Tag Archives: મસ્તક

માન સરવર

સામાન્ય

માન સરવર હંસની પાંખો બધે ફેલાઇ ગઈ,

‘શ્વેત નગરી’ જોતજોતામાં અહીં સર્જાઈ ગઈ.

 

પુરુષ સૂક્ત મહીં કહેલો પુરુષ ત્યાં પ્રગટી રહ્યો,

હજ્જાર મસ્તક ચરણ નયનોની ઝલક દેખાઈ ગઈ.

 

વેતન વિના તન અર્પીને પૂજા કરે પૂજારીઓ,

શક્યતા કંઈ છે નહીં કહેનારની જીભ બંધ થઈ.

 

વાયુ વરુણ ને અગ્નિએ પણ ચેનચાળા ખૂબ કર્યા,

‘દાદા’ની યોગેશ્વર પ્રતિ શ્રદ્ધાની ત્યારે જીત થઈ.

 

વિદ્વાન સંતો શાસકો આશ્ચર્યથી દિગ્મૂઢ બન્યા,

ભક્તિની શક્તિ સૌ સવાલોના જવાબો દઈ ગઈ.

 

ત્રિવેણીના સંગમ તટે જ્યાં તીર્થરાજ મિલન થયું,

ત્યાં પથ પ્રદર્શક પાંડુરંગી ચેતના પ્રગટી રહી.

 

વર્ષો પછીના બીજ થઈને વૃક્ષ ત્યાં ઝૂમી રહ્યા,

એંધાણ સતયુગના જણાયાં ને નિરાશા દૂર થઈ.

 

દેશ ને વિદેશના ચિંતક વદયા એકજ સૂરે,

પાંડુરંગ જ યુગ પુરુષ છે ના હવે શંકા રહી.

=== ૐ ===

ચૈત્ર સુદ સાતમ, સં. ૨૦૪૨, બુધવાર. તા. ૧૬-૪-૧૯૮૬.

શ્રી ગણેશ દેવા.

સામાન્ય

(રાગ – વાણીની દેવી મા શારદા નમન તને…)

 

આદ્યશક્તિ માતા ને પિતા મહાદેવા,

વંદું હું વારંવાર શ્રી ગણેશ દેવા.

 

જ્ઞાન અને કલ્યાણ શિવનું સ્વરૂપ છે,

સમૃદ્ધિ ઐશ્વર્ય ગૌરીનાં રૂપ છે,

એમના સપૂત તમે ધૈર્યશીલ દેવા…            વંદું…

 

વિદ્વાનોનાં પડછાયા સૌને ડરાવે,

તેથી સારા કામો કરવાં ન ફાવે,

આપનાં અભય માટે લાગે છે મેવા…           વંદું…

 

વાસનાના મૂષક ફૂંકી ફૂંકી ખાયે,

દર્દની એ પીડા પાછળથી જણાયે,

અંકુશમાં રાખી સવાર થાવ દેવા…              વંદું…

 

જીવન પ્રસાદ ધરે ઈશ્વરની સામે,

દૈવી બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિને પામે,

કુરૂપ સુરૂપ થાયે સમજાવો દેવા…               વંદું…

 

અંકુશથી પાપોની વૃત્તિ દબાવજો,

પરશુથી દુર્ગુણનાં મસ્તક સંહારજો,

મોદક આનંદ રૂપ દેજો હો દેવા…                 વંદું…

    ===ૐ===

મને થોડું માખણ અપાવને.

સામાન્ય

મને થોડું માખણ, અપાવને ઓ માવડી;

કરગરતો વીનવું છું, પકડું હું પાવડી…                            મને…

 

ગોપીએ મનડાનું નવનીત બનાવીયું,

દિલડાની દોણીમાં એને હલાવીયું,

યુગ યુગની ભૂખ છે, મટાડને ઓ માવડી…                      મને…

 

ફોડું હું મટકી તો રોશે ભરાય છે,

મળતો ના કો’ક દી તો આંસુ ઊભરાય છે,

સ્નેહનો સ્વભાવ કેવો, કે’ને ઓ માવડી…                      મને…

 

ખેલવાના થોડા રહ્યા છે હવે દા’ડા,

રમવાના કાવાદાવાના અખાડા,

પસ્તાશે પાછળથી, કહી દેજે માવડી…                           મને…

 

વ્રજની વનિતાને હૈયું છે આપીયું,

મસ્તક મથુરાને કાજે મેં રાખીયું,

હૈયાને તડપનની, આદત છે માવડી…                            મને…

    ===ૐ===

શ્રાવણ વદ બીજ, સં. ૨૦૪૦, સોમવાર. તા. ૧૩-૮-૮૪.

શંભુ મને લલચાવતા.

સામાન્ય

વિશ્વ તરછોડે તોયે સ્વીકારતા,

હાં… રે… તેથી શંભુ મને લલચાવતા… (૨)

 

રંગ કે સુગંધ હીન પુષ્પને સ્વીકારીયા,

આકડો ને ધતૂરો મસ્તક પર ધારીયા,

મહીં ફોરમ સદાશિવ રેલાવતા…                                હાં… રે…

 

શક્તિનો પુંજ છતાં અજ્ઞાની પોઠિયો,

પોતાનો સ્થાપીને વાહન બનાવીયો,

જુઓ જ્ઞાન અને અજ્ઞાન ભેટતાં…                             હાં… રે…

 

રાખ છતાં અંગ ધરી શાખ તે વધારી,

સ્ખલનશીલ ચંદ્ર શીશ ધરી આગ ઠારી,

તમે હૈયાને ઝૂલે ઝૂલાવતા…                                     હાં… રે…

 

વરવાં લાગે છે રૂપ મારુતિ ગણેશનાં,

શોભાવે દ્વાર તોય આપના રવેશનાં,

આપ ગુણના સૌંદર્યને સજાવતા…                            હાં… રે…

 

વાસનાનાં ભૂત સદા સૌને રંજાડતાં,

એમની ભયાનકતા આપ છો નિવારતા,

બાળી વાસનાને શાંતિ વહાવતા…                            હાં… રે…

 

વિશ્વ તણાં વિષ પીને અમૃત પીવડાવતા,

પશુપતિ નાથ તમે સૌને અપનાવતા,

દેવ દાનવને માનવ પોકારતાં…                                હાં… રે…

            ===ૐ===

ભાદરવા સુદ બારસ, સં.૨૦૪૦, ગુરુવાર. તા. ૬-૯-૮૪.

મસ્તકમાં આવે તો તે હસ્તક થઈ જાય છે.

સામાન્ય

પુસ્તકમાં હોય એતો પાને રહી જાય છે,

મસ્તકમાં આવે તો તે હસ્તક થઈ જાય છે.

 

    છોને રાખે મોટાં થોથાં,

    તોયે ખાતો એતો ગોથાં,

મુખે રહેલું એજ સાચું કે’વાય છે…                                   પુસ્તકમાં…

 

    પાનાંમાં ચેતન ના હોયે,

    અક્ષર તોયે ક્ષર કહેવાયે,

હૈયાની ઈશ વાણીથી જીવન બદલાય છે…                       પુસ્તકમાં…

 

    પુસ્તકની માહિતી મળતી,

    તેથી અનુભૂતિ ના થાતી,

માહિતી અનુભવ થાતાં જ્ઞાની થવાય છે…                        પુસ્તક્માં…

 

    ગીતા ઉપનિષદ ને વેદો,

    સમજાવે જીવનનાં ભેદો,

મુખે કે’વાયા તેથી આજે હયાત છે…                                પુસ્તકમાં…

 

    દાદા સમજાવે છે એવું,

    રોજ બરોજે જીવવા જેવું,

પુસ્તકની વાતો તેથી સાચી સમજાય છે…                        પુસ્તકમાં…

                ===ૐ===

ફાગણ વદ બારસ, સં. ૨૦૪૦, ગુરુવાર. તા. ૨૯-૩-૮૪.