Tag Archives: વર્ષા

। योगेश्वर स्तवन ।

સામાન્ય

મૂંઝાતો પાર્થને જોઈ હરિ કહેતા રણાંગણે,

સમાધિ ભાવમાં બોલે ભૂલી નિજ કૃષ્ણત્વને.

 

યોગેશ્વર તણા રૂપે બ્રહ્મ ત્યાં વિલસી રહ્યું,

‘ભગવન્ ઉવાચ’ તેવું તેથી ગીતામાં કહ્યું.

 

યોગની ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા તે યોગેશ્વર,

તેથી રામને શિવજી કૃષ્ણ જયમ યોગેશ્વર.

 

પ્રક્રિયા જીવને શિવથી જોડતી યોગ જાણવી,

એવાં સિદ્ધ યોગાત્મા છલકાવે યોગ જાહ્નવી,

 

સમર્પું મુજ કાયાને સ્વીકારો યોગેશ્વરો,

બ્રહ્મની સ્નેહ વર્ષાને રેલાવો બ્રહ્મેશ્વરો.

=== ૐ ===

મેહુલીયા વરસી જજે રે લોલ.

સામાન્ય

ઉપવનને આંગણે હો,

મેહુલીયા વરસી જજે રે લોલ. . . ()

 

વર્ષાની ઝાંઝરી વગાડતો તું આવજે,

શ્યામ બંસી ગુંજ્શે હો. . .                               મેહુલીયા. . .

 

કાનાનું મોર પીંછ મોર થૈ ટહુકશે,

એને નચાવજે હો. . .                                      મેહુલીયા. . .

 

તું છે વરુણ તેથી ગર્વ નહીં ધારતો,

છોડ મહીં પ્રગટ્યા રણછોડ. . .                      મેહુલીયા. . .

 

એક એક બુંદ અભિષેક તું બનાવજે,

યોગેશ્વર રીઝશે હો. . .                                     મેહુલીયા. . .

 

ઉપવનને મંદિરીયે વૃક્ષ પ્રતિમા બન્યું,

એને નવરાવજે હો. . .                                      મેહુલીયા. . .

 

પાંડુરંગ હૈયું એ ઉપવનની ભોમ છે,

યોગેશ્વર ફૂલડું હો. . .                                        મેહુલીયા. . .

======

ચૈત્ર સુદ પાંચમ, સં. ૨૦૪૧,મંગળવાર. તા. ૨૬૮૫.

નવી નવેલી સવાર આવે.

સામાન્ય

મટયું તિમિરને ડુબ્યા સિતારા,

    નવી નવેલી સવાર આવે.

કળી મટીને કુસુમ ખીલતાં,

    નવી યુવાની ખુમાર લાવે.

 

અનેક મુખથી વિહંગ ગાતાં,

    નવા જીવનની ગઝલ મજાથી.

નીચે પડેલા જગતને એ તો,

    ઊંચે જવાની દિશા બતાવે.

 

પવનની મીઠી લહરીથી વૃક્ષો,

    ઉમંગથી સૌ રહ્યાં છે નાચી.

જલાવે ભડભડ ભલેને તડકા,

    વરસતી વર્ષાની ધાર આવે.

 

ન થાય નાખુશ નદી કદાપી,

    ન કોઈ એની ખબર કઢાવે.

છલકતી આનંદ એક સરખો,

    ઉરે રમાડી મજા કરાવે.

 

સવારી વીજળી ઉપર છે કીધી,

    ગડડ નગારાં ગગનમાં વાગે.

મળ્યું છે અમને ક્ષણિક આયુ,

    છતાંય મસ્તી ભરેલ જાવે.

 

અમે તો છોડી અમારી નૌકા,

    અમારે જાવું અમારે સ્થાને.

જીવન કે મૃત્યુ મહીં અમારા,

    હંસી ખુશીની બહાર આવે.

    ===ૐ===

શ્રાવણ સુદ દસમ સં. ૨૦૩૯, ગુરુવાર, તા. ૧૮-૮-૮૩.

(સ્ટુડન્ટસ યુનિયન, મ. સ. યુનિવર્સિટી, વડોદરાની ચુંટણી ટાણે પોલીંગ બુથમાં નવરાશના સમયે લખ્યું.)

અહીં નાચે છે હોંસે યોગેશ્વર સ્વયં.

સામાન્ય

આજ દીઠું મેં એવું અમૃતાલયમ,

અહીં નાચે છે હોંસે યોગેશ્વર સ્વયં.

 

વાંસ અને ઘાસ થકી બાંધ્યો આવાસ છે,

વૃક્ષ અને વેલીનો જામ્યો અહીં રાસ છે,

થતાં સુકાં જીવન તો આવાં લીલાંછમ…                અહીં …

 

ગામનાં વડીલ પ્રભુ મંદિરે બિરાજતા,

સાંજ ને સવાર સહુ મળવાને આવતાં,

કરે પ્રાર્થના નથી એ લખેલો નિયમ…                    અહીં…

 

ઈશ્વરનો સાથ સદા જીવનમાં માનતા,

ભાગ ભગવાનનો કૃતજ્ઞતાથી આપતા,

“નથી” એને પ્રસાદ ગણી દેવાતું ધન…                 અહીં…

 

વાયુ ને વર્ષા જો મંદિરને ભાંગતાં,

નવલું મંદિર રચવા આવે સૌ ભાગતાં,

સંપ સહકારે સર્જાતું ઈશનું ભવન…                       અહીં…

 

લોકનાથ અંકે ના ભુખ્યા કો માનવી,

તોય દીનજનમાં ના દીનતા વધારવી,

અહીં થાતું માનવનાં મુલ્યોનું જતન…                    અહીં…

 

સંઘ શક્તિ માંહી ભાવ કેરી ભીનાશ છે,

ઈશ્વરની કરુણાની એમાં કુમાશ છે,

દીધું પાંડુરંગે સાચી ભક્તિનું દર્શન…                     અહીં…

    ===ૐ===

તુલસીપુરા (સાવલી તાલુકા જીલ્લો વડોદરા‌)માં થયેલા ગુજરાત વિભાગનાં પ્રથમ અમૃતાલયમ પ્રસંગે બનાવેલું ગીત.

 

આ અમૃતાલયમની ડીઝાઈન બનાવવાનું સૌભાગ્ય મને મળેલું .

વર્ષાધાર વહાવીને હરિ જીવન ધાર વહાવે.

સામાન્ય

 

(રાગ – હાથ ફર્યો કીરતાર તણો… – શિવરંજની)

 

વર્ષાધાર વહાવીને હરિ જીવન ધાર વહાવે,

શુષ્ક હૃદય સંતપ હરિને નવ અંકુર પ્રગટાવે.

 

નભને પ્રાંગણ નૃત્ય કરે ઈશ ગડગડ શબ્દ ગજાવે,

સ્નેહ નૂપુર તુટતાં જલબિંદુ રીમઝીમ શબ્દે ગાવે…             વર્ષાધાર…

 

શેરી સઘળી સરિતા જેવી ધસમસતી વહી જાયે,

એમાં કાગળની નૈયા સમ જીવન વહેતું જાયે…                 વર્ષાધાર…

 

વિદ્યુત જેવું જીવન પણ જો ક્ષણભર ચમકી જાયે,

તિમિર મહીં થઈ તેજ લીસોટો પથદર્શક થઈ જાયે…          વર્ષાધાર…

 

બચપણની મસ્તી સમ ઝુમતાં જલ તોરણ મનભાવે,

યૌવનની મોહકતા જેવી સૃષ્ટિ ખીલખીલ થાયે…              વર્ષાધાર…

 

વિશ્વ પટલ પર હરિયાળીની ચાદર ઈશ બિછાવે,

હરિયાળીમાં હર્ષ બનીને હરિતો હસતા જાયે…                  વર્ષાધાર…

 

મેઘ ધનુના રંગ લઈ જળ વસુંધરાને આપે,

પૃથ્વી વિધ વિધ રંગે ખીલતી સ્નેહ સુગંધી આપે…           વર્ષાધાર…

    ===ૐ===

શ્રાવણ વદ પાંચમ, સં. ૨૦૩૮, સોમવાર. તા. ૯-૮-૮૨.