Tag Archives: રાહ

દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો.

સામાન્ય

(રાગ – તમે સાચા સ્વાધ્યાયી બનો ઊઠો ઊઠો…)

 

તમે દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો…

હો ભાઈ દાદાનો સાદ સુણી ઊઠો ઊઠો

 

તીર્થોનો રાજ ‘તીર્થરાજ’ છે પુકારતો,

એનાં શમણાંમાં રંગ પુરો પૂરો,

એ.. એ.. જ્ઞાની વૈજ્ઞાનિકના પ્રશ્નોના સૌ જવાબ,

દેશે ત્યાં પાંડુરંગ શૂરો શૂરો… રે                       દાદા…

 

પ્રશ્નોની જાળ મહીં ગૂંચવાયો માનવી,

તંત બધો આજ અહીં તૂટ્યો તૂટ્યો,

એ..એ.. બૌધિક સામાજીક આધ્યાત્મિક ઉત્તર મળ્યા,

નિજની શ્રદ્ધા જગાડી બેઠો કીધો… રે              દાદા…

 

ઊગ્યો છે ભાણ જગે શ્રદ્ધા વિશ્વાસનો,

સંસ્કૃતિ ધર્મ પ્રાણ રિઝયો રિઝયો,

એ.. એ.. પંથોના વાડાઓ સઘળા તૂટી રહ્યાને,

વૈદિક સંસ્કૃતિ માર્ગ ખૂલ્યો ખૂલ્યો… રે             દાદા…

 

સૈકાના અંધારાં દશકમાં વાળીયાં,

સાચો માનવ ઊભો કીધો કીધો

એ.. એ.. રડતી ભક્તિને વળી થોથલાં કરમ કાઢી,

સાચો જીવનનો રાહ ચીંધ્યો ચીંધ્યો… રે           દાદા…

 

આનંદો આજે ઓ દુનિયાના માનવી,

યુગને પલટાવનાર દીઠો દીઠો,

એ.. એ.. તીર્થરાજ પ્રાંગણમાં આજે મલકી રહ્યો,

યોગેશ્વર જોઈ ‘એને’ રીઝ્યો રીઝ્યો… રે             દાદા…

===ૐ===

કારતક વદ બારસ, સં. ૨૦૪૨, સોમવાર. તા. ૯-૧૨-૮૫.

યૌવનને બારણે.

સામાન્ય

આવીને ઊભો હું યૌવનને બારણે,

લાગણીએ સત્કાર્યો યૌવનને બારણે.

 

ગમગીની ફાંસી થઈ મુજને ગુંગળાવતી,

મોતને પુકારું હું યૌવનને બારણે.

 

ખુશીઓનાં પુષ્પોની સુરખી ફેલાઈ જતી,

હાસ્યને વધાવતો હું યૌવનને બારણે.

 

કૈંક કરી નાખવું છે એવા વિચાર મહીં,

વાટ જોઈ વાટ ભૂલું યૌવનને બારણે.

 

પોતાનાં શમણાંની ભૂતાવળ નીરખીને,

ખુદનું હું ભૂત જોઉં યૌવનને બારણે.

 

મૂંઝવણનાં જાળામાં જીવન ગુંચવાઈ ગયું,

જીંદગીનો મર્મ ભૂલ્યો યૌવનને બારણે.

 

હાસ્ય અને રુદનના લોલક સમ ડોલતો,

સ્થિર થવા મથતો યૌવનને બારણે.

 

રાહ છે અજાણી ને લાંબી સમજાય નહીં,

રાહબરને ખોળું છું યૌવનને બારણે.

        === ૐ ===

વૈશાખ વદ ત્રીજ, સં. ૨૦૩૯, શનિવાર. તા. ૩૦-૪-૧૯૮૩.

નવો ઈતિહાસ સર્જુ છું.

સામાન્ય

નથી ઈતિહાસ લખનારો, નવો ઈતિહાસ સર્જુ છું;

ન પુસ્તકમાં પૂરાનારો, સમર ક્ષેત્રે વસી જઉં છું.

 

નથી આફતથી હું ડરતો, ન વિપદાથી હું ગભરાતો;

સુખો ને દુ:ખનાં મિશ્રણ તણું, શરબત પી લઉં છું.

 

જો રોકે રાહમાં પથ્થર, પ્રતિમાઓ ઘડી લઉં છું;

અગવડને બધી સગવડ બનાવી, માર્ગ કાપુ છું.

 

નથી ચિંતા મને, કે રાહમાં અંધાર અટકાવે;

સૂરજ ને ચંદ્રનાં દિવા લઈ, આગળ ધપી જઉ છું.

 

ગણો તો હું પુરાતન છું, સનાતન નિત્ય નૂતન છું;

હું અર્વાચીન વિચારોમાં, નવાં સર્જન કરી લઉં છું.

 

પ્રતિમાઓ બધી ઈતિહાસનાં પૃષ્ઠો બની ઉભી;

હું સૌનો પ્રાણ થઈ જઈને, જીવન ધારા વહાવું છું,

 

ગ્રહોને છુટ છે, મુજ જીંદગીમાં ખેલ કરવાની;

ગુરુ છે સ્થિર, એ દાદાનાં ઈશારે જીવી લઉ છું.

        ===ૐ===

જેઠ સુદ પૂર્ણિમા, સં. ૨૦૩૮, રવિવાર. તા. ૬-૬-૮૨.

તેથી આજ ખીલી છે વસંત.

સામાન્ય

આજ ખીલી છે વસંત,

    જીવનમાં આજ ખીલી છે વસંત.

એક મળ્યા છે સંત,

    તેથી આજ ખીલી છે વસંત.

 

માગણથી માલિક બનાવ્યા, લાચારીનાં રાહ બતાવ્યા,

દુર્બલ મન નો અંત…                                                   તેથી…

 

ચેતન પૂરતો ધર્મ બતાવ્યો, સ્ફુર્તિ શક્તિ તેજ એ લાવ્યો,

હૈયે ભાવ રમંત…                                                         તેથી…

 

ઐક્ય તણા દોરે સહુ બાંધ્યાં, જનને ઈશ સંસ્કારો લાદ્યા,

સંસ્કૃતિ નીર વહંત…                                                    તેથી…

 

યૌવન શક્તિ નીરને બાંધ્યાં, જ્ઞાન ભક્તિને કર્મથી સાંધ્યા,

ધર્મ કર્યો જીવંત…                                                        તેથી…

 

જીવન વનથી ઉપવન કીધું, પાંડુરંગી પીણું દીધું,

આણ્યો દુ:ખનો અંત…                                                  તેથી…

    ===ૐ===

અષાઢી બીજ(અષાઢ સુદ બીજ), સં. ૨૦૩૮, બુધવાર. તા. ૨૩-૬-૮૨.

(થળી માં રચ્યું.)