Tag Archives: મૃત્યુ

નવી વિજયાદશમીના મેં દર્શન કીધાં.

સામાન્ય

એને ચહેરે ખુમાર અને મુખથી હુંકાર,

કૃતિ ભક્તિના શસ્ત્રોના પૂજન કીધાં,

નવી વિજયાદશમીના મેં દર્શન કીધાં…

 

પોતાની શક્તિની સીમાઓ બાંધી,

જીવન પ્રતિભાની સરહદ પણ આંકી,

એવી સીમાઓ ઓળંગી પગરણ કીધાં…        નવી વિજ્યાદશમીનાં…

 

પાયલને સુણીએ ઘાયલ થશે ના,

પ્યાલીમાં ડૂબીને ડૂબી જશે ના,

જીવ સ્વાર્પણની વેદીમાં હોમી દીધાં…          નવી વિજ્યાદશમીનાં…

 

ક્ષત્રિયનું શૌર્ય આજ મલકી રહ્યું છે,

ક્ષાત્રતેજ નિર્બળતા બાળી રહ્યું છે,

આજ આસુરી વૃત્તિનાં મૃત્યુ દીઠાં…              નવી વિજ્યાદશમીનાં…

 

બ્રહ્મતેજ વેદના વિચારને વહાવશે,

ક્ષાત્રતેજ અવરોધો સઘળા હટાવશે,

તેથી યોગેશ્વર નયણાં ને હસતાં દીઠાં…          નવી વિજ્યાદશમીનાં…

 

રામ અને કૃષ્ણ રગેરગમાં વસ્યા છે,

પાંડુરંગ દિલને દિમાગમાં રમ્યા છે,

ધર્મ સંસ્કૃતિ જૌહર અટકાવી દીધાં…             નવી વિજ્યાદશ્મીનાં…

===ૐ===

આસો સુદ સપ્તમી, સં. ૨૦૪૧, રવિવાર. તા. ૨૦-૧૦-૮૫. (મુંબઈ પ્રમુખાનંદ હોલ).

છંદ – ૨

સામાન્ય

રાવણના અત્યાચારોથી તો આખી ધરતી રડતી’તી,

દેવો સઘળા છે કેદ મહીં ને દાનવ સૃષ્ટિ હસતી’તી,

મર્યાદા પુરુષોત્તમ રામે કરદી દ્રષ્ટિ કીધી’તી,

દૂષણની લંકા સળગાવા મશાલ ત્યારે સળગી’તી.

 

દુર્યોધનની પાપાચારી વૃત્તિ જ્યારે મલકી’તી,

મર્યાદાની રેખા જ્યારે દુઃશાસનથી તો તૂટતી’તી,

અભિમન્યુના મૃત્યુથી માનવતા ડૂસકાં ભરતી’તી,

અર્જુનની વીરતાની આગે મશાલ ત્યારે સળગી’તી.

 

અરવલ્લીની ગિરિ કંદરા શૌર્ય ગીતોને ગાતી તી,

ચેતકની ટપ ટપ ટાંપાએ ધરતી થરથર ધ્રુજતી’તી,

પ્રતાપ સામે ટક્કર લઈ દુશ્મનની હિંમત તૂટતીતી,

સ્વાભિમાનની જ્વાળાઓથી મશાલ ત્યારે સળગીતી.

 

ધર્મ ભૂલાયો કર્મ ભૂલાયું મર્મ ભૂલાયો જીવનનો,

ભાવ ઝરણ દિલથી સૂકાયું સ્નેહ બધેથી છે ખોયો,

ફોગટીયા વૃત્તિએ જ્યારે જગમાં માઝા મુકી છે,

જ્ઞાન ભક્તિને કર્મયોગની મશાલ આજે સળગી છે.

        === ૐ ===

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

દીધું મોત એતો પ્રભુ પ્રેમ ગીત છે

સામાન્ય

દીધું મોત એતો પ્રભુ પ્રેમ ગીત છે

વિના મોત જીવનનું સંગીત મટે છે

 

જરા જીર્ણ માનવનાં દેહો જગતમાં

ભટકતાં ન મરતાં એ આખા મલકમાં

પરુ રક્ત વહેતાં ને રોગોનું ઘર છે        દીધું …

 

ઘરો ઘરમાં કજીયા ને હર ઘરમાં હોળી

જગા નવ મળે સ્નેહની ક્યાંય ખોળી

નવાં સર્જનોને કયાં રહેવું એ ડર છે        દીધું …

 

જુનાં પર્ણ ખરશે નવાં ત્યાં પ્રગટશે

કહોકે જૂનાં લઈ નવાં રુપ ઉગશે

નવાં રૂપ શક્તિ કલેવર મળે છે         દીધું …

 

વિસર્જન તો સર્જનનું સ્વાગત કરે છે

ને ખંડિત સ્વરૂપને એ મુખરીત કરે છે

જીવનને નવા પ્રગતિ પંથો ધરે છે         દીધું …

 

અમંગલ નથી મોત માંગલ્ય દે છે

જગન્માત બાળકને ઉરમાં ધરે છે

હસાવી રમાડી ફરી મોકલે છે        દીધું …

    ====ૐ====

પોષ સુદ ચૌદશ સં. ૨૦૩૬ સોમવાર તા. ૧-૧-૮૦.

“પાદ પૂર્તિ“

સામાન્ય

“પાદ પૂર્તિ“

 

કહે જગને માયા જુવે મૃત્યુ છાયા

સ્મશાને વિરક્તિ ની વાતો વદે છે

છતાં ભોગમાં મસ્ત થઈને જીવે સૌ

અજબ છે આ દુનિયા ગજબ છે આ દુનિયા

 

કરે જાપ યજ્ઞો અનુષ્ઠાન એવાં

વળી એક ટાણું વ્રતોયે અનેરાં

છતાં પાપ રમતું નહીં કોઈ ડર છે

અજબ છે આ દુનિયા ગજબ છે આ દુનિયા

 

ન માગ્યું પ્રભુ એ ઘણું એ દીધું છે

પ્રભુએ દીધું તે પ્રભુના ને દેવું

અમારા તમારાની વાતો નથી કઈ

ન લેવું ન દેવું સદા મસ્ત રહેવું

 

નથી થાવું હલકા કે માગણ અમારે

નથી દાન શૂર થઈને કીર્તી કમાવી

નિજાનંદમાં ગાન ગાવું છે ઈશનું

ન લેવું ન દેવું સદા મસ્ત રહેવું

=============ૐ==============

ચૈત્ર સુદ પૂનમ (હનુમાન જયંતી) સં. ૨૦૩૫ ગુરુવાર તા. ૧૨.૪.૭૯

“ભાવ નિર્ઝરી” માં યોગેશ્વર, યોગેશ્વર ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે કાવ્ય પંક્તિઓની “પાદ પૂર્તિ” કરવા આપેલી. તે કાવ્ય પંક્તિઓ પ. પૂ. દાદા (પાંડુરંગ આઠવલે) પાસે રજૂ કરેલી.