Tag Archives: શ્યામ

યમુના કાંઠડે

સામાન્ય

વાંસળી વાગી યમુના કાંઠડે… (૨)

ક્હાનાના હૈયાની વાણી ગાય રે…

ગાય રે. . . વાગી યમુના. . .

 

બંસી મનહર હોઠે રમતી,

ચુંબનનું મધુપાન એ કરતી,

અધર પીયાસી મુજને એની હોંસ રે…

હોંસ રે. . . વાગી યમુના. . .

 

શ્યામ મિલનનો દૂત થૈ આવી,

વિરહનું મારણ પણ લાવી,

મારું શમણું આજ થતું સાકાર રે…

સાકાર રે. . . વાગી યમુના. . .

 

અડધા પડધા વાઘા પે’ર્યા,

લૂખ્ખા કેશ હવામાં લહેર્યા,

હૃદય સજાવી ચાલી એની પાસ રે…

પાસ રે. . . વાગી યમુના. . .

 

રડતાં લોચનીયાં મલકાયાં,

મૂરઝાયેલાં મન મુસ્કાયા,

લાગણીઓની હરિયાળી હરખાય રે…

હરખાય રે. . . વાગી યમુના. . .

 

મોહન મર્માળું મલકાતો,

નેણ નચાવે થઈ મદમાતો,

એને આલિંગન ખોવાણી હાશ રે…

હાશ રે. . . વાગી યમુના. . .

=== ૐ ===

ભાદરવા સુદ આઠમ, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૨૩-૦૩-૧૯૯૩.

શ્યામ તારા દર્શન.

સામાન્ય

શ્યામ તારા દર્શનની યુગ યુગથી પ્યાસી,

રડતું મન મારું ને રહેતી ઉદાસી.

 

શમણામાં ગૈ મળવા આંખોના ગામમાં,

સ્નેહના કટોરા પીધાં કા’નના મુકામમાં,

લોભાવે મુજને એનાં નયનો વિલાસી…             રડતું મન. . .

 

ગાવડીના વાંસાને હેતે પંપાળે,

હોંસે હું જાઉં તોય સામુ ના ભાળે,

શાને સતાવી મને કરતો નીરાશી…                   રડતું મન. . .

 

યમુના રેલાતી મારાં નયણાંને બારણે,

વિરહના બાણ વાગ્યા એ દુ:ખને કારણે,

છૂપાવા ચાહે નેણ વ્રજના નિવાસી…                 રડતું મન. . .

 

જમુના કિનારે ને મનના મિનારે,

સ્નેહના ફુવારે ને આંસુની ધારે,

શોધ્યો જડે ના વ્હાલો કહાન અવિનાશી…        રડતું મન. . .

 

કાન મહીં કહે કા’ન “મળવા જો આવે,

મનને ઘડૂલે ગીત ગીતાનું લાવે,

રુદિયાને ધામ આવું યુગની પ્યાસી”…              રડતું મન. . .

=== ૐ ===

પોષ સુદ પડવો, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૨૪-૧૨-૧૯૯૨.

આવી ઉપવનમાં.

સામાન્ય

શ્યામ નાચતો વૃક્ષોની માંય;

આવી ઉપવનમાં,

હરે દુ:ખડાં એ રેલાવી છાંય;

આવી ઉપવનમાં.

 

બીજમાં એ નિરાકાર થઈને વસ્યો,

વૃક્ષમાં એ સાકાર રૂપ લઈને હસ્યો,

દીઠી અદ્ભુત વૃક્ષ પ્રતિમાય.                                   આવી ઉપવનમાં. . .

 

અંકુરોમાં એ બાલકૃષ્ણ રૂપે રમ્યો,

છોડવે છોડવે બંસીધર થઈ ઝૂમ્યો,

પુષ્પ ફોરમ થઈ યોગેશ્વર ગાય.                                 આવી ઉપવનમાં. . .

 

હરિ છૂપ્યો ઉપવન તેથી મૂક વન થયું,

કહાન નાચ્યો શાખામાં તે રૂપવન થયું,

મારાં ચિતવનનું ગીત થઈ જાય.                               આવી ઉપવનમાં. . .

 

સ્તોત્ર પંખીડાં વૃક્ષ કને ગુંજ્યા  કરે,

પ્રભુ કાર્ય અભિષેક બની રેલ્યા કરે,

પાંડુરંગ અહીં છૂપો મલકાય.                                     આવી ઉપવનમાં. . .

=== ૐ ===

માગસર સુદ બીજ, સં. ૨૦૪૮, રવિવાર. તા. ૮-૧૨-૧૯૯૧.

જાણ્યું ને માણ્યું

સામાન્ય

 

જાણ્યું ને માણ્યું તોય જીવતર અધૂરું,

શ્યામની નિકટતામાં થાય એ મધુરું. . .               જાણ્યું. . .

 

એનાં વાંકડિયા કેશ,

ધરે નીત નવાં વેશ,

રમે હોઠો પર મોજીલું સ્મિત તો સુચારુ. . .           શ્યામની. . .

 

એનો દ્રષ્ટિ વિલાસ,

રચે ઊર્મિનો રાસ,

હું તો સંગ સંગ રમવાને યુગ યુગથી ઝુરું. . .         શ્યામની. . .

 

સૂણી બંસીના સૂર,

થાય સૌ ગાંડાતૂર,

અંગ અંગ મહીં નાચતું સંગીત અનેરું. . .             શ્યામની. . .

 

ખીલ્યો પૂનમનો ચંદ્ર,

મળ્યું ગોપિકા વૃંદ,

રાસ ખેલતાં હરખાયું હૈયું અધીરું. . .                    શ્યામની. . .

 

સૃષ્ટિ ઝૂકી રહી,

સ્નેહ ઝંખી રહી,

સ્નેહ વૃષ્ટિથી મન મારું મસ્ત થયું પૂરું. . .         શ્યામની. . .

 

મારાં હૈયાના હાર,

તને કેમ લાગી વાર,

તારી વાટડી જોઈને થાક્યું મનડું અધીરું. . .        શ્યામની. . .

=== ૐ ===

શ્યામ ઝંખે છે એવી યુવાની.

સામાન્ય

પ્રભુકાર્યની મહેક જીંદગાની,

શ્યામ ઝંખે છે એવી યુવાની. . .                    હો (૨)

 

કાંટાળા મારગને પણ એ સ્વીકારશે,

જીવનનાં મૂલ્યો જન હૈયે વસાવશે,

ભલે દેવી પડે કુરબાની. . .                           શ્યામ. . .

 

રડતાં લોચનીયામાં‌ આશાને આંજતી,

પડકારો સામે એ સાવજ થઈ ગાજતી,

જાણે ચમકે શિવાની ભવાની. . .                  શ્યામ. . .

 

ભોગની ભૂતાવળને શિવજી થઈ મારશે,

ભાવની ભીનાશ દિલો દિલમાં રેલાવશે,

હરિ હૈયાની થાય ફૂલદાની. . .                       શ્યામ. . .

 

જીંદગીનો ફાગણીયો થઈને એ ફાલશે,

રંગોમાં રંગાઈ રંગીન થઈ મહાલશે,

થશે જીવન ઉત્સવની નિશાની. . .                શ્યામ. . .

 

પાંડુરંગ પીયૂષનું પાન કરી ઝૂમતી,

વિધાયક આશાના ચહેરાને ચૂમતી,

એની વાણી અમૄત સરવાણી. . .                   શ્યામ. . .

=== ૐ‌ ===

ફાગણ વદ સાતમ, સં. ૨૦૪૬, સોમવાર. તા. ૧૯-૦૩-૧૯૯૦.