Tag Archives: ભક્તિ

ભક્તનાં લક્ષણો

સામાન્ય

કરૂણાકર કૃષ્ણ ધનંજયને; ભક્તોનાં લક્ષણ વર્ણવતા,
ઈશ્વર પોતાના શ્રીમુખથી; ભક્તોનું ગુણવર્ણન કરતા . . .

 

કોઈનો દ્વેષ કદી ન કરે; મૈત્રી તો સૌની સાથ કરે,
કરૂણા નિર્ઝર છલકાવીને; “નથી મારું” કહી હરિપદ ધરતા . . .

 

અહંકાર બાળી નાખે; સુખ દુ:ખમાં મનને સ્થિર રાખે,
પાપીનાં પાપો નહીં દેખી; માફી દઈને મન ખુશ રહેતા . . .

 

સંતોષી પ્રાપ્ત થયું તેમાં; થૈ યોગી સતત રમે ઈશમાં,
ઈંદ્રિયો દેહ કરે વશમાં, મન બુદ્ધિ ઈશ ચરણે ધરતા . . .

 

ઉદ્વેગ બીજામાં નહીં કરતા; ઉદ્વિગ્ન બીજાથી ના થાતા,
ઉન્નતિ કે ભય ને હર્ષ દુ:ખોથી; મુક્ત બની જગમાં ફરતા . . .

 

ના હર્ષ મહીં ઘેલા થાતા; નહીં દ્વેષ કરી ભૂંડા થાતા,
ના શોક મહીં ડૂબી જાતા; નહીં પાગલ ઈચ્છા કાજ થાતા . . .

 

એ શુભ અશુભ કર્મો ત્યાગો; પરિણામોથી એ દૂર રહેતા,
એ ભક્તિ સભર ભક્તો દેખો; પરમેશ્વરને હૈયે વસતા . . .

 

જે શત્રુ મિત્ર સમાન ગણે; અપમાન માન સમતાથી જૂવે,
સમાન ગણે જે સુખ દુ:ખને; આસક્તિ વસ્ત્રો દૂર કરતા . . .

 

નીંદા ને સ્તુતિમાં સમ રહેતા; થઈ મનનશીલ મૌને રમતા,
જે કંઇ મળતું સંતોષ ધરે; રહેઠાણ મહીં ના ચિત્ત ધરતા . . .

 

જે પ્રભુમાં દ્રઢ શ્રદ્ધા સેવે; ને ધર્મામૃતનું પાન કરે,
જેને શ્રીહરિ ખૂબ ખૂબ ગમતા; શ્રીહરિને ભક્તો ખૂબ ગમતા . . .

=== ૐ ===

ભાદરવા વદ ચોથ, વિક્રમ સંવત ૨૦૭૧, ગુરુવાર. તા. ૧-૧૦-૨૦૧૫.

Advertisements

મને ગમે છે!

સામાન્ય

આનંદથી છલકતાં, નયનો મને ગમેછે;

કારૂણ્યથી ભરેલું, હૈયું મને ગમે છે.

 

જોઈ મેં ચાલ તારી, જે સિંહની સવારી;

ગૌરવની એ ખુમારી, તારી મને ગમે છે. . .

 

કેવું વિશાળ હૈયું! સૌને સમાવનારું;

સૌનું છતાંય મારું, એ ઘર મને ગમે છે. . .

 

પ્યાલો લીધો છે તારા “ગુરુલીલામૃતમ્”નો;

ના ઓડકાર આવે, પીવું મને ગમે છે. . .

 

ઝાંઝર બજી રહ્યાં છે, બાવનીનાં તારી;

સંકટ મિટાવી સૌનાં, ખુશીઓ બધે વહે છે. . .

 

ખેંચાય જ્યાં ભૃકુટિ, તાંડવના તાલ ઉઠતાં;

હસતાં નયન કે ખીલતી, સૃષ્ટિ મને ગમે છે. . .

 

તું કેમ બહુ ગમે છે? કારણ ન મારી પાસે;

બસ! એમ પણ ગમે છે ને તેમ પણ ગમે છે. . .

=== ૐ ===

નારેશ્વર મારું વૃંદાવન

સામાન્ય

નારેશ્વર મારું વૃંદાવન …

રમતા અવધૂત તે મુજ ચિતવન … નારેશ્વર

શાંતિનો મહાસાગર છલકે, બ્રહ્માનંદે મુખડું મલકે,
રંગ અગોચર દત્ત નીરખતા, અવધૂતાનું થાતું ચિંતન … રમતા

 

મયુર ભુજંગે વેર ભૂલ્યાં જ્યાં, કીધાં નૃત્ય અહિંસક થૈ ત્યાં,
સ્મશાન બનીયું મોક્ષપુરીને, દેવો પણ ત્યાં કરતા કીર્તન … રમતા

 

કલ કલ ગાતી રેવા વહેતી, દર્શનથી તે પાવન કરતી,
સૌનાં પાપ મલિનતા ધોતી, મધુર મધુર મલકાવે સ્પંદન … રમતા

 

અવધૂતી દરબાર નિરાળો, તૂટે જગની સૌ જંજાળો,
દુ:ખ હરણ આનંદ નીધિ દે, રંગ બાદશાહીનું દર્શન … રમતા

 

મમતા ભાગે સમતા જાગે, દેવદ્રષ્ટિ થાતી અનુરાગે,
દીન મટી દાનેશ્વર કરતું, રંગાનું દૈવી નયનાંજન … રમતા

=== ૐ ===

અત્રીનંદન

સામાન્ય

અત્રીનંદન આવો પ્રભુજી,

અનસૂયા સૂત આવો.

 

અત્રી ઋષિના આપ છો વંશજ,

બ્રહ્મા વિષ્ણુ શિવના અંશજ,

ભક્તો કાજ પધારો…              પ્રભુજી…

 

પરબ્રહ્મે સાકારીત રૂપ લીધું,

સહુને સઘળું અર્પી દીધું,

તેથી ‘દત્ત’ કહાવો…               પ્રભુજી…

 

કમંડલે જીવન જલ છલકે,

માલાથી નામ સ્મરણથી મલકે,

જીવન પ્રભુમય થાઓ…         પ્રભુજી…

 

ઘોર નીંદરે પોઢ્યા જનને,

ડમરુ જગવે પ્રમાદીઓને,

ત્રિશૂલે ત્રણ શૂળ મીટાવો…    પ્રભુજી…

 

સૂણો અનાહત શંખધ્વનિ થી,

જન્મ મરણને હણવા પ્રભુજી,

ચક્ર સુદર્શન ધારો…                પ્રભુજી…

 

ભવ સાગરને તરવો મારે,

નામ સ્મરણની નૌકા તારે,

શરણે દત્ત સ્વીકારો…             પ્રભુજી…

=== ૐ ===

આસો સુદ પુનમ “શરદ પૂર્ણિમા”, સં. ૨૦૬૯, શુક્રવાર. તા. ૧૮-૧૦-૨૦૧૩.

હે સદાશિવ

સામાન્ય

હે સદાશિવ હે મહેશ્વર, વંદના સ્વીકારજો;

આદિ દેવ જગતપિતા હે, સ્મરણ રસ પીવડાવજો.

 

ધવલ ગીરી શૃંગે, તમે સ્થિર આસને બિરાજતા;

ચંદ્ર રેખા ભાલ પર, ને જાહ્નવી શીશ ધારતા;

ભસ્મ લેપનથી પ્રભુજી, દેહને નીખારજો…                  હે સદાશિવ…

 

ધીન્ તડક થૈ, ધીન્ તડક થે, નૃત્ય મુદ્રા શોભતી;

તાંડવે સૃષ્ટિ સકળ થઈ, એક રૂપે ઓપતી;

હર અણુ બ્રહ્માંડમાં, ઈશ નૃત્ય લીલા નચવજો…        હે સદાશિવ…

 

નૃત્ય સંગીત ગીતના આચાર્ય છો નટરાજ હે;

વિદ્યા કલા ગુરુવર્ય છો, જગમાં પ્રથમ ધીરાજ હે;

જ્ઞાન ને કલ્યાણની રીમઝિમ વિભુ રેલાવજો…           હે સદાશિવ…

 

રુદ્ર વીણા બજવતા, મુજ હૃદય વીણા ઝણઝણે;

ડમ્ ડમક ડમરુ બજે, ત્યાં ઊર્મિ સાગર ધમકે;

દુ:ખ હર કલ્યાણ કર, શિવ ચરણ શરણું આપજો…     હે સદાશિવ…

=== ૐ ===

શ્રાવણ વદ અમાસ, સં. ૨૦૫૫, ગુરુવાર. તા. ૯-૯-૧૯૯૯.

તુજને વંદના

સામાન્ય

તુજને વંદના…

ભગવન… તુજને વંદના…

તું પાપ વિનાશક, દુર્ગુણ શામક મમ દુ:ખ ભંજના…   તુજને વંદના…

 

શિવ મહીં થી જીવ થયો હું,

ગર્વ મહીં ગર્જ્યો ખુબ “હું હું”,

હું સુણવા ચાહું, સંગીત તારું મમ મન રંજના…        તુજને વંદના…

 

વણ માગ્યું તેં મુજને અર્પ્યું,

હૈયામાં સ્નેહામૃત સીંચ્યું,

હું અશ્રુ સલીલથી, કરવા ચાહું તારી અર્ચના…         તુજને વંદના…

 

વિશ્વ સજાવ્યું રસ રૂપે ગંધે,

સ્પર્શ સૂરથી જગ આનંદે,

હું નર્તન કરતો ઝૂમું, સુણતો સ્વર આનંદના…         તુજને વંદના…

 

જગદીશની સંગાતે નાતો,

જગ વ્યવહારે ના લેપાતો,

લે સૃષ્ટિસર્જક શરણે, એવી મુજને ઝંખના…            તુજને વંદના…

=== ૐ ===

માગસર વદ ચોથ, સં. ૨૦૫૦, શનિવાર. તા. ૧-૧-૧૯૯૪.

दास्यं।

સામાન્ય

કર્યું મેં સમર્પણ પ્રભુ તે સ્વીકારો,

વળી સાથ લાવ્યો અહંકાર મારો.

 

પળે પળ સ્મરણ હો હૃદયમાં તમારું,

સેવા મહીં જાય આયુષ્ય મારું,

રહે ખ્યાલમાં આપના બસ વિચારો. . .    કર્યું મેં . . .

 

તડપ હો દિલે આપના દર્શનની,

વિભુ! દઉં હું સત્કર્મની ફૂલદાની,

મારી કૃતિ આપ સ્મૄતિમાં ધારો. . .        કર્યું મેં . . .

 

ધરી વાસના ને વિકારો તમોને,

અભિષેક હું પ્રેમનો દઉં તમોને,

તમે થાવ માલિક હું નોકર તમારો. . .    કર્યું મેં . . .

 

નથી કાંઇ કરવું નથી કાંઇ ભરવું,

હો ઈચ્છા તમારી તે કામ કરવું,

હૃદય મંદિરે આપ સ્નેહે પધારો. . .        કર્યું મેં . . .

=== ૐ ===

માગસર વદ તેરસ, સં. ૨૦૫૪, ગુરુવાર. તા. ૨૭-૧૧-૧૯૯૭.