Tag Archives: યુવાની

જીવન ઊર્ધ્વગામી થવાને ચહે છે.

સામાન્ય

જીવન ઊર્ધ્વગામી થવાને ચહે છે,

મટી શૂન્ય એ પૂર્ણ બનવા મથે છે.

 

ફૂટે અંકુરો થૈ’ ઘટાવૃક્ષ થાવા,

ફૂલોને ખીલવતું મધુરું હસે છે.

 

અમારી આ માટીમાં જે બીજ વાવ્યાં,

વાર્ધક્ય એનાં ફ્ળો ભેટ દે છે.

 

સંજોગના સૌ શિકારો થવાના,

સંજોગના કો શિકારી બને છે.

 

વિચારોની સાવરણી મનની ભૂમિ પર,

વિકારોના કચરાને વાળ્યા કરે છે.

 

નિરામય ધવલ નિર્મળી જિંદગાની,

તે પામવા દિલ સદાયે રુવે છે.

 

‘ચાલી’ યુવાની દઈ હાથ ’તાલી’

પડે ‘ચાસ’ મુખ પર જીવન ‘વન’ મહીં જે.

 

વરસગાંઠ ટુકડાથી ગંઠાતુ જીવન,

અમરગાંઠ કાજે તલસતું રહે છે.

 

નથી થાવું પથ્થર કે જે શીશ ફોડે,

પરમ સ્નેહ મૂર્તિ થવું ઝંખના છે.

    ===ૐ===

જેઠ સુદ ચોથ, સં. ૨૦૪૧, ગુરુવાર, તા. ૨૩-૫-૮૫.

 

૧. ‘ચાલી’ – ચાળીસ વર્ષ, ૨. ‘તાલી’ – એકતાલી (૪૧), બેંતાલી (૪૨), ૩. ‘ચાસ’ – પચાસ(૫૦), ૪. ‘વન’ – એકાવન, બાવન

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

પ્રભુથી આવું ના સહેવાય.

સામાન્ય

(રાગ – ભાઈ મારે કરવો છે સ્વાધ્યાય…‌)

 

પ્રભુથી આવું ના સહેવાય… (૨) … ટેક

 

ચૌદ ભુવનનાં રચનારની આંખે જળ ઊભરાય,

એનું ઉત્તમ સર્જન માનવ આવો પાપી થાય…                        પ્રભુથી… (૨)

 

ખીલતી શૈશવ કળીને જ્યારે દુર્ગુણ કીડા ખાય,

સંસ્કારોથી વંચિત બચપણ કંટક સમ થઈ જાય…                 પ્રભુથી… (૨)

 

રસ ભરપૂર યુવાની જ્યારે કસ હીન થઈ રોળાય,

બળતી ગીતા રડતી સીતા તોય ન દિલ દુખાય…                    પ્રભુથી… (૨)

 

જામ મહીં જોબન છે ડુબ્યું દામ મહીં વેચાય,

ધર્મ અને સંસ્કૃતિ વેચે તોયે નહીં લજવાય…                         પ્રભુથી… (૨)

 

ઘડપણ ખાલી ખાલી દિસતું નિરાશા દેખાય,

જીવન ભાર થકી ઉગડું થઈ મોત મુખે હોમાય…                     પ્રભુથી… (૨)

 

તત્વજ્ઞાનની મોટી વાતો જીવનમાં ન જણાય,

ધર્મ ધુરંધર પંથ બનાવી વાડા કરતાં જાય…                          પ્રભુથી… (૨)

 

ડાળીને જળ સિંચન કરતા મૂળ સમૂળ ખવાય,

વૈદીક ધર્મ ડુબાડી સાચો ઈશનાં વેરી થાય…                         પ્રભુથી… (૨)

        ===ૐ===

માગસર સુદ બીજ (નરસિંહ મહેતા જયંતિ), સં. ૨૦૩૯, શુક્રવાર. તા. ૧૭-૧૨-૮૨.

યુવાની.

સામાન્ય

જો આવે તો સમજાય ના આ યુવાની,

ને સમજાય ત્યારે ન હોય એ યુવાની.

 

કદીક થોરનો ફાલ થઈને એ ફાલે,

છે કંટકનું ઉપવન ને ડંખે યુવાની.

 

ફણીનો ફૂંફાડો બનીને ઘૂરકતી,

ગરલ ઘૂંટડાને પીવાડે યુવાની.

 

પાષાણ થઈને ઊછળતી ને કૂદતી,

વિસર્જનને ચાળે ચઢે છે યુવાની.

 

બહુરંગી પુષ્પો બનીને એ ખીલતી,

જીવનની સુગંધીને વ્હેંચે યુવાની.

 

કદીક જો ચહે તો થતી પ્રાણવાયુ,

નહીં તો પવન આંધી થાતી યુવાની.

 

જો થાયે એ કામી તો બનતી નકામી,

નહીં તો જીવનનું રસાયણ યુવાની.

 

છે સૌંદર્ય એમાં ને સંગીત એમાં,

શક્તિનો સાગર છલકતી યુવાની.

 

બને કૃષ્ણ તો વિશ્વ આખું પલટશે,

પરમ સ્નેહ બંસી બજવશે યુવાની.

    === ૐ ===

કારતક સુદ પાંચમ(લાભ પાંચમ), સં, ૨૦૩૯, શનિવાર. તા. ૨૦-૧૧-૧૯૮૨.

દેખો નર્મદાને તીર, ફોજ સંસ્કૃતિની આવી.

સામાન્ય

(રાગ – જાગો જાગો રે યુવાનો હોય સંસ્કૃતી જો વ્હાલી … )

 

દેખો નર્મદાને તીર, ફોજ સંસ્કૃતિની આવી;

ફોજ સંસ્કૃતિની આવી, નવલી આશાઓને લાવી…              દેખો …

 

ભૃગુ ઋષિનું તપ તો, આજે સાકારીત થઈ આવ્યું;

ધર્મ યજ્ઞની ધૂમ્રસેરથી, આખું ગગન છવાયું;

પ્રભુ કાર્યમાં ફના થવાને (૨), જુવાની છે આવી…                દેખો …

 

ભક્તિની શક્તિ ધારીને, શાણું જોબન આવ્યું;

કોડીલું યૌવન આજે, ઈશ ચરણે જઈને નાચ્યું;

ભોગવાદની સામે (૨), એણે કરડી આંખ બતાવી…               દેખો …

 

અધર્મનું અંધારું હણવા, મશાલ કરમાં જલતી;

અરમાનોનું તેલ કરી, યુવાની એમાં પુરતી;

ભ્રાંતવાદની સામે (૨), એની આંખો થી છે રાતી…                  દેખો …

 

પાંડુરંગી સેના, વણથંભી કૂચ કરતી આવી;

પંથ ભૂલેલાનો કર ઝાલી, સન્માર્ગે લઈ આવી;

कृण्वन्तो विश्वम (२) आर्यम ની હાંક એણે પાડી…                  દેખો …

 

વયસ્થ સંચલનને જોઈ, રેવાજી ખુશ થાયે;

સિંહ ગર્જના સૂણતાં, એનું હૈયું ખુબ મલકાયે;

વેદોનું ગર્જન સાંભળતાં, ઋષિઓ થાતાં રાજી…                    દેખો …

            ===ૐ===

પોષ સુદ પાંચમ, સં. ૨૦૩૮, બુધવાર. તા. ૩૦-૧૨-૮૧.