુણા થકી, મોક્ષ પંથ પામશું. . .                                તો માનશું. . .

            === ૐ ===

ધનશ્યામ વસતા.

સામાન્ય

(રાગ – મારા દ્વારીકાના નાથ તારી પાસ આવ્યો છું…)

 

મારે હૈયાને મુકામ, ધનશ્યામ વસતા;

ઘનશ્યામ વસતા, મીઠું મીઠું હસતા…                                           મારે…

 

અહંકારનું ભોજન જમતા, પ્રેમ પીયૂષને પીતા;

ઈશ સમર્પિત કામોમાં, એ હોંસે રમતા;

મારા રુદિયાની સરકાર, ઘનશ્યામ વસતા…                                 મારે…

 

લાગણીઓને યમુના કાંઠે, નૃત્ય મહીં છે ઝુમતા;

જીવનની રાગિણી ગોપી, એને રાસ નચવતા;

મારા દિલડાને દરબાર, ઘનશ્યામ વસતા…                                  મારે…

 

શ્વાસે શ્વાસે બજે બાંસુરી, હોંશે કા’ન બજવતા;

વ્હાલા ને નટખટ બાલમજી, આમ તેમ ચીડવતા;

મારા જીવનનો સરતાજ, ઘનશ્યામ વસતા…                                મારે…

 

ભવ સાગરથી ભાવ સાગરે, શ્યામ મને લઈ જાતા;

ક્ષાર સમુદ્રેથી ક્ષીર સાગર, લઈને છે સંચરતા;

મારા જીવનનો મુકામ, ઘનશ્યામ વસતા…                                   મારે…

 

ગીતાનું ગીત ગાતા નટવર, જગ નીંદર ને હરતા;

પાંડુરંગ એ પાવન વાણી, લઈને વિશ્વે ઘુમતા;

મારા પૌરુષનો પડકાર, ઘનશ્યામ વસતા…                                  મારે…

                      ===ૐ===

ફાગણ વદ દસમ, સં. ૨૦૪૦, સોમવાર. તા. ૨૬-૩-૮૪.

હવે થા વૃત્તિનો યુવાન.

સામાન્ય

(રાગ – હવે તને ઝાઝું શું કહેવું યુવાન…)

 

ભલે તું ઉંમરનો છે યુવાન,

    હવે થા વૃત્તિનો યુવાન…

 

ભલે તું દેહને શણગારે,

    સજાવ તું મનને વિચારે,

તું ધરજે વેદ વિચાર પરિધાન…                                હવે થા…

 

પ્રભુએ દીધા તુજને હાથ,

    કરી લે સાચો તું પુરુષાર્થ,

ન જમતો માગણીયો થઈ ધાન…                             હવે થા…

 

બતાવજે સાચી શૂરવીરતા,

    જીવનમાં લાવજે ગંભીરતા,

મિટાવજે ખોટાં તું અભિમાન…                                હવે થા…

 

હૃદયમાં સ્નેહનો છે વસવાટ,

    તું દેજે એને સાચી વાટ,

પ્રભુ પ્રેમ પીને થજે ધનવાન…                               હવે થા…

 

નથી તું ભોગનો કીડો ભાઈ,

    તું કરજે યોગથી ઈશ સગાઈ,

તું તો છે અમૃતનું સંતાન…                                    હવે થા…

 

તને સંસ્કૃતિ પોકારે,

    ને તેથી દાદા સંભારે,

તું એમનાં કરજે પૂરાં અરમાન…                              હવે થા…

    ===ૐ===

માગશર સુદ ચોથ, સં. ૨૦૪૦, ગુરુવાર. તા. ૮-૧૨-૮૩, ભાવનગર.