Tag Archives: વાસના

શ્રી ગણેશ દેવા.

સામાન્ય

(રાગ – વાણીની દેવી મા શારદા નમન તને…)

 

આદ્યશક્તિ માતા ને પિતા મહાદેવા,

વંદું હું વારંવાર શ્રી ગણેશ દેવા.

 

જ્ઞાન અને કલ્યાણ શિવનું સ્વરૂપ છે,

સમૃદ્ધિ ઐશ્વર્ય ગૌરીનાં રૂપ છે,

એમના સપૂત તમે ધૈર્યશીલ દેવા…            વંદું…

 

વિદ્વાનોનાં પડછાયા સૌને ડરાવે,

તેથી સારા કામો કરવાં ન ફાવે,

આપનાં અભય માટે લાગે છે મેવા…           વંદું…

 

વાસનાના મૂષક ફૂંકી ફૂંકી ખાયે,

દર્દની એ પીડા પાછળથી જણાયે,

અંકુશમાં રાખી સવાર થાવ દેવા…              વંદું…

 

જીવન પ્રસાદ ધરે ઈશ્વરની સામે,

દૈવી બુદ્ધિ રિદ્ધિ સિદ્ધિને પામે,

કુરૂપ સુરૂપ થાયે સમજાવો દેવા…               વંદું…

 

અંકુશથી પાપોની વૃત્તિ દબાવજો,

પરશુથી દુર્ગુણનાં મસ્તક સંહારજો,

મોદક આનંદ રૂપ દેજો હો દેવા…                 વંદું…

    ===ૐ===

વાઘરી પ્રભુનો થઈ ખેંચે છે શ્યામને

સામાન્ય

(हम तो चले जाते भगवन जहां बुलाते …)

 

વાર વાર ઘડી ઘડી રિઝવે છે શ્યામને,

વાઘરી પ્રભુનો થઈ ખેંચે છે શ્યામને…

 

વાત વાતમાં હરિની વાણી સમજાવતો,

ઘર ઘરમાં ઈશની કહાણી પોં’ચાડતો,

રીતભાતથી એની મોહે ઘનશ્યામને…                           વાઘરી…

 

વાઘ સમી ત્રાડ દીધી દૂષણને મારવા,

ઘર ખૂણે બેઠેલી ભક્તિ રેલાવવા,

રિપુઓને મારીને રીઝવે ભગવાનને…                           વાઘરી…

 

વાત્સલ્યે ખુદને ને જગને મહેંકાવતો,

ઘટ ઘટમાં ઈશ્વરની હાજરીને માણતો,

રિબાતાં જનમાં એ નચવતો રામને…                            વાઘરી…

 

વાસુદેવ વાસના થયો એના દિલમાં,

ઘટતો ના ભાવ એનો ઈશના ચરણમાં,

રિદ્ધિ સિદ્ધિ ગણતો પાંડુરંગ પ્રેમને…                             વાઘરી…

    ===ૐ===

મહા સુદ અગિયારસ – જયા એકાદશી, સં. ૨૦૪૧, શુક્રવાર. તા. ૧-૨-૮૫.

શંભુ મને લલચાવતા.

સામાન્ય

વિશ્વ તરછોડે તોયે સ્વીકારતા,

હાં… રે… તેથી શંભુ મને લલચાવતા… (૨)

 

રંગ કે સુગંધ હીન પુષ્પને સ્વીકારીયા,

આકડો ને ધતૂરો મસ્તક પર ધારીયા,

મહીં ફોરમ સદાશિવ રેલાવતા…                                હાં… રે…

 

શક્તિનો પુંજ છતાં અજ્ઞાની પોઠિયો,

પોતાનો સ્થાપીને વાહન બનાવીયો,

જુઓ જ્ઞાન અને અજ્ઞાન ભેટતાં…                             હાં… રે…

 

રાખ છતાં અંગ ધરી શાખ તે વધારી,

સ્ખલનશીલ ચંદ્ર શીશ ધરી આગ ઠારી,

તમે હૈયાને ઝૂલે ઝૂલાવતા…                                     હાં… રે…

 

વરવાં લાગે છે રૂપ મારુતિ ગણેશનાં,

શોભાવે દ્વાર તોય આપના રવેશનાં,

આપ ગુણના સૌંદર્યને સજાવતા…                            હાં… રે…

 

વાસનાનાં ભૂત સદા સૌને રંજાડતાં,

એમની ભયાનકતા આપ છો નિવારતા,

બાળી વાસનાને શાંતિ વહાવતા…                            હાં… રે…

 

વિશ્વ તણાં વિષ પીને અમૃત પીવડાવતા,

પશુપતિ નાથ તમે સૌને અપનાવતા,

દેવ દાનવને માનવ પોકારતાં…                                હાં… રે…

            ===ૐ===

ભાદરવા સુદ બારસ, સં.૨૦૪૦, ગુરુવાર. તા. ૬-૯-૮૪.

મોત.

સામાન્ય

(મારું પ્રથમ ગીત, જે ૧૩ વર્ષની ઉંમરે લખેલું.)

 

મોત છોને આવતું, કદમ કદમ બઢાવતું;

ને જીંદગીના દંબદંબ, શ્વાસને રૂંધાવતું;

ભલે મળે. . .

દુઃખ દર્દ કેરો, એક કાંગરોયે તૂટશે;

તો માનશું કે જીંદગીમાં, મોત તો મરી ગયું.

 

હુસ્નના બજારમાં, ને ઈશ્કના લેબાસમાં;

જીવનસુધા ને ચૂસતાં, એ પાશવી પિશાચના;

ચંદ ચાંદી ટૂકડે, ખરીદતા સુહાગના;

પાપીઓના પાપના, કદમ કદીક તોડીશું. . .                             તો માનશું. . .

 

કલા તણા કલાધરોની, વાસનાના વાસમાં;

શ્યામ રાતડી સમા, એ ચકચકીત વાસમાં;

કરી કલાની કત્લને, ધરે નવા લેબાસમાં;

કલા તના એ પાશવી, કફનનું મોત આણશું. . .                        તો માનશું. . .

 

બાજે કાં દુંદુભી અરે! શું મોતનું મરણ થયું?

શું પાપીઓનાં પાપ લઈ, અગ્નિમાં જલી રહ્યું?

શું પ્રેમનાં અનંત ગીત, ઘૂંટવા મથી રહ્યું?

 

હર યુગે પ્રભુજી અવતરે, સદા અરે ખરે;

તેમ પાપ અવતરે છે, માનવી જીવન ખરે;

પાપ પણ પ્રભુજીના, ચરણ મહીં જો અર્પશું;

ઈશની કરુણા થકી, મોક્ષ પંથ પામશું. . .                                તો માનશું. . .

            === ૐ ===

એનાં દિલમાં ઉમંગ.

સામાન્ય

(રાગ – થોડું બોલીને કરું, કૃતિ ઝાઝી…)

 

યાત્રીકો આવ્યા રેવાને ઉછંગ,

એનાં દિલમાં ઉમંગ.

 

આંસુનાં તોરણીયાં પાંપણને માંડવે,

વાત્સલ્ય છલકે છે હૈયાના પાલવે,

થાતો આનંદ નર્મદાને અંગ અંગ…                             એનાં…

 

ભૃગુઋષિ આનંદે આંખો નચાવતા,

પરિક્રમા સાચી રેવાની નિહાળતા,

ઋષિઓનાં નયણાંથી રેલાતી ગંગ…                         એનાં…

 

વાસના વળાવી વાસુદેવને વસાવવા,

તીર્થોનાં સ્થાન મહીં પાપોને બાળવાં,

નિજનાં પાતક સામે માંડયો છે જંગ…                        એનાં…

 

શુક્લતીર્થ કાળાં પાપોને જલાવતું,

માનવને ઈશ્વરનો પંથ એ બતાવતું,

પહોંચાડે જીવનનાં શિખર ઉતંગ…                             એનાં…

 

यात्रा તો યાદ આપે ઈશ્વરના વાસની,

प्राण કેરી ભેટ દેતી જીવન સુવાસની,

દર્શન મળ્યું છે સાચું પાંડુરંગ સંગ…                             એનાં…

        ===ૐ===

માગસર વદ બારસ, સં. ૨૦૪૦, શનિવાર. તા. ૩૧-૧૨-૮૩.