Tag Archives: મસ્તી

ચાલી વણઝાર જુઓ યાત્રાને ધામ.

સામાન્ય

(આ ગીત સ્વાધ્યાય પરિવાર દ્વારા રજુ કરાયેલી ઑડિઓ કેસેટ “તીર્થયાત્રા” માટે, શ્રી. અવિનાશ વ્યાસ દ્વારા સંગીતબદ્ધ થયેલું અને શ્રી સુરેશ વાડકર દ્વારા ગવાયેલું.)

હોઠે હરિનામ, દિલે ઈશ્વરનું કામ;

ચાલી વણઝાર જુઓ યાત્રાને  ધામ.

 

યાત્રાનાં સ્થાનોની ધૂળ તો ગુલાલ છે,

વાયુની લહરીથી હૈયું ખુશહાલ છે,

પીવડાવે મસ્તીનો જામ…                           ચાલી…

 

પ્રગટયા’તા ઈશ્વર એ ભાવના મધુર છે,

કીધાં’તા કામો એ વાતો મશહૂર છે,

થાતાં એ પ્રેરણા મુકામ…                           ચાલી…

 

સ્વાર્થ અને લાલચના પડમાં દટાયેલાં,

ધામો સૌ ગંદકીને પાલવ છુપાયલાં,

ધોવાને માંડયો સંગ્રામ…                           ચાલી…

 

ગાંડી ભક્તિનું પ્રદર્શન દિસે નહીં,

જ્ઞાન અને ભક્તિનું દર્શન થાતું અહીં,

રુદિયામાં પ્રગટાવી રામ…                         ચાલી…

 

સ્વાધ્યાયી શૂરાઓ નિકળ્યાં મેદાનમાં,

પાંડુરંગ સાથ મહીં તેથી ગુમાનમાં,

પ્રગટાવી ક્રાંતિ મશાલ…                           ચાલી…

    ===ૐ===

શ્રાવણ સુદ તેરસ, સં. ૨૦૩૯, રવિવાર. તા.૨૧-૮-૮૩.

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

જીવનમાં બાલશી મસ્તી રમાડી.

સામાન્ય

હૃદયમાં ભાવની ભરતી, વદન પર હાસ્ય છલકે છે;

જીવનમાં બાલશી મસ્તી રમાડી, ભક્ત મલકે છે.

 

જીવન એનું પ્રભુ દર્પણ, પ્રભુ પ્રતિબિંબ એ દિસતો;

ખીલેલાં પુષ્પ સમ ખીલતો, બીજા જનને ય ખીલવતો;

મુખે ઝરતાં શબ્દમાંથી, પ્રભુની વાણ છલકે છે. . .                       જીવનમાં. . .

 

પ્રભુનો ભક્ત તો છે, જીવતી આનંદની મૂર્તિ;

ન ઢૂકતાં ક્લેશ એની પાસ, એ છે પ્રમની પૂર્તિ;

વળી સંતોષ એની જીંદગીને, પુષ્ટિ અર્પે છે. . .                            જીવનમાં. . .

 

ખરી ભક્તિ તો મન, બુદ્ધિ ને હૈયાને ખીલવે છે;

ભરી આનંદ ને સ્ફૂર્તિ, પ્રભુ દિલમાં વસાવે છે;

જગતમાં મોજનાં રંગો ઊડાડી, ઐક્ય આણે છે. . .                       જીવનમાં. . .

 

અમે જાણ્યું કે ઈશ ભક્તો, ફરે રોતી સુરત લઈને;

જીવે છે હસવું, ગાવું, નાચવું, સઘળું ત્યજી દઈને;

ગીતા કે’છે ખરા ભક્તો, જીવન માધુર્ય પીરસે છે. . .                     જીવનમાં. . .

            === ૐ ====

આસો વદ તેરસ(ધન તેરસ), સં. ૨૦૩૫, ગુરુવાર. તા. ૧૮-૧૦-૧૯૭૯.

સંસ્કૃતિની વાતો ઘૂમતી જાય.

સામાન્ય

(રાગ – ઘૂમતો ઘૂમતો જાય, આજ માનો ગરબો ઘૂમતો જાય)

 

ઘૂમતી ઘૂમતી જાય, સંસ્કૃતિની વાતો ઘૂમતી જાય;

ઘર ઘર ગામ ગામ જાય. . .                             સંસ્કૃતિની. . .

 

ભૂલેલો ઈશ પંથ પાછો બતાવતી;

જીવનનું ભાવગીત એ તો વગાડતી;

ઠામ ઠામ ગાતી જાય. . .                                સંસ્કૃતિની. . .

 

ભૂખ્યાં છે પેટ અને ભૂખ્યાં છે રુદિયા;

ખાલી છે માથાં વિચારો ભૂલાયેલા;

દૈવી વિચાર દઈ જાય. . .                                સંસ્કૃતિની. . .

 

નિર્ધન ધનિકોને સાથે બેસાડતી;

જ્ઞાની અજ્ઞાનીની મૈત્રી કરાવતી;

અસ્મિતા ભાવ દઈ જાય. . .                           સંસ્કૃતિની. . .

 

ગરબો આનંદ તણો થઈને એ ઘૂમતી;

ઘર ઘરમાં મસ્તી થઈ એ તો છે ઝૂમતી;

દાઝેલાં દિલ ખીલી જાય. . .                            સંસ્કૃતિની. . .

 

કાનાનું ગાન ગીતા ગૌરવ વધારતી;

જોમવંત ઉપનિષદ જીવન સમજાવતી;

વેદોનાં સુર સંભળાય. . .                                સંસ્કૃતિની. . .

 

પાંડુરંગ દાદા એ સંસ્કૃતિ ધામ છે;

સ્વાધ્યાય એ સંસ્કૃતિનું વિશ્રામ સ્થાન છે;

તેથી એ ખીલતી જાય. . .                                સંસ્કૃતિની. . .

            === ૐ ===

અધિક આસો સુદ બારસ, સં ૨૦૩૮, ગુરુવાર. તા. ૩૦-૯-૮૨.

વર્ષાધાર વહાવીને હરિ જીવન ધાર વહાવે.

સામાન્ય

 

(રાગ – હાથ ફર્યો કીરતાર તણો… – શિવરંજની)

 

વર્ષાધાર વહાવીને હરિ જીવન ધાર વહાવે,

શુષ્ક હૃદય સંતપ હરિને નવ અંકુર પ્રગટાવે.

 

નભને પ્રાંગણ નૃત્ય કરે ઈશ ગડગડ શબ્દ ગજાવે,

સ્નેહ નૂપુર તુટતાં જલબિંદુ રીમઝીમ શબ્દે ગાવે…             વર્ષાધાર…

 

શેરી સઘળી સરિતા જેવી ધસમસતી વહી જાયે,

એમાં કાગળની નૈયા સમ જીવન વહેતું જાયે…                 વર્ષાધાર…

 

વિદ્યુત જેવું જીવન પણ જો ક્ષણભર ચમકી જાયે,

તિમિર મહીં થઈ તેજ લીસોટો પથદર્શક થઈ જાયે…          વર્ષાધાર…

 

બચપણની મસ્તી સમ ઝુમતાં જલ તોરણ મનભાવે,

યૌવનની મોહકતા જેવી સૃષ્ટિ ખીલખીલ થાયે…              વર્ષાધાર…

 

વિશ્વ પટલ પર હરિયાળીની ચાદર ઈશ બિછાવે,

હરિયાળીમાં હર્ષ બનીને હરિતો હસતા જાયે…                  વર્ષાધાર…

 

મેઘ ધનુના રંગ લઈ જળ વસુંધરાને આપે,

પૃથ્વી વિધ વિધ રંગે ખીલતી સ્નેહ સુગંધી આપે…           વર્ષાધાર…

    ===ૐ===

શ્રાવણ વદ પાંચમ, સં. ૨૦૩૮, સોમવાર. તા. ૯-૮-૮૨.